સુરત: (Surat) ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે વર્ષોથી સંકળાયેલા સુરતના ફિલ્મ મેકરની ધ લોકડાઉન-2020 (The Lockdown 2020) શોર્ટ ફિલ્મને (Short Film) બેસ્ટ શોર્ટ ફિલ્મ અંતર્ગત દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ-2022 (Dadasaheb Phalke International Film Festival Award-2022) આપવામાં આવ્યો છે. લોકડાઉન-2020 શોર્ટ ફિલ્મ સવા ચાર મિનીટની છે. આ ફિલ્મમાં લોકડાઉન સમયે ગરીબ અને મધ્યમ વર્ગને પડેલી મુશ્કેલીઓને રજૂ કરવામાં આવી છે.
શહેરના અડાજણ ગામમાં રહેતા અભિષેક ગલશર ફિલ્મ ડિરેક્ટર તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરતા અભિષેક ગલશરે ફિલ્મ જગતમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. હાલમાં જ તેમણે બનાવેલી લોકડાઉન-2020 શોર્ટ ફિલ્મને એવોર્ડ મળ્યો છે. લોકડાઉન સમયે નોકરી-ધંધા બંધ પડી જતા ગરીબ તેમજ મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી. બાળકોના ભણતર ઉપર પણ લોકડાઉન અસર કરી ગયું હતું.
બાળકોનું ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું હતું. ત્યારે કેટલાક પરિવારો એવા પણ હતા, જેમની પાસે મોબાઇલ તો હતા, પરંતુ તેમાં રિચાર્જ થઇ શકે તેટલા રૂપિયા ન હતા. આવા સમયે પોતાનાં સંતાનનું શિક્ષણ ન અટકે એ માટે એક માતાએ પ્રોસિક્યુટરનો રસ્તો અપનાવી લીધો હતો. આ કિસ્સા ઉપરથી ફિલ્મ ડિરેક્ટર અભિષેક ગલશરે શોર્ટ ફિલ્મ બનાવી હતી અને આ ફિલ્મને એવોર્ડ પણ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ઇરાની ફિલ્મ મેકરોને પણ પસંદ આવી છે. ત્યારે ઇરાનના ફિલ્મ ડિરેક્ટર અસગર ફરાદી દ્વારા આગામી સમયમાં સન ફ્રાન્સિસ્કો ખાતે યોજાનારા ઇરાનિયન ફિલ્મ ફેસ્ટિવલ-2022માં પણ ધ લોકડાઉન ફિલ્મને સ્ક્રીન ઉપર રજૂ કરી સન્માન કરાશે.
અખબારમાં વાંચેલા કિસ્સા ઉપરથી ધ લોકડાઉન-2020 બનાવવાની ઇચ્છા થઈ હતી : અભિષેક ગલશર
ધ લોકડાઉન-2020ના રાઇટર અને ડિરેક્ટર અભિષેક ગલશરે જણાવ્યું હતું કે, લોકડાઉન સમયે ગરીબ-મજૂર વર્ગ અને મધ્યમ વર્ગની સ્થિતિ દયનીય બની ગઇ હતી. આર્થિક મોરચે પડી ભાંગેલા લોકોને જીવનનિર્વાહ ચલાવવું અઘરું થઇ ગયું હતું. ત્યારે એક માતાએ તેની પુત્રીને ઓનલાઇન શિક્ષણ માટે મોબાઇલમાં રિચાર્જ ન હોવાથી પ્રોસિક્યુશનનો રસ્તો અપનાવી લીધો હોવાનો અખબારમાં વાંચેલો કિસ્સો જોઇ હું ચોંકી ઊઠ્યો હતો અને તેની ઉપર શોર્ટ ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી. ધ લોકડાઉન-2020માં માતા અને પુત્રીનું પાત્ર લેવાયું છે. સવા ચાર મિનીટની ફિલ્મમાં લોકડાઉન સમયનાં દૃશ્યો ફિલ્માવવામાં આવ્યાં છે.