નવી દિલ્હી: ભારત (India) કરતા સસ્તી (Cheaper) કિંમતમાં ઈન્ડોનેશિયા (Indonesia) ફાઈટર રાફેલ જેટ વિમાન (Fighter jet raffle ) ખરીદી (Deal) રહ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. ફ્રાંસ પાસે આ રાફેલ જેટ વિમાન ઈન્ડોનેશિયા ખરીદવાનું છે. કુલ 42 ફાઈટર જેટ માટે ઈન્ડોનેશિયાએ 8.1 અરબ ડોલરમાં સોદો કર્યો છે. જ્યારે ભારતે 36 રાફેલ વિમાન વર્ષ 2016માં 8.7 અરબ ડોલરમાં ખરીદયા હતા. ચાલો જાણીએ બંને દેશો દ્વારા રાફેલ માટે થયેલા કરારની વિગતો.
પહેલાં ઈન્ડોનેશિયાના સોદાની વાત કરીએ. ઈન્ડોનેશિયા અને ફ્રાન્સ વચ્ચે રાફેલનો સોદો 10 ફેબ્રુઆરી 2022ના રોજ થયો છે. ફ્રાન્સના સંરક્ષણ મંત્રાલય અનુસાર બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર થયા છે. પહેલાં તબક્કામાં 6 રાફેલ આગામી કેટલાંક મહિનાઓમાં જકાર્તાને સોંપાશે. ત્યાર બાદ બાકીના 36 એરક્રાફ્ટ બીજા રાઉન્ડમાં મોકલાશે. વર્ષના અંત સુધીમાં અથવા 2023ની શરૂઆતમાં તમામ જેટની ડિલીવરી કરી દેવાશે. ઈન્ડોનેશિયાએ પણ આ કરારને સમર્થન આપ્યું છે. ભારત બાદ ઈન્ડોનેશિયા હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં દસ્લોટ એવિએશન દ્વારા ઉત્પાદિત જેટ પર ભરોસો કરનાર બીજો દેશો બન્યો છે. આ ફાઈટર એરક્રાફ્ટ હવાથી જમીનમાં માર કરનાર સ્કેલ્પ અને હેમર મિસાઈલ તેમજ મેટેઅર મિસાઈલ અગાઉથી જ સામેલ કરવામાં આવી છે. આ મિસાઈલ રડારથી બચી શકે છે અને છેલ્લી ઘડીએ પણ ટાર્ગેટ એચિવ કરવામાં માહેર છે.
ભારતે 2016માં રાફેલ ખરીદીનો સોદો કર્યો હતો.
વર્ષ 2016ના જાન્યુઆરી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઔલાંદ ને ડસોલ્ટ વચ્ચે ફાઈટર જેટની ખરીદી માટે એક સમજૂતી કરાર થયો હતો. તેના થોડા મહિના પહેલાં જ પેરિસ પ્રવાસ દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેમની સરકાર 36 જેટ વિમાન ખરીદવા જઈ રહી છે. કરાર અનુસાર સપ્ટેમ્બર 2018ની શરૂઆત સુધીમાં આ જેટની ડિલીવરી ભારતને મળવાની હતી, જેની પડતર 7.8 બિલિયન યૂરો હતી. ભારતે આ ઉપરાંત સ્પેરપાર્ટ્સ અને યુરોપીય કંપની એમબીડીએ દ્વારા ઉત્પાદિત ઉલ્કા મિસાઈલ મળશે તેવી પણ ચર્ચા હતા.
રાફેલ સોદામાં વડાપ્રધાન પર આક્ષેપો થયા હતા
તમને જણાવી દઈએ કે આ એ જ રાફેલ જેટ વિમાન છે જેની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો વડાપ્રધાન પર થયા છે. જે તે સમયે ફ્રેન્ચ મીડિયાએ ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદને ટાંકીને લખ્યું હતું કે રફાલ વિમાનના ઉત્પાદન માટેના 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેન્સનું નામ સૂચવ્યું હતું. ફ્રાન્સ પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. આ તરફ ભારત સરકાર તે વાત નકારતા કહ્યું હતું કે ફ્રેન્ચ કંપની દસો એવિએશને સ્વંય જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરી હતી.
રાહુલ ગાંધીએ સંસદમાં આક્ષેપો કર્યા હતા
કોંગ્રેસના રાહુલ ગાંધી યુદ્ધવિમાન રાફેલની કિંમત અને સોદા મુદ્દે મોદી સરકાર પર સંસદમાં પ્રહાર કરી ચૂક્યા છે. રક્ષામંત્રી અને વડાપ્રધાન જુઠ્ઠું બોલતા હોવાના આક્ષેપ ગાંધીએ કહ્યું હતું. રાહુલ ગાંધીએ આરોપ મુક્યો હતો કે એક ઉદ્યોગપતિને ફાયદો કરાવવા માટે વડાપ્રધાન પેરિસ ગયા હતા અને સોદામાં ફેરફાર કર્યા હતા.
રાફેલ વિમાનની ખાસિયતો સમજો
- રાફેલ વિમાન વિશે કહેવાય છે કે તે માત્ર 1 કલાકની અંદર દિલ્હીથી પાકિસ્તાનના ક્વેટા અને ક્વેટાથી પરત દિલ્હીનું 1986 કિ.મી.નું અંતર કાપી શકે છે.
- રાફેલ પરમાણુ મિસાઇલ વહન કરી શકે છે
- વિશ્વના સૌથી સુવિધાજનક હથિયારોનો ઉપયોગ કરી શકે છે.
- જેટમાં બે મિસાઇલ હોય છે. એકની રેંજ 150 કિલોમીટર અને બીજી મિસાઇલની રેંજ 300 કિ.મી સુધીની હોય છે.
- આ વિમાન ચીન અને પાકિસ્તાન પાસે નથી.
- ભારતીય વાયુસેનાના વિમાન મિરાજ-2000નું આધુનિક વર્ઝન છે
- ભારતીય વાયુસેના પાસે આવા 51 મિરાજ છે.
- દસ્સો ઍવિએશન અનુસાર રાફેલની સ્પીડ મૅક 1.8 છે. એટલે કે 2000 કિ.મી/કલાક
- તેની ઊંચાઈ 5.30 મીટર, લંબાઈ 15.30 મીટર છે.
- રાફેલ હવામાં ઊડતું હોય તે દરમિયાન પણ તેમાં ઇંધણ ભરી શકાય છે
- આ રાફેલ વિમાનો અત્યાર સુધી અફઘાનિસ્તાન, લીબિયા, માલી, ઇરાક અને સીરિયા જેવા દેશોમાં થયેલા યુદ્ધમાં ઉપયોગ થયા છે.
એક વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા
મોદી સરકારે કરેલા સોદા અનુસાર એક રાફેલ જેટ વિમાનની કિંમત 1600 કરોડ રૂપિયા માનવામાં આવે છે, તેની સામે ઈન્ડોનેશિયાને સસ્તામાં રાફેલ મળ્યા છે. તેથી ફરી એકવાર રાફેલનો મુદ્દો ગાજે તેવી શક્યતા જોવાઈ રહી છે.
રાફેલનો ઈતિહાસ જાણવા જેવો
ફ્રાન્સની કંપની દસ્સો રાફેલનું ઉત્પાદન કરે છે. કંપની અનુસાર આ વિમાન ફોર્થ જનરેશન ટેક્નોલોજીનું વિમાન છે. સૌ પ્રથમ 1986માં તેનું ઉત્પાદન શરૂ થયું હતું. ફ્રાન્સની વાયુસેના પાસે કુલ 91 રાફેલ છે. અફઘાનિસ્તાનની લડાઈમાં અમેરિકાના નાટો દળ દ્વારા તેનો ઉપયોગ કરાયો હતો. સદ્દામ હુસેન સામેની લડાઈમાં પણ અમેરિકાએ રાફેલનો ઉપયોગ કર્યો હતો. 2011માં લીબિયાના ગૃહયુદ્ધમાં પણ રાફેલ સામેલ કરાયા હતા. તાજેતરમાં ઈરાક યુદ્ધમાં આઈએસ સામે રાફેલથી હવાઈ હુમલો કરાયો હતો.