સુરત: (Surat) સરથાણામાં અઠવાડિયા પહેલા કાર લૂંટની (Car Loot) ઘટનામાં યુ-ટર્ન આવ્યો છે. પાંડેસરામાં રહેતા યુવકે દેવુ ચૂકતે કરી દેવા માટે વતનથી એક પિસ્ટલ (Pistol) ખરીદીને કારની લૂંટ કરી હતી, ત્યારબાદ યુ-ટ્યુબમાંથી કાર સંચાલકનો નંબર મેળવીને તેને વ્હોટ્સએપમાં મેસેજ મોકલાયો હતો કે, ‘યે 22માં મર્ડર હોનેવાલા થા, તુજકો છોડદિયા, તુજે મારને કે લીયે 10 લાખ મીલ રહા હૈ, જીંદા રહેના હે તો 50 લાખ ચાહીએ’. જે અંગે સરથાણા પોલીસે ગુનો નોંધ્યો હતો સાથે જ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) પાંડેસરામાં રહેતા યુવકની પિસ્ટલ અને કાર્ટિઝની સાથે ધરપકડ પણ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સરથાણા યોગીચોક પાસે તુલસી દર્શન સોસાયટીમાં રહેતા દિલીપભાઈ વલ્લભભાઈ રાખોલીયા (ઉ.વ.૩૯) સીમાડા કેનાલ રોડ શેતુબંધ હીલની બાજુમાં કુબેર કાર મેળો ચલાવે છે. શનિવારે બપોરના સમયે એક યુવક આવ્યો હતો. આ યુવકે બલનો ગાડી પસંદ કરી હતી અને ડ્રાઇવર સીટ ઉપર બેસીને દિલીપભાઇને રિવોલ્વર બતાવીને કારની ચાવી માંગી હતી. અજાણ્યો કાર લઇને ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ આ કાર કોસમાડામાં પાસે બિનવારસી હાલતમાં મળી આવી હતી. ઘટનાના બીજા દિવસે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યાં જ બે દિવસ પહેલા દિલીપભાઇએ સવારના સમયે મોબાઇલ શરૂ કર્યો ત્યારે એક અજાણ્યા નંબર ઉપરથી કાગળમાં અંગ્રેજી ભાષામાં લખેલો એક લેટર મળ્યો હતો.
આ લેટરની ઉપર બે કાર્ટિઝ પણ હતી, આ મેસેજમાં દિલીપભાઇને મારી નાંખવા માટે સોપારી આપી હોવાનું કહીને 50 લાખની ખંડણી માંગી હતી.. દિલીપભાઇ અને તેમના પરિવારને પણ મારી નાંખવાની ધમકી મળી હતી. દિલીપભાઇએ આ મેસેજ તેમના ભાગીદારને બતાવ્યો હતો, અને બાદમાં દિલીપભાઇએ આ મેસેજના આધારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. ત્યાં જ ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરામાંથી મનીષ સુનીલ નાયક (રહે, કૈલાશનગર પાંડેસરા)ને પકડી પાડ્યો હતો. પોલીસે મનીષની પુછપરછ કરતા તેને કાર ચોરી કર્યા બાદ કારમેળાના માલિકને ધમકી આપી હોવાનું પણ કબૂલ કરતા સમગ્ર ગુનો ઉકેલાયો હતો.પોલીસે મનીષની ધરપકડ કરીને તેની પાસેથી પિસ્ટલ તેમજ કાર્ટિઝ કબજે લઇને પુછપરછ શરૂ કરી છે.
વોટ્સઅપમાં લખેલો મેસેજ…
મનીષે વ્હોટ્સએપમાં મેસેજ મુક્યો હતો કે, ‘‘યે 22માં મર્ડર હોનેવાલા થા, પરંતુ તુજ કો છોડ દીયા, તુજે મારને કે લીયે 1૦ લાખ મીલ રહા હૈ અગર તુજે જીંદા રહેના હે તો ૫૦ લાખ પૈસા ચાહીયે, તુ યહી સોચ રહા હે કાર ચોરી કરને આયા થા તો યે તેરા સોચના ગલત હે તુજકો મારને હી આયા થા, ફસ્ટબાર મેરા બંદુક સે ગોલી નહી નિકલા લેકીન નેકસ્ટ ટાઈમ નહી હોગા, તુજે ભગવાન બચા લીયા તુ અંગર સોચ રહા હે કી તુજકો પોલીસ બચા રહી હે તો યે સોચ તેરા ગલત થા, ક્યુ કી પોલીસ ભી હમ હી હૈ. પોલીસ ક્યા કર રહી હે ઔર ક્યા કરેગી મુજે સબ પતા હે જ્યાદા હોશીયારી કી તો તેરા ઓર તેરી બીબી બચ્ચે કા ક્યા હોગા. ઈસબાર સીધા ગોલી મારુગા તેરે લીયે તો એક હી બુલેટ કાફી હે સમજા ઓર નહી સમજા હે તો સમજ લે યે યાદ રખના પૈસા કલ નહી મીલા તો ઘર સે દુકાન ભી નહી જા પાયૈગા, તુ કહા રહેતા હે તેરા ઘરવાલે ક્યા કરતા હે સબ પતા હે, તેરા મરના તો ફીક્સ હી અગર પૈસા નહી મીલા તો, કલ યાદ રખના ઈતના યાદ રખના જાન એક હી બાર મીલતી હે મે તો શુટર હું રોજ મારતા હુ રોજ જીતા હું તુજ કો મારને કે લીયે બોલા હે તુ અગર બુલેગા તો માર દુંગા, તુ દેખ લેગા ખુદ કો બોલા ભી હૈ, મે અપને કામ કર કે ચલા હી જાતા શુટર એઝેડએન નામ હે મેરા યુટુબ મે દેખ લે’’
શોર્ટકટમાં રૂપિયા કમાવવા અને સાથી મિત્રને રૂપિયા આપવા ખંડણી માંગી
મનીષની પુછપરછ કરતા બહાર આવ્યું હતું કે, તે 2016થી સુરતમાં રહીને મજૂરીકામ કરે છે. તેની સાથે રાકેશ ચૌટાની નામનો યુવક કામ કરતો હતો. બંને વચ્ચે રૂપિયાનો વ્યવહાર હતો, મનીષે રાકેશની પાસેથી રૂપિયા લીધા હતા પરંતુ તે ચૂકવી શક્યો ન હતો. આ રાકેશ પોતાને મારશે તેવી બીકે મનીષ વતનમાં જઇને અશોક પાંડે નામના યુવક પાસેથી પિસ્ટલ ખરીદી લાવ્યો હતો. આ પિસ્ટલથી પહેલા તેને કારની લૂંટ ચલાવી, ત્યારબાદ યુ-ટ્યુબમાંથી કુબેર કારમેળાના માલિકનો નંબર લઇને તેને મેસેજ કરી ખંડણી માંગી હતી.