સુરતઃ (Surat) શહેરમાં હાલ પોલીસ (Police) સ્પા (Spa) અને કપલ બોક્ષ (Couple Box) પર કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસના ભયનો લાભ લઇ કેટલાક લોકોએ વેસુ ખાતે આવેલા સ્પામાં પોલીસ બનીને 30 હજારનો તોડ કર્યો હતો. ગઈકાલે આ બોગસ પોલીસની ગેંગ પૈસા માંગવા પરત પહોંયી તો માલિકે આપવા ઇનકાર કર્યો હતો. આ વાતે સ્પા માલિકને મારી ભાગી છૂટયા હતા. આ અંગે ઉમરા પોલીસે એક મહિલા સહિત પાંચ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
- અઠવાડિયા પહેલા બે જણાએ આવી પોલીસનું આઈકાર્ડ બતાવી ઉમરા પોલીસમાંથી આવ્યા હોવાનુ કહ્યું હતું
- અઠવાડિયા પછી પરત આવતા સ્પા માલકે પૈસા નહી આપતા હમ તુજે યહા જીંદા નહી રહને દેંગે” તેવી ધમકી આપી માર મારી ગયા
- ઉમરા પોલીસે એક મહિલા સહિત પાંચ સામે ગુનો નોંધ્યો
ગોડાદરા ખાતે જલારામનગરમાં રહેતો ૨૪ વર્ષીય અમિતકુમાર રવિન્દ્ર મહેશ રાય મુળ બિહારનો વતની છે. તે દુકાન નંબર-૨૧૮, બીજો માળ, રઘુવીર બીઝનસ પાર્ક, પ્રાઈમ શોપર્સની સામે, ડુમસ રોડ, ખાતે “એમ.બી સ્પા” નામના સ્પા ચલાવે છે. અઠવાડિયા પહેલા તેના સ્પામાં માયાભાઈ ભગુભાઈ સહીડા અને પંકજ નામના વ્યક્તિ બપોરે ગયા હતા. બંનેએ ગુજરાત પોલીસનુ આઈકાર્ડ બતાવી પોતે ઉમરા પોલીસ સ્ટેશનથી આવ્યા હોવાનુ કહ્યું હતું. અને અમિત પાસેથી તે દિવસના ધંધાના રૂપિયા ૩૦,૦૦૦ લઈ ગયા હતા.
ગઈકાલે ફરીથી બપોરના અરસામાં માયાભાઈ તેની સાથે ચિરાગ હિમ્મતભાઈ સરવૈયા, રીધ્ધીબેન તથા બીજા એક છોકરા સાથે સ્પામાં ગયા હતા. અને અમિત પાસે માયાભાઈએ ધંધાનો હીસાબ માંગ્યો હતો. અમિતે તેમને હિસાબ નહી આપતા તેમણે ગંદી ગાળો બોલી “હમ તુજે યહા જીંદા નહી રહને દેંગે” તેવી ધમકી આપી ભેગા મળી ઢીકમુક્કીનો માર મારી નાસી ગયા હતા.
ઉમરા પોલીસે બોગસ પોલીસ બનીને આવેલા માયાભાઈ ભગુભાઈ સહીડા (ઉવ.૩૦ રહેવાસી-પરીમલ સોસાયટી, મારૂતિચોક વરાછા), ચિરાગ હિમ્મતભાઈ સરવૈયા (ઉવ.૨૬ રહેવાસી- ૨૧, સપના સોસાયટી મારૂતિ ચોક, વરાછા), રીધ્ધીબેન (રહેવાસી નાનપુરા), પકંજ (રહે. નંદછાડ ગામ, કામરેજ) તથા રીધ્ધી સાથે આવેલ એક આશરે ૧૭ થી ૧૮ વર્ષનો યુવકની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.