Business

રેડ સેન્ટર-2

ઓસ્ટ્રેલિયાના આઉટબેક કહેવાતા, મધ્યમાં આવેલા રેડ સેન્ટરના વિશેષ આકર્ષણ ઉલુરુની વાત આગલા અઠવાડિયે કરી. આજે તે જગ્યાની આસપાસની બીજી રોચક વાતો.
કટ્ટા જ્યૂટા (Kata Tjuta)
ઉલુરુ રોકથી 50 કિમિ દૂર એ જ નેશનલ પાર્કમાં બીજા કુદરતી સેન્ડ ડ્યુનનું કલેક્શન છે – કટ્ટા જ્યૂટા, જેનો અર્થ છે ઘણાં માથાં. આ પણ કરોડો વર્ષ પહેલાં બનેલા 36 ખડકોનો સમૂહ છે જે 35 ચો. કિમિ. માં ફેલાયેલો છે. સૌથી મોટો ખડક માઉન્ટ ઓલ્ગા 550 મીટર ઊંચો છે. અહીં જવા નીકળ્યા એટલે વીસેક કિમિ પહેલાં એક વ્યૂ પોઇન્ટ આવ્યું જ્યાંથી આખો સમૂહ સરસ રીતે દેખાય છે. અને જમણી બાજુ નજર કરો તો ઉલુરુ પર્વત. વધારે નજીક પહોંચો પછી ઘણી ટ્રેકિંગ અને હાઈક માટેની કેડી મળે. બધી કેડીઓનું અંતર, સરેરાશ સમય અને કેટલી અઘરી છે એવું લખ્યું હોય. અમે પહેલાં વેલી ઓફ વિન્ડસ પહોંચ્યા અને ત્યાંની મોડરેટ ગણાતી કરુ લુકઆઉટ વોક પર ચાલ્યા. એક જગ્યાએથી થોડા ખડકો તો પુરુષ જનનેદ્રિયનો સમૂહ હોય એવું લાગે! એટલે કદાચ આ જગ્યાને ટ્રાઇબલ લોકો પુરુષો માટેની જગ્યા ગણતા. ત્યાંથી પાછા આવી અમે દસેક કિમિ દૂર વાલ્પા ગોર્જ વોક માટે ગયા. કરોડો વર્ષ પહેલાં બનેલા આ ખડકોમાં તે વખતે પાણી વહેતું હશે અને તેને લીધે ત્યાં દરાર પડી અને સરસ નયનરમ્ય ગોર્જ બન્યો. અંગ્રેજી વી આકારે બે પર્વત છૂટા પડે અને વચ્ચે અત્યારે તો ઘાસ અને નાનકડું નાળું. એ રસ્તા પર પર્વતની દીવાલ પરની કુદરતી કોતરણી આપણને ગણેશજી કંડાર્યા હોય એવું લાગે. કેડીને અંતે એક સરસ વ્યૂઇંગ પ્લેટફોર્મ અને બેસવાની વ્યવસ્થા એટલે આરામ મળી રહે.

કિંગ્સ કેન્યન
વર્ષો પહેલાં ગ્રાન્ડ કેન્યન અને હમણાં જ ભારતનો મીની રણેહ કેન્યન જોયા પછી મને કેન્યનનું આગવું આકર્ષણ છે. ઉલુરુમાં અમારા એપાર્ટમેન્ટથી 300 કિમિ દૂર આવેલા વતારકા નેશનલ પાર્કમાં કિંગ્સ કેન્યન જોવાનું એટલે નક્કી કર્યું. ત્યાંની 6 કિમિની રિમ વોક મુશ્કેલ ગણાય છે અને ત્યાંની ગરમીથી બચવા વહેલી સવારે શરૂ કરવી પડે પણ અમે પડકાર સ્વીકારી લીધો અને ઉલુરુથી મળસ્કે નીકળી ગયા. આપણા માટે નવાઈ જેવું એ કે આખા રસ્તામાં માંડ એક ગાડી મળી. ત્યાં પહોંચ્યા તો અમે જ પહેલા હતા. સનસ્ક્રીનના લપેડા કરી રક્સેકમાં થોડો નાસ્તો અને પાણીની બોટલો ભરી અમે એડવેન્ચર શરૂ કર્યું. પહેલા પાંચસો કિ.મિ ખડકનાં પગથિયાં સૌથી ભારે હતાં. ઉપર ગયા પછી સુંદર દ્રશ્યો .જોવા મળ્યાં. નાની નાની ગામડાની ઝૂંપડીઓ હોય એવી રીતે પથ્થરો બનેલા. અત્યાર સુધી ન જોયેલી વનસ્પતિ જોવા મળી.

બે પહાડો વચ્ચે કેન્યનને લીધે જગ્યા બનેલી એટલે એક પરથી બીજા પર જવા માટે એક જગ્યાએ લાકડાના પગથિયાં અને એક નાનકડો પુલ પણ બનાવ્યો છે. આ પુલ પરથી એક નાનકડું ડાયવર્ઝન લઈએ તો ગાર્ડન ઓફ એડન જવાય જ્યાં એક નાનું તળાવ છે. એક સૂક્ષ્મ ધોધ પણ છે જેનો અવાજ જાણે ત્યાં બેકગ્રાઉન્ડ સંગીત પૂરું પાડે. પાણી એટલું સ્વચ્છ છે કે બાજુના પીળા પહાડ, લીલા પાઈનનાં વૃક્ષ અને ભૂરું આકાશ અને તેમના પાણીમાં પડછાયા ફોટોગ્રાફ માટે એક અદભુત દ્રશ્ય સંયોજન કરે! આખી હાઈકમાં એટલા ઓછા લોકો આવતા હશે પણ ત્રણેક જગ્યાએ ઇમર્જન્સી ફોન મૂકેલા જ્યાંથી આપણે રેન્જરનો સંપર્ક કરી શકીએ. ત્યાં નજીકમાં જ બચાવ હેલિકૉપ્ટર ઊતરી શકે એની સુવિધા પણ ખરી. થોડા થોડા અંતરે કઈ દિશામાં જવાનું એના માર્કર એરો પણ હોય જ એટલે થોડી તકલીફ પડી અને અમે બે જ હોવા છતાં પણ અમે છાસઠ વર્ષે એ ચાર કલાકની હાઈક કરી શક્યા તેનો આગવો આનંદ!

ફિલ્ડ ઓફ લાઈટ
લાઈટના પ્રદર્શન માટે વિખ્યાત બ્રિટિશ કલાકાર મનરોએ ઉલુરુમાં પોતાનું સૌથી મોટું પ્રદર્શન બનાવ્યું છે. સાત ફૂટબોલના મેદાન જેટલા વિસ્તારમાં પચાસ હજાર જેટલા સ્પિન્ડલ આકારના લાઈટ બલ્બ છોડની જેમ રોપવામાં આવ્યા છે. સૂર્યાસ્ત સમયે જેમ જેમ અંધારું થતું જાય એમ આ બલ્બ વધારે પ્રજ્વલિત થાય અને લાલ-પીળા, પર્પલ, સફેદ, ભૂરા વગેરે રંગોથી સુશોભિત ફૂલોનું ખેતર હોય એવું લાગે. પૃથ્વીના વિશાળ કેનવાસ પર એક સુંદર પેન્ટિંગ બન્યું હોય એવો આભાસ થાય. અમે એક સાંજ અહીં પસાર કરી. પહેલા બાજુની એક નાની ટેકરી પર નાસ્તો-પાણી કરાવ્યા અને ત્યાંથી આ રોશની જોઈ અને પછી આ ખેતરમાં કલાક ફર્યા. હોલેન્ડમાં જોયેલા ક્યુકેન્હોફના ટ્યૂલિપના ખેતર યાદ આવી ગયાં. આખા કુદરતી નજારા વચ્ચે માનવીએ પણ એમાં સારી રીતે ભળી જવાનો પ્રયત્ન કર્યો છે એમ લાગ્યું.

Most Popular

To Top