Business

ઋષભ પંત પાસે ઓપનીંગ કરાવવા પાછળનો ભારતીય ટીમ મેનેજમેન્ટનો ઉદ્દેશ શું હતો?

મર્યાદિત ઓવરોની સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસે આવેલી વેસ્ટઇન્ડિઝની ટીમ સામે અમદાવાદમાં રમાયેલી બીજી વન ડે દરમિયાન ભારતીય ટીમ મેનેજમેન્ટે એક એવો પ્રયોગ કર્યો હતો કે જેના કારણે માત્ર ક્રિકેટ ફેન્સ જ નહીં પણ ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટરની ટીમ પણ નવાઇ પામી હતી. બીજી વન ડેમાં કે.એલ રાહુલ ટીમમાં પાછો ફરતા ઇશાન કિશન ટીમમાંથી બહાર થયો હતો. રેગ્યુલર ઓપનર ટીમમાં પાછો ફર્યો હોવા છતાં ટીમ મેનેજમેન્ટે રોહિત શર્માની સાથે ઓપનીંગ કરવા માટે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઉતાર્યો હતો. પંત પોતાની કરિયરમાં પહેલી વાર ઓપનર તરીકે મેદાનમાં ઉતર્યો હતો અને તેની પાછળનું ગણિત શું હતું તે કોઇને સમજાયું નહોતું. કેટલાક ક્રિકેટ એક્સપર્ટે એવો અંદાજ માંડ્યો હતો કે પંત મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા ઉતરે છે ત્યારે ઘણી વાર બેજવાબદારીથી બેટિંગ કરીને વિકેટ ફેંકી દે છે તેથી તેને જવાબદારીનું ભાન થાય તે માટે તેને ઓપનીંગમાં ઉતારવામાં આવ્યો હોય શકે. જો કે એક અંદાજ એવો પણ હતો કે આગામી વર્લ્ડ કપ પહેલાં ભારતને ચોથા ક્રમે એક સ્થાયી અને સારો બેટ્સમેન જોઇએ છે, જેના કારણે રાહુલને ત્યાં ફિટ કરવા આમ કરાયું હોઇ શકે.

આ વાત માની પણ લેવામાં આવે તો પણ ગળે ઉતારવી મુશ્કેલ છે કારણ કે રાહુલને ચોથા ક્રમે ફિટ કરવા માટે પંતને ઓપનીંગમાં ઉતારવો એ યોગ્ય તો નથી જ કારણ કે ભારતીય ટીમ પાસે ઓપનરોની ખોટ નથી. ટીમ પાસે હાલમાં શિખર ધવન, કે.એલ રાહુલ, મયંક અગ્રવાલ, ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ અને પૃથ્વી શો જેવા ઓપનરો છે જ, તેમાં ઓલરઆઉન્ડર વેંકટેશ અય્યરનો પણ સમાવેશ કરી શકાય તેમ છે, એ સિવાય પણ ઘણા એવા ખેલાડી છે જેઓ ઓપનીંગ કરી શકે છે તો પંતને ત્યાંથી ખસેડીને ઉપર લાવવાનો કોઇ અર્થ જ નથી.

ભારતીય ટીમમાં ઓપનીંગનો સ્લોટ એવો છે કે તેના માટે એક કરતાં ઘણા દાવેદારો છે. જો કે આ સ્લોટ પર છેલ્લાં કેટલાંક વર્ષોમાં એટલા ખેલાડીઓને અજમાવવામાં આવ્યા છે કે તેના કારણે ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરના ચાર નંબરના સ્લોટ પર કોઇ ધ્યાન અપાયું નથી અને પરિણામે આ સ્થાન પર કોઇ એક ખેલાડીને સ્થિર રખાયો નથી.

ઘણી વાર એવું થયું છે કે શિખર ધવન અને રોહિત શર્મા ઓપનર તરીકે ટીમમાં હોય ત્યારે આ ક્રમ પર રાહુલને ઉતારવામાં આવે છે અને જ્યારે ધવન કે રોહિતમાંથી કોઇ એક ન હોય ત્યારે રાહુલને ઓપનર તરીકે ખસેડવામાં આવે છે અને તે પછી ચોથા ક્રમે સૂર્યકુમાર કે શ્રેયસ અય્યરનો અથવા તો ઋષભ પંતનો નંબર લાગે છે. મોટાભાગના ક્રિકેટ નિષ્ણાતો માને છે કે ક્રિકેટ ટીમમાં ચોથા ક્રમનો બેટ્સમેન કરોડરજ્જુનો એવો મણકો હોય છે કે જેના પર આખી ટીમનો આધાર ટકેલો હોય છે. ટોપ ઓર્ડર જ્યારે વિખેરાઇ જાય ત્યારે ચોથા ક્રમનો બેટ્સમેન જ બાજી સંભાળી લે છે, જો દાખલો લેવો હોય તો આપી શકાય કે અમદાવાદમાં વેસ્ટઇન્ડિઝ સામે રમાયેલી બીજી વન ડેમાં રાહુલે સૂર્યકુમાર સાથે મળીને બાજી સંભાળી હતી. હવે રાહુલને પોતાને પણ એ ખબર નથી હોતી કે તેણે કઇ મેચમાં ઓપનીંગ કરવાનો વારો આવશે કે ચોથા ક્રમે બેટિંગનો અને તેના કારણે ઘણી વાર તે પણ મુંઝવણમાં હોય તેવા શોટ મારીને આઉટ થાય છે.

જો ટીમમાં કોઇનો બેટિંગ ક્રમ નક્કી હોય તો તે છે રોહિત શર્મા અને વિરાટ કોહલી. ઓપનીંગમાં રોહિતનો પાર્ટનર બદલાય છે પણ તેનો ક્રમ બદલાતો નથી. એ જ રીતે વિરાટ કોહલી ત્રીજા ક્રમે ફિક્સ છે. આમ એ સિવાયના અન્ય બેટ્સમેનોના ક્રમ બદલાતા રહ્યા છે. જો કે ક્રમ બદલવામાં કંઇ ખોટું નથી પણ વાંધો અહીં એ જ છે કે પંતને મિડલ ઓર્ડરના બેટ્સમેનમાંથી ઓપનર બનાવવા પાછળનો હેતુ શું છે? એક જમાનામાં સચિનને મિડલ ઓર્ડર બેટ્સમેનમાંથી ઓપનર બનાવાયો હતો પણ તે સમયે ખરેખર ટીમ ઇન્ડિયા પાસે ઓપનરની ખોટ હતી અને તે સ્થાનને પૂરવા માટે સચિન પાસે ઓપનીંગ કરાવાયું હતું પણ આજે એ સ્થિતિ નથી જ. એક માગો ત્યાં 10 ઓપનર આવીને ઊભા રહે તેવી સ્થિતિ હોય તો પછી તેમાં એકનો વધારો કરવાથી કોઇ લાભ થવાનો નથી, ઊલટાની ત્યાં ભીડ થવાથી મૂંઝવણ વધી જશે.

Most Popular

To Top