સુરત: (Surat) ગયા મહિને સચીન જીઆઈડીસીમાં (Sachin GIDC) કેમિકલ કાંડ (Chemical leakage scam) બની ગયો. 6 કમભાગી શ્રમિકોના ઝેરી ગેસના લીકેજના લીધે ગૂંગળામણથી મોત થયા અને 22થી વધુ મજૂરો પરિવાર સહિત બેહોશ થયા, જેઓને સિવિલમાં સારવાર અપાઈ હતી. ત્યાર બાદ ધીમે ધીમે ક્રમશ: મામલો શાંત પડવા લાગ્યો. જીપીસીબીના રિપોર્ટના આધારે પોલીસે કેટલીક ધરપકડો કરી લીધી હતી. હવે આ કેસમાં આગળ શું થાય તે તો સમય જ બતાવશે પરંતુ શહેર અને શહેરની આસપાસ આવેલી જીઆઈડીસીઓમાં હજુ પણ બેરોકટોક કેમિકલયુક્ત ગંદું પાણી આડેધડ ખાડી અને ગટરોમાં છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે પાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે.
- સુરત મનપાના અધિકારીઓએ સ્પેશ્યિલ સ્કવોડ બનાવી પાંડેસરાની મિલો પર વોચ ગોઠવી
- મનપા અને જીપીસીબી દ્વારા સાયન્સ સેન્ટર ખાતે એક મિટીંગ યોજી મિલ માલિકોને ખખડાવ્યા
- 35થી વધુ મિલમાલિકોને કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવા વ્યવસ્થા કરવા તાકીદ કરી
તાજેતરમાં પાંડેસરા (Pandesara) વિસ્તારમાં એક મિલ (Textile Mill) દ્વારા ગટરમાં સીધું જ કેમિકલયુક્ત પાણીનો નિકાલ થતો હોવાનું પકડાયા બાદ મનપાનું (SMC) તંત્ર એલર્ટ (Alert) થઇ ગયું હતું. તેમજ સ્ક્વોડ (Squad) બનાવી આવી પ્રવૃત્તિ કરતી મિલો પર વોચ ગોઠવી હતી. દરમિયાન મનપા અને જીપીસીબી દ્વારા સાયન્સ સેન્ટર ખાતે એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં મિલ સંચાલકોને કેમિકલયુક્ત પાણીનો ગટરમાં સીધો નિકાલ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી.
આ મીટિંગમાં ઉધના, ભેસ્તાન, વડોદ, ઉન, બમરોલી અને પાંડેસરા જીઆઇડીસીની બહારની મિલોના સંચાલકોને બોલાવવામાં આવ્યા હતા. તેમજ 35થી વધુ મિલો દ્વારા કેમિકલયુક્ત પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા નહીં કરાઇ હોવાનું તેમજ મનપાની ગટર લાઇનમાં સીધું જ નિકાલ કરાતું હોવાની શંકા છે. આથી તમામ મિલોએ કેમિકલયુક્ત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી અને હવે પછી આવું કરતા જે મિલ પકડાશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.