સુરત: સુરતના પાસોદરા ગામમાં લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની ગયા શનિવારે તા. 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. ફેનિલે પોતે ઘેનની દવા ખાઈ લઈ હાથ પર ચપ્પુના ઘા માર્યા હતા. હોસ્પિટલમાં સારવાર બાદ ફેનિલની ધરપકડ કરી પોલીસે કોર્ટ પાસે તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે ગુરુવારે પોલીસ ફેનિલને ફરી તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં ફેનિલે ગ્રીષ્માની હત્યા કરી હતી. ફેનિલે ખૂબ જ બેશરમીથી રીઢા ગુનેગારની જેમ પોલીસને એક્ટ કરી બતાવ્યું હતું કે તેણે ગ્રીષ્માની હત્યા કેવી રીતે કરી? આ કરતી વખતે તેના ચહેરા પર જરાય પસ્તાવો દેખાતો નહોતો.
- હત્યાનો પાક્કો ઈરાદો બનાવી ચૂકેલો ફેનિલ ગ્રીષ્માને મારવા અમરોલી કોલેજ પણ ગયો હતો, પરંતુ ત્યાં તે બચી ગઈ
- અમરોલીમાંથી ચપ્પુ ખરીદી તે ગ્રીષ્માને મારવા માટે ભટકતો રહ્યો હતો, આખરે તેના ઘર સામે જ તેની હત્યા કરી
- સીટ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું ત્યારે ફેનિલના ચહેરા પર કોઈ જ પસ્તાવો દેખાતો નહોતો
આજે સીટની ટીમે ગ્રીષ્મા હત્યાની ઘટનાનું ફેનિલને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. હત્યારા ફેનિલને સાથે રાખવામાં આવ્યો હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત રખાયો હતો. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સમગ્ર ઘટનાની વિડીયો ગ્રાફી કરવામાં આવી હતી.
હાથમાં પાટો બાંધી લંગડાતો ફેનિલ ગ્રીષ્માના ઘર પાસે પોલીસ સાથે આવ્યો હતો
ફેનિલ ગોયાણીને આજે પોલીસના ઉચ્ચઅધિકારીઓની એસઆઈટીની ટીમની હાજરીમાં ફરી એકવાર ગ્રીષ્માના ઘરે લઈ જવાયો હતો. ગ્રીષ્મના ઘર સામે જ હત્યાનું રિક્ન્સ્ટ્રક્શન કર્યું હતું. ફેનિલે પોલીસને કહ્યું કે, તેણે કઈ રીતે ગ્રીષ્માને ખેંચી, તેના ગળે ચપ્પું મુક્યું અને પછી કાપી નાંખ્યું. પોતે હાથમાં ચપ્પુ માર્યું તે જગ્યા પણ ફેનિલે પોલીસને બતાવી હતી. હાથમાં પાટા સાથે આવેલો ફેનિલ લંગડાતો ચાલતો હતો. ફેનિલને જોઈ ગ્રીષ્માના પરિવારજનો અને સોસાયટીના રહીશો ગુસ્સે ભરાયા હતા. તેને આકરી સજા મળે તેની માંગ કરી હતી.
રિકન્સ્ટ્રક્શનની વિગતો
- કામરેજ પોલીસ ફેનિલને સૌપ્રથમ કાપોદ્રામાં આવેલા તેના મિત્રના કાફે લઈ ગઈ હતી
- કાફે બાદ અમરોલીમાંથી ફેનિલે જ્યાંથી ચપ્પુ ખરીદયું ત્યાં લઈ ગયા હતા
- અમરોલીના કોલેજમાં લઈ જવાયો હતો, જ્યાં તેણે ગ્રીષ્માની સહેલી સાથે વાત કરી હતી
- છેલ્લે ગ્રીષ્માના ઘર પાસે પોલીસ ફેનિલને લઈ ગઈ હતી, જ્યાં હત્યા થઈ હતી.
- કેવી રીતે ગ્રીષ્માના ગળાં પર ચપ્પુ મુકી તેની હત્યા કરી તેનો ડેમો કરાવાયો હતો.
ગ્રીષ્માને ઘર પાસે નહીં કોલજમાં મારવાનો ઈરાદો હતો
પોલીસની પૂછપરછમાં ફેનિલે કહ્યું કે, તે કોઈ પણ ભોગે ગ્રીષ્માની હત્યા કરવા માંગતો હતો. તેનું પ્લાનિંગ તેણે અગાઉથી જ કરી રાખ્યું હતું. પોતે ગ્રીષ્માનું મર્ડર અમરોલી કોલેજમાં કરવાનો હતો. કોલેજ જઈ ગ્રીષ્માની સહેલીને કહ્યું હતું, તેણે ગ્રીષ્માને મળવું છે, બહાર લઈ આવ. પરંતુ ગ્રીષ્માની સહેલીએ કહ્યું કે, ગ્રીષ્મા કલાસમાં છે. તેથી મળશે નહીં. ફેનિલ ગ્રીષ્માની રાહ જોઈ કોલેજની બહાર બેસી રહ્યો હતો, પરંતુ ગ્રીષ્મા તેની માસીને બોલાવી તેમની સાથે ઘરે જતી રહી હતી, તેથી તે કોલેજમાં બચી ગઈ હતી.
https://www.facebook.com/watch/?v=312230814293866
તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ, પોલીસે ડિજીટલ પુરાવા ભેગા કર્યા
આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરાઈ છે, જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ સામેલ છે. આ કેસમાં હત્યાનો લાઈવ વીડિયો છે. જે સૌથી મોટો પુરાવો છે. પોલીસે આ ડિજીટલ પુરાવા સહિત ફોરેન્સીક પુરાવા પણ એકત્ર કર્યા છે. ડીવાયએસપી બી.કે. નારે કહ્યું કે, આરોપીની ઓળખ પરેડ કર્યા બાદ પૂછપરછ કરાશે. તેણે નશો કર્યો હતો કે તે હજું સુધી બહાર આવ્યું નથી. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરાશે.