SURAT

ભાજપના અમિત રાજપૂતે હેન્ડશેક કરવા હાથ લંબાવ્યો તો આપના ધર્મેશ ભંડેરી ભડકી ગયા, કહ્યું.. તમે રાવણ છો, તમને તો..

સુરત : (Surat) છેલ્લા થોડા દિવસથી ‘આમ આદમી પાર્ટી’ના (AAP) નગર સેવકોને (Corporator) ભાજપમાં ખેંચી જવા માટે ચાલી રહેલા દાવપેચને કારણે રાજયના અને ખાસ કરીને સુરતના રાજકારણમાં ભારે ગરમાટો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ભાજપ (BJP) અને ‘આપ’ના નેતાઓ વચ્ચે રાજકીય મતભેદો પર્સનલ પણ બનવા માંડયા હોય તેવી પ્રતિતિ શુક્રવારે સુરત મનપાની લોબીમાં વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ શાસક પક્ષ નેતા અમિત રાજપૂત પર ઠાલવેલા ગુસ્સાથી થઇ હતી.

  • સામાન્ય રીતે સભાગૃહમાં કે ચુંટણીની રેલીઓમાં જ રાજકીય નેતાઓ વચ્ચે ગરમા-ગરમી થતી હોય છે
  • મનપાની લોબીમાં જ વિપક્ષી નેતાનો આક્રોશ બહાર આવી ગયો
  • છેલ્લા થોડા દિવસથી આપના નગર સેવકો તૂટી રહ્યા હોવાથી વિપક્ષી નેતાએ મિજાજ ગુમાવ્યો અને ભાજપના નેતાઓને ‘રાવણ’ કહ્યા

ગત અઠવાડીયે ‘આપ’ના પાંચ નગરસેવકો ભાજપમાં જોડાઇ ગયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે શુક્રવારે સવારથી ફરી વધુ આઠ નગર સેવકો ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની અફવા ચાલતા આખો દિવસ વિપક્ષી નેતા પર પુછપરછનો મારો ચાલ્યો હોય, વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી અકળાયેલા હતા. દરમિયાનમાં મનપાની લોબીમાં ધર્મેશ ભંડેરી પાસેથી પસાર થઇ રહેલા શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે વિવેક દાખવવા તેની સાથે હાથ મેળવવા હાથ લંબાવ્યો હતો તેથી ધર્મેશ ભંડેરી ઉકળી ઉઠયા હતા અને ‘તમારી સાથે હાથ પણ મેળવવા જેવો નથી, તમે રામના નામે રાવણ છો, તમને તો દોડાવી દોડાવીને લોકો પાસે મરાવીશું’ જેવા વાક્યો કહેવા લાગ્યા હતા. જોકે, શાસક પક્ષના નેતા અમિત રાજપૂત ત્યાંથી હસતા હસતા ચાલ્યા જતા મામલો વધુ બગડતા અટકી ગયો હતો.

તંદુરસ્ત રાજકીય સ્પર્ધાને બદલે ‘આપ’ના હતાશ નેતાઓ મવાલી જેવું વર્તન કરે છે : અમિત રાજપૂત
મનપાની લોબીમાં વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ કરેલા વર્તન મુદ્દે શાસકપક્ષ નેતા અમિત રાજપૂતે જણાવ્યું હતું કે, ‘આપ’ના નેતાઓની નીતિરીતિને કારણે તેના જ સભ્યો કંટાળી ગયા છે. તેથી તે ભાજપની વિચારધારાને અપનાવી રહ્યા છે. તેથી હતાશ થયેલા ‘આપ’ના નેતાઓ મવાલી જેવું વર્તન કરી કરવા માંડ્યા છે અને તંદુરસ્ત રાજકીય સ્પર્ધાને બદલે મવાલીની જેમ મારવાની ધમકી આપવા માંડયા છે. જે દુ:ખદ બાબત છે.

Most Popular

To Top