રશિયા (Russia) તેમજ યુક્રેનની (Ukraine) તંગદીલી વચ્ચે અમેરિકાએ (America) ચેતવણી આપતા જણાવ્યું છે કે રશિયા ટૂંક જ સમયમાં યુક્રેન પર હુમલો (Attack) કરી કબજો મેળવી લેશે. આ તંગદીલી વચ્ચે મોટાભાગના દેશોએ તેમના નાગરિકોની સુરક્ષા માટે યુક્રેન છોડવાનો આદેશ આપ્યો છે. અમેરિકા, બ્રિટન અને જર્મની જેવાં દેશોએ આ આદેશો આપ્યાં છે. રશિયાએ યુક્રેન સાથેની સરહદ પર લગભગ 100,000 સૈનિકો તૈનાત કર્યા છે પરંતુ તેણે કોઈપણ હુમલા અથવા કબજાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
મળતી માહિતી અનુસાર શનિવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે 62 મિનીટ સુધી ફોન પર ચર્ચા કરી હતી. જેમાં બિડેને ફરી એકવાર પુતિનને યુક્રેનની સરહદ પર એક મિલિયનથી વધુ સૈનિકોના એકત્રીકરણને દૂર કરવા જણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસે જાણકારી આપી હતી કે આ સાથે રશિયાને ચેતવણી આપવામાં આવી છે કે જો તે યુક્રેન પર આક્રમણ કરશે તો યુએસ અને તેના સાથી દેશો આ અંગે સામે જોરદાર જવાબ આપશે. તેમજ તેના માટે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે. બિડેને પુતિનને કહ્યું કે હુમલાનું પરિણામ વ્યાપક માનવીય વેદના હશે અને રશિયાની છબી કલંકિત થશે. બિડેને પુતિનને કહ્યું કે યુએસ યુક્રેન પર રાજદ્વારી ચાલુ રાખશે પરંતુ ‘અન્ય દૃશ્યો માટે સમાન રીતે તૈયાર છે.’
યુક્રેન સંકટ વચ્ચે બંને નેતાઓએ 62 મિનિટ સુધી વાતચીત કરી. આ ફોન કોલ એવા સમયે આવ્યો છે જ્યારે બિડેનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ગુપ્ત માહિતીને ટાંકીને ચેતવણી આપી હતી કે રશિયા બેઇજિંગમાં ચાલી રહેલા વિન્ટર ઓલિમ્પિક્સના 20 ફેબ્રુઆરીના અંત પહેલા દિવસોમાં હુમલો કરી શકે છે. યુક્રેનની સરહદ પર સૈનિકોની તૈનાતીની સાથે રશિયાએ પડોશી દેશ બેલારુસમાં અભ્યાસ માટે પણ પોતાના સૈનિકોને મોકલ્યા છે. જેના કારણે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બેલારુસથી જ યુક્રેન પર હુમલો કરી શકે છે.
શું ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ વિશ્વ આગળ વઘી રહ્યું છે?
રશિયા અને અમેરિકા વચ્ચે મજબૂત ઘેરાબંધી થઈ છે. બિડેનની સેનાએ હવે પૂર્વીય મોરચા પર પણ કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. યુએસ નેવીની પરમાણુ સબમરીન રશિયન પાણીમાં પ્રવેશી હતી. આ બાબતથી રશિયા ઉશ્કેરાઈ ગયું છે. જેના કારણે ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો વધી રહ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અમેરિકાની વર્જિનિયા-ક્લાસ પરમાણુ સબમરીન તેઓના પાણીમાં પ્રવેશ કર્યો છે. જ્યારે રશિયન યુદ્ધ જહાજે અમેરિકન સબમરીનને સપાટી પર આવવા કહ્યું તો તેણે અવગણના કરી. આ પછી રશિયન નેવીએ અમેરિકન સબમરીન સામે ‘સ્પેશિયલ એક્શન’ લીધા હતાં. પુતિને ચેતવણી આપી છે કે જો કિવ નાટોમાં જોડાશે તો પરમાણુ યુદ્ધ થશે. પુતિનની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે રશિયાએ પોલેન્ડની સરહદ નજીક પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ મિગ-31 તૈનાત કર્યા છે. પુતિને ફ્રાન્સના પ્રમુખને કહ્યું કે તેઓ ફરી એકવાર એ વાત પર ભાર મૂકવા માગે છે કે જો યુક્રેન નાટોમાં જોડાય તો યુરોપીયન દેશો આપોઆપ રશિયા સાથે યુદ્ધમાં ઉતરી જશે.