આપણે ભગવાનના સ્મરણનો મહિમા સમજ્યા. હવે આ અંકમાં ભગવાન પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવે છે તેને સમજીએ. ભગવાન કૃષ્ણ હવે ભગવાનને પામવા માટે મુખ્ય કારણ ‘अभ्यास’(8/8) ને દર્શાવે છે એટલે કે પ્રબળ પુરુષાર્થથી જ ભગવત-સાક્ષાત્કાર સંભવ છે. સંસારમાં દરેક વ્યક્તિ ઉત્કર્ષને ઈચ્છે છે પરંતુ ઉત્કર્ષ માટે અત્યંત અનિવાર્ય બાબત મહેનતને બધા ઇચ્છતા નથી. મહેનત એટલે પરિશ્રમ! એટલા માટે જીવનમાં જે ઉત્કર્ષ ચાહે છે તેને મહેનતુ બનવાની જરૂર છે, મહેનત કરવામાં કશી જ નાનપ નથી એ વાત હૈયામાં નોંધી રાખવા જેવી છે. મહેનતુ માનવીને સૌ કોઈ ચાહે છે અને તેને માન આપે છે. મહેનતુ માનવી જ પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં કામિયાબ નીવડે છે એ તમે ક્યારેય ભૂલશો નહિ.આચાર્ય ચાણક્ય પણ આ વાતનું સમર્થન કરતાં કહે છે ‘કિં દૂરં વ્યવસાયિનામ્’ મહેનતુને શું દુર્લભ છે? એટલે કે તે બધું જ પામી શકે છે.
જે કામચોરી કરે છે-મહેનત કરવાથી દૂર ભાગે છે તે કદીએ ઊંચો આવતો નથી, જે વ્યક્તિ પોતાના સંસારને સુખી જોવા ઇચ્છતી હોય તેણે સમજપૂર્વક તનતોડ મહેનત કરવી જોઈએ. સામાન્ય રીતે આપણા સમાજમાં નજર નાખતાં એવું જણાઈ આવ્યા વિના રહેતું નથી કે SSC થયા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ મહેનતથી દૂર ભાગવાનું ઇચ્છે છે. હુકમ ચલાવાય એવી નોકરીની અપેક્ષા રાખે છે. સુથારનો, દરજીનો, લુહારનો દીકરો પોતાનો બાપીકો ધંધો કરવાને બદલે પ્રમાણમાં ઓછી મહેનતનું કામ-કારકુની કરવાનું ઇચ્છે છે. પરિણામે દેશમાં કારીગર ઓછા થતા જાય છે અને કારકુનો વધતા જાય છે. આ બાજુ, સફળ વ્યક્તિઓ મહેનત કરવામાં પાછું વળીને જોતા નથી. મહેનત કરવાથી દૂર ભાગતા નથી. મહેનતુ આદમી તરફ સમાજ આદરથી જુએ છે. તેને મુશ્કેલી નડે તો તેને કોઈ મદદરૂપ બને છે. પણ આળસુ આદમી તરફ સમાજ નફરતથી જુએ છે.
તેને સહાય કરવાનું કોઈ ઈચ્છતું નથી. અરે ! આપણા કુટુંબમાં જ જોઈશું તો મહેનતુ વ્યક્તિને બધા જ માન આપતા અને આળસુ થઈ કામધંધા વગર પડી રહેતી વ્યક્તિને ઘૃણાની નજરે જોતા કુટુંબના સભ્યોને જોઈ શકીશું. ધંધામાં પડેલી વ્યક્તિ મહેનત કરે છે, કેમ કે તે સારી રીતે જાણે છે કે વધુ પૈસો કમાવા માટે મહેનત જરૂરી છે પણ નોકરી કરતી વ્યક્તિ જેમ બને તેમ પોતાને ભાગે ઓછી મહેનતનું કામ આવે તેમ ઇચ્છે છે. આવી વ્યક્તિને ઊંચો હોદ્દો મળતો નથી, ઊંચો હોદ્દો મેળવવા ઇચ્છતી વ્યક્તિએ મહેનતુ બનવું જ રહ્યું. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિલ્સન પણ નાનપણમાં અત્યંત ગરીબ હતા. પોતાની માતાની ગરીબાઈને જોઈ ન શકવાથી માત્ર દસ વર્ષની ઉંમરે જ તેમણે ઘરનો ત્યાગ કર્યો હતો. માઈલો ને માઈલો સુધી પગે ચાલીને તેમણે કામની શોધ કરી હતી.
વર્ષો સુધી ગાયો ચરાવી હતી, લાકડાં ફાડ્યાં હતાં, મજૂરી કરી હતી. એકવીસ વર્ષની ઉંમરે પહોંચતા સુધીમાં તો તેમણે એક હજાર પુસ્તકો વાંચી નાખ્યાં હતાં. અથાક પરિશ્રમ કર્યો હતો. મહેનતને જ તેઓ ધન માનતા હતા. અમેરિકામાં તો કરોડપતિ માનવીઓ પણ પોતાનાં સંતોનોને કારખાનામાં મૂકે છે જેથી મજૂરો સાથે ખભેખભા મેળવી મહેનતનું કામ શીખે. આથી બે લાભ થાય છેઃ એક તો તેઓ મહેનતુ બને છે અને બીજો નાના માનવીઓ સાથે તે ભળી જાય છે અને તેમના તરફ નફરતને બદલે સ્નેહથી જોવાનું શીખે છે. એટલા માટે કહેવાયું છે -‘‘રસ્તે પડ્યા તો રણમાં રસ્તા જડી ગયા, ઊભા રહ્યા જે, મંજિલ પણ ભૂલી ગયા.’’
આધ્યાત્મિક સાધનામાં તો શરૂઆત જ દેહના દમનથી થાય છે. એક વાર પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને સારંગપુરમાં સંતોએ પૂછ્યું,‘બાપા!આપે આપના ગુરુ યોગીજી મહારાજના અમૃત મહોત્સવમાં સખત પરિશ્રમ કરેલો! થાક, ભૂખ, તરસ કે કોઈ પણ પ્રકારની દેહની અગવડને લક્ષ્યમાં લીધી નથી.’ સ્વામીએ તેઓને અટકાવતાં કહ્યું, ‘આ તો ગુરુભક્તિ કહેવાય! યોગીજી મહારાજની કૃપાથી ગમે તેવા ઉજાગરા થયા પણ માથું સરખુંય દુખ્યું નથી. બપોરનું જમવાનું 4 વાગે થાય છતાં ભૂખનો અનુભવ ન થાય! સ્વામીની દયા!’આમ પ્રમુખસ્વામી મહારાજે યોગીજીમહારાજના અમૃતમહોત્સવ માટે હદ ઉપરાંત શ્રમ વેઠેલો છતાં તેનો લેશ પણ ભાર નથી ! જો અધ્યાત્મના શ્રેષ્ઠ શિખરે વિરાજમાન સત્પુરુષ પણ આટલો શ્રમ ઉઠાવતા હોય તો પછી આપણે પણ શ્રમને જીવનમંત્ર બનાવીને જીવન ઉન્નત બનાવીએ.