Business

ગુર્જર શિલ્પીઓની રૂપસાધનાને પોંખતું એક અપૂર્વ સંપાદન

શિલ્પ એક એવી કળા છે જેનો કદાચ સૌથી વધુ પરિચય આપણને સહુને છે. મંદિરોમાં દેવ-દેવીઓની મૂર્તિ, વાઘ, ગાય, પોઠિયાની મૂર્તિ (કે જે દેવ-દેવીઓનાં વાહન તરીકે છે). એ જ રીતે રસ્તા, ચોક પર ગાંધી, સરદાર, રાણા પ્રતાપથી માંડી નર્મદની મૂર્તિ. એ જ રીતે સહુ ખજૂરાહો, મોઢેરા, રાણકીવાવનાં શિલ્પોને જાણે છે. બને છે એવું કે લોકો શિલ્પોને જાણે છે પણ શિલ્પીને જાણતા નથી. શિલ્પવિદ્યા જાણે કળા વિદ્યાલયમાં શિક્ષણ અને તાલીમનો હિસ્સો બની ત્યારે મૂર્તિ અને શિલ્પ વચ્ચેના ફરક સ્પષ્ટ થવા લાગ્યા. કળા તરીકે વિલક્ષણ રીતે તેણે નવાં ઉદાહરણો રચવા માંડયા. ગુજરાતમાં વિત્યા છ – સાત દાયકા દરમ્યાન અનેક એવા શિલ્પકારો આવ્યા જે રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે આપણું ગૌરવ બન્યા છે.

રામ કે કૃષ્ણ કે શિવ યા સીતા, રાધા કે પાર્વતીની મૂર્તિ જોવામાં ધાર્મિક આસ્થા હોવી જોઇએ. આ દેવ-દેવીઓ ભારત બહાર વિશ્વના દેશોમાં એવી આસ્થા ન પ્રાપ્ત કરી શકે. શિલ્પ જયારે કળાવિધાન પામે તો વિશ્વના દરેક કળારસિકોના રસકીય પ્રતિભાવ ને આદર પામી શકે. ગુજરાતનાં નાગજી પટેલ, ધ્રુવ મિસ્ત્રી, કાંતિભાઇ પટેલ, રાઘવ કનેરિયા, હિમ્મત શાહ, જયોત્સના ભટ્ટ, રતિલાલ કાંસોદરિયા, ગિરીશ ભટ્ટ, કાન્તિલાલ કાપડિયા, મહેન્દ્ર પંડયા, નરોત્તમદાસ લુહાર, અંકિત પટેલ અને એવા બીજા શિલ્પીઓની રૂપરમણાને જાણો તો પરંપરિત મૂર્તિકલા અને આધુનિક શિલ્પકળા વચ્ચેનો ભેદ સમજાય. મૂર્તિ અને શિલ્પ આમ જુદા ન લાગે એવા શબ્દો છે પણ આપણા કળાસંસ્કાર તેને જુદા પાડે છે.

હમણાં રમણિક ઝાપડિયાની કળા સંસ્થા ‘કલાતીર્થે’ ‘ગુર્જર શિલ્પીઓની રૂપસાધના’ નામના ગ્રંથનું પ્રકાશન કર્યું છે જેના સંપાદક નિસર્ગ આહીર અને રમણિક ઝાપડિયા છે. આ સંપાદનનું મહત્ત્વ એટલા માટે છે કે વિત્યા છ – સાત દાયકામાં શિલ્પકળા ક્ષેત્રે જે અનેક મહત્ત્વના શિલ્પકારો પ્રવૃત્ત રહ્યા અને ક્ષિતિજ વિસ્તારી આપી તેના વિશે એકેય સ્વતંત્ર સંપાદન જ ઉપલબ્ધ ન હતું. ગુલામ મોહમ્મદ શેખ સંપાદિત ‘દૃશ્યકળા’ ગ્રંથમાં આ શિલ્પીઓના કાર્ય વિશે એક આલેખ મળે છે પણ આ રીતે શિલ્પકાર અને આધુનિક શિલ્પકળાને આવરી લેતું સંપાદન ઉપલબ્ધ ન હતું.

રમણિક ઝાપડિયાએ ચિત્રકળાક્ષેત્રનાં ૩૩ પુસ્તકો પ્રગટ કરતી વેળા એક આંદોલક દૃષ્ટિ રાખી હતી અને વિત્યા છ – સાત દાયકામાં ગુજરાતમાં ચિત્રકળાક્ષેત્રે વિવિધ રીતે જે કામ થયું અને વારસો સર્જાયો તે ઉપલબ્ધ કરાવ્યો હતો. શિલ્પકળા વિશેનાં સંપાદન વડે તેઓ નવી ઉપલબ્ધિ તરફ વળે છે. આ સંપાદનમાં કુલ ૧૯ શિલ્પીઓનાં કાર્યને આલેખ, ઇન્ટરવ્યૂ દ્વારા આવરી લેવાયું છે. તેમાં સૌથી વધુ સાત લેખો નિસર્ગ આહીરના છે પણ સંપાદકોની બીજી વિશિષ્ટતા એ છે કે શિલ્પકળા ક્ષેત્રે લખનારા જ જયા ઓછા હોય ત્યાં તેમણે કેટલાક જાણીતા અને કેટલાક ઓછા જાણીતા કળાસમીક્ષક પાસે લેખો કરાવ્યા છે. જયોતિ ભટ્ટ, ગાયત્રી ત્રિવેદી (બે લેખ), દીપક કન્નલ, કનુ પટેલ (બે લેખ) પીયૂષ ઠકકર, રમેશ બાપાલાલ શાહની સાથે તેમણે બિરેન કોઠારી, મનસુખ નારિયા, શર્મિલા સાગરા, બકુલ ટેલર પાસે જુદા જુદા શિલ્પીઓ વિશે આલેખ કરાવ્યા છે.

શિલ્પનાં માધ્યમ તરીકે પકવેલી માટી, પથ્થર, ધાતુ, કાષ્ઠ (અને હવે તો કાચ, એક્રેલિક પણ) પ્રયોજાતા રહે છે. નિસર્ગ આહીરે સંપાદકીય ભૂમિકામાં સ્પષ્ટ કર્યું છે કે, ‘મારો આશય સર્વને સરળતાથી કલાપદાર્થ સમજાય એ રીતે કલાચર્ચા કરવાનો રહ્યો છે! અને આ આશય ગ્રંથમાં જળવાયેલો જણાશે. અલબત્ત, શિલ્પકળાની વિધવિધ પરંપરાઓ અને તેની સૂક્ષ્મતાની શાસ્ત્રીય ચર્ચા પણ છે પરંતુ તે વાચકોને માટે વધુ ઉપકારક બની છે અને શિલ્પકળા કેવાં કળાકીય ઊંડાણ પામી છે તે સમજી શકાય છે. શિલ્પો સામાન્યપણે પબ્લિક આર્ટ બની લોકનજરમાં રહે છે. આ ગ્રંથનો પ્રથમ લેખ કાંતિભાઇ પટેલ વિશેનો છે જેમણે ગાંધીજી, સરદાર, વિનોબા સહિત અનેક પ્રસિધ્ધ વ્યકિતઓનાં શિલ્પોને રૂપ-આકાર આપ્યાં છે.

તેઓ સ્વયં સ્વતંત્રતાની લડતના લડવૈયા હતા એટલે આ બધા વિશે તેમને અંગત આદર પણ હતો એટલે આ શિલ્પોમાં સ્વાભાવિક રીતે એ લાગણી પણ પ્રગટ થાય છે. તેમને અધ્યાત્મક્ષેત્રના વિશિષ્ટ વ્યકિતઓ વિશેય એવો જ આદર પરિણામે રામકૃષ્ણ પરમહંસ, મા શારદામણિદેવી, વિવેકાનંદ, મા આનંદમયી, શ્રીમદ રાજચન્દ્ર વગેરેનાં શિલ્પોનું પણ નિર્માણ કરેલું. નિસર્ગ આહીરે કાંતિભાઇ સાથે વાતચીત વડે વિગતોની અધિકૃતતા સાથે તેમના લાંબા સમયના કાર્યને ઉપસાવી આપ્યું છે અને કળા વિશેના કાંતિભાઇના વલણ અને વિચારને પણ સ્પષ્ટ કર્યા છે. વાચક સામે શિલ્પકાર અને તેમની શિલ્પાકૃતિ બન્ને ઉઘડતા આવે એ ઉત્તમ સંયોજન કહેવાય. કાંતિભાઇ કહેતાં, ‘શિલ્પ હૃદયથી સર્જાય, મગજથી નહિ. આપણે ભાગે જે કામ આવે તે રસપૂર્વક કરવું.’ ૯૪ વર્ષની વયે ૨૦૧૯ માં મૃત્યુ પામેલા આ શિલ્પીએ તેમનાં વિત્યા વીસ વર્ષ દરમ્યાન શિલ્પાકૃતિ પર પોતાનું નામ લખવાનું ય બંધ કરેલું. પોતાને નહિ, કૃતિને જ આગળ કરવી તેનું આ ઉદાહરણ કહેવાય.

હિમ્મત શાહની કળાયાત્રાને ગાયત્રી ત્રિવેદીએ સૂક્ષ્મ નિરીક્ષણો સાથે આલેખી છે. જેમ કે ‘એક શિલ્પકાર તરીકે તેઓ રહસ્યવાદી છે. તેમનાં શિલ્પોની ભાષાને મુકત રચનાત્મકતા સાથે ગાઢ સંબંધ હોય છે.’ યા ‘તેઓની શિલ્પકળા થકી આધુનિક ભારતીય શિલ્પક્ષેત્રને એક નવીન ઊર્જા પ્રાપ્ત થઇ છે યા ‘શિલ્પોને જોવાની સામાન્ય માન્યતાઓને તે જડમૂળથી બદલી નાંખે છે.’ ગાયત્રી ત્રિવેદી શિલ્પકળા ઉપરાંત હિમ્મત શાહના રેખાંકનોની વિશિષ્ટતા પણ અંકે કરે છે. તેઓ લેખનું સમાપન આ શબ્દોથી કરે છે. ‘માટી જેવા નાશવંત મટીરિયલને જેમણે અમીર એવું સૌંદર્ય બક્ષ્યું છે, તેવા હિમ્મત શાહ આધુનિક ભારતીય શિલ્પકલામાં એક સીમાચિહ્ન રૂપ બની રહ્યા છે!’

નાગજી પટેલ વિશેનો લેખ ઇન્ટરવ્યૂ સ્વરૂપે છે. નિસર્ગ આહીર નાગજીભાઇની કળાના અભ્યાસી છે અને તેમની પાસે કેવા ઉત્તરો મેળવવા, કેવા પ્રશ્નો કરવા તેની સ્પષ્ટ દૃષ્ટિ છે એટલે પ્રશ્નોત્તર બન્ને વડે એક સમગ્ર કાર્યછબિ ઉપસી છે. આ સંપાદનની વિશિષ્ટતા એ છે કે દરેક લેખ દરેક શિલ્પીના કાર્યને એ રીતે ઉપસાવે છે કે તેમાં આધુનિક શિલ્પકળાના પડાવોનો પણ આપોઆપ ખ્યાલ સ્પષ્ટ થાય છે. નાગજી પટેલ શિલ્પમાં સ્પર્શતત્ત્વનું મહત્ત્વ જે રીતે જુએ છે તે બહુ ખાસ છે. મૂર્તિવિધાનશાસ્ત્ર મુજબ કામ કરતા મંદિરોનાં શિલ્પના કારીગર શા માટે કળાકાર નથી તે વિશે તેમણે રસપ્રદ રીતે સમજ સ્પષ્ટ કરી છે.

ધ્રુવ મિસ્ત્રી વિશે પીયૂષ ઠકકરે પણ શિલ્પકારના અંગત વિધાનો, પ્રતિભાવો સાથે રહી જીવન – શિલ્પની વાત કરી છે. આખા ગ્રંથમાંથી પસાર થતાં વાચક નોંધશે કે ઘણા ખરા શિલ્પી તો વારસાગત રીતે કળા – કારીગરી કુટુંબવર્ગના છે. આ બધાએ વિદ્યાસંસ્થામાં અભ્યાસ મેળવ્યો જણાશે પણ સમાંતરે કુટુંબ અને લોકજીવનના સંસ્કારે પણ ઘણું મેળવ્યું છે. પીયૂષ ઠકકર જયારે કહે છે કે ‘ધ્રુવ મિસ્ત્રીના શિલ્પોમાં એક રીતે ભારતીય અને પશ્ચિમી શિલ્પ પરંપરાઓનો સંયોગ થતો આપણે જોઇ શકીએ છીએ’ તો એ વિધાનની પ્રતીતિ લેખમાં પણ થશે. શિલ્પકળા અને કળાકારો વિશેનું આ સંપાદન અનેક રીતે રસપ્રદ બન્યું છે. આ ગ્રંથશ્રેણીના સંપાદક હંમેશાં કળાકારોની કૃતિઓના ફોટોગ્રાફસ ખૂબ જ સમાવે છે એટલે વાચકને પણ મોટો આધાર રહે છે. જે લખાયું હોય તેની થોડી પ્રતીતિ પણ કરે છે. આ બધાં શિલ્પકારો અંગત વલણો સાથે એક સમયને સર્જે છે જે આધુનિક છે. આ લેખો એક અર્થમાં ગુજરાતની આધુનિક શિલ્પકળાની સઘન છબિ રચી આપે છે તે માટે સંપાદકોને બિરદાવવા રહ્યા.
(આવતા રવિવારે ગ્રંથમાં પ્રગટ અન્ય લેખો વિશે વાત કરીશું)

Most Popular

To Top