Business

હાઇપર થાઈરોઈડીઝમ? શું ખાશો? શું નહિ?

ગતાંકે આપણે હાઇપો થાઈરોઈડીઝમની સમસ્યા હોય તો શું ખાવું અને શું ન ખાવું એ વિશે જાણ્યું. આ અંકે આપણે એનાથી વિરુદ્ધ અવસ્થા એટલે કે ‘હાઇપર થાઈરોઈડીઝમ’ની સમસ્યામાં કેવો આહાર લેવો એ સમજીએ. હાઇપર થાઈરોઈડીઝમ એ વધુ પ્રમાણમાં થાઇરોકસિન હોર્મોન બનવાને કારણે ઉત્પન્ન થતી સમસ્યા છે. આ સંજોગોમાં થાઈરોઈડ ગ્રંથિ વધુ પડતી સક્રિય થઈ જવાને કારણે થાઇરોઇડ ગ્રંથિનું કામ ખોરવાય છે અને વધુ પ્રમાણમાં થાઇરોકસિન હોર્મોન ઉત્પન્ન થવાને કારણે શરીરની ચયાપચયની ક્રિયા (મેટાબોલિઝમ) પર તેની અસર પડે છે. થાઈરોઇડની આ સમસ્યા વારસાગત હોઈ શકે.હાઇપરની સમસ્યાનો જો સમયસર ઉકેલ ન લાવવામાં આવે તો હૃદય પર તેની અસર થઈ શકે છે. હાડકાં નબળા પડીને વારંવાર ફ્રેકચરની સમસ્યા ઉદભવી શકે છે. આહારમાં કરેલ ફેરફાર આ સમસ્યામાં  રાહત અપાવી શકે છે. હાઇપર થાઈરોઈડીઝમની સમસ્યામાં આહાર અને જીવનશૈલીમાં નીચે પ્રમાણેના ફેરફાર કરી શકાય. ખોરાકમાં રહેલું આયોડિન થાઈરોઇડ ગ્રંથિને વધુ ઉત્તેજિત કરે છે. આવા સંજોગોમાં ઓછું આયોડિન ધરાવતો ખોરાક મદદરૂપ સાબિત થઈ શકે. બજારમાંથી નોન – આયોડાઈઝડ મીઠાની ખરીદી કરવી.

  • નીચે પ્રમાણેના ઓછું આયોડિન ધરાવતાં ખાદ્યપદાર્થોનો રોજિંદા આહારમાં ઉપયોગ કરી શકાય.   
  • દૂધ વગરની કોફી/ ચા
  •     ઈંડાની સફેદી
  •     મીઠા વગરનો સૂકોમેવો
  •     તાજાં ફળો
  •     ઓટ્સ
  •     બટાકા
  •     મધ

   રોજિંદા આહારમાં મીઠાનો ઉપયોગ શક્ય એટલો ઓછો કરવો.
વધુ આયોડિન ધરાવતા ખોરાકની બાદબાકી કરવી
નીચે મુજબના ખાદ્યપદાર્થો વધુ પ્રમાણમાં આયોડિન ધરાવે છે.

  •    દૂધ અને દૂધની બનાવટો
  •     ચીઝ
  •     ઈંડાની જરદી
  •     આયોડિનયુક્ત મીઠું
  •     ખાદ્ય રંગો

કૃસીફેરસ શાકભાજીનો ઉપયોગ કરવો
ફ્લાવર, કોબી, બ્રોકોલી, સરસવ જેવાં શાકભાજી આ પ્રકારમાં આવે છે. આ શાકભાજીઓ થાઈરોઇડ ગ્રંથિમાં આયોડિનનું શોષણ અટકાવે છે. તો આ પ્રકારના શાકભાજીનો ઉપયોગ હાઈપર થાઈરોઈડીઝમના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે. આ પ્રકારનાં શાકભાજીનો ઉપયોગ વધુ કરવો.
આયર્નયુક્ત આહાર લેવો
હાયપર થાઈરોઈડીઝમની સમસ્યામાં લોહતત્ત્વનું ઓછું પ્રમાણ પણ મહદ અંશે જવાબદાર હોય છે. અહીં, આયર્નયુક્ત આહાર સમસ્યાના ઉકેલમાં મદદરૂપ થઈ શકે છે. નીચે મુજબના આયર્નયુક્ત આહારનો રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ.    # લીલા પાંદડાંવાળી ભાજી.

  •     ખજૂર, અંજીર જેવા સૂકામેવા.
  •     સફરજન, દાડમ ,લીલા અંજીર જેવાં ફળો.
  •     ગોળ.
  •     કઠોળ.
  •     ચિકન અને લાલ માંસ.
  •     અળસી, સૂર્યમુખી, તલ જેવાં તેલીબિયાં.

સોયાબીનનો ઉપયોગ ટાળવો
 સોયાબીન એ થાઈરોઈડના રોગોની સારવારમાં અડચણ ઊભું કરતું હોવાનું મનાય છે . જેથી સોયાબીનનો ઉપયોગ ટાળવો.
મસાલા
    હળદર, સૂકા મરચાં તથા મરી જેવા મસાલા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોઈ, થાઇરોઇડના રોગોમાં મદદરૂપ થાય છે. તેમનો ઉપયોગ છૂટથી કરી શકાય.
કેલ્શિયમ અને વિટામિન D યુક્ત આહાર
  હાઈપર થાઈરોઈડીઝમના દર્દીઓનાં હાડકાં સ્વસ્થ વ્યક્તિની સરખામણીમાં નબળાં હોય છે. આ દર્દીઓએ હાડકાંના સ્વાસ્થ્ય માટે કેલ્શિયમ અને વિટામિન D યુક્ત આહાર લેવો હિતાવહ છે. નીચે મુજબના ખાદ્યપદાર્થો કેલ્શિયમ સારા પ્રમાણમાં ધરાવે છે. વિટામિન D સવારે કુમળા તડકામાં ૧૫-૨૦ મિનિટ સૂર્યસ્નાન કરવાથી મળી શકે.

  •        પાલક, મેથી, કોથમીર જેવી ભાજીઓ
  •        સરગવો
  •        ભીંડા
  •         કોબીજ
  •        સંતરા
  •         મશરૂમ

સી ફૂડ વધુ પ્રમાણમાં આયોડિન ધરાવતું હોય હાઇપર થાઈરોઈડીઝમના દર્દીઓએ વધુ પ્રમાણમાં લેવું હિતાવહ નથી.

આમ, દૈનિક આહારમાં  ઉપર મુજબના ફેરફારો કરી હાઇપર થાઈરોઈડીઝમના દર્દીઓ લક્ષણોમાં રાહત મેળવી શકે છે પરંતુ યાદ રાખવું, અમુક રોગોની સારવારમાં દવાઓ અનિવાર્ય છે. દવા અને આહારનું કોમ્બિનેશન ચોક્કસ મદદરૂપ થઈ શકે પરંતુ માત્ર આહારના ફેરફાર, વારસાગત થાઈરોઇડની સમસ્યાને સોલ્વ ન કરી શકે. છતાં ડૉકટર અને ડાયેટિશ્યનની સલાહ મુજબ આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવા હિતાવહ છે.

હાઇપર થાઈરોઈડીઝમનાં લક્ષણો

  •   વજનમાં ખૂબ ઘટાડો થવો.
  •   ખૂબ ભૂખ લાગવી, ખૂબ ખોરાક લેવો છતાં શરીરના વજનનું ન વધવું.
  •   ગભરાટ થવો.
  •   નર્વસ થઈ જવું.
  •   ચીડિયો સ્વભાવ થવો.
  •   ઊંઘ ન આવવી.
  •   ખૂબ ગરમી લાગવી અને અતિશય પસીનો થવો.
  •   સ્નાયુઓ નબળા પડવા
  •   થાક લાગવો.
  •   ધબકારા વધી જવા
  •   માસિક અનિયમિત થવું.
  •   આંખોના આકારમાં ફેરફાર.
  •   ગળાના નીચેના ભાગમાં સોજો આવવો.

Most Popular

To Top