Business

પ્રિય સન્નારી

કેમ છો?
‘હેપ્પી વેલેન્ટાઇન ડે’
આપના જીવનમાં પ્રેમની વસંત સદાય ખીલેલી રહે એવી અમારી શુભેચ્છાઓ…
જેમ્સ બૈરી નામના લેખકે એક સરસ વાત કરી છે કે અગર તમારી પાસે પ્રેમ છે તો તમને બીજી કોઇ વસ્તુની જરૂર નથી પરંતુ તમારી પાસે પ્રેમ નથી તો એ વાતથી વધારે ફરક નથી પડતો કે તમારી પાસે શું છે? મતલબ કે જીવનમાં પ્રેમ જરૂરી છે. પ્રેમ એટલે શું? બે વિજાતીય વ્યકિતઓની એકબીજા માટેની લાગણી અને તડપ? માતાની આંખમાં છલકાતો સંતાનો માટેનો વાત્સલ્યનો દરિયો કે બે મિત્રો વચ્ચે વિકસતી નિખાલસ લાગણી? હા, આ બધું જ પ્રેમ છે… પણ પ્રેમને કોઇ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં…. એ એક એવો અહેસાસ છે જેના અનુભવથી વ્યકિત ખુદને સભર – પરિપૂર્ણ અને મૂલ્યવાન સમજે છે અને એ પ્રેમ કોઇ પણ બે વ્યકિત વચ્ચે હોય શકે, આ અહેસાસ મા-બાપ, પતિ – પત્ની, સંતાન, પ્રેમી કે મિત્ર કોઇ પણ દ્વારા મળી શકે અને એ સતત કોઇ ને કોઇ સ્વરૂપે વ્યકત થતો રહે છે. કયારેક ચિંતારૂપે તો કયારેક સપોર્ટરૂપે, કયારેક પ્રશંસારૂપે તો કયારેક સન્માનરૂપે, હા, કયારેક એ ગુસ્સા કે જીદરૂપે પણ વર્તાય… જરૂર છે એ પ્રેમને સમજવાની… સમય – સંજોગો – સ્થળ મુજબ એની અભિવ્યકિતનાં સ્વરૂપ બદલાયાં કરે છે.

સન્નારીઓ, આજે આપણે સતત ફરિયાદ કરીએ છીએ કે આજના સમયમાં સાચો પ્રેમ કયાં જોવા મળે છે? લોકો પૈસા – પાવર અને પ્રતિષ્ઠાને મહત્ત્વ આપે છે પ્રેમને નહીં…. અથવા તો લગ્ન પછી પતિ-પત્ની બનતાં પ્રેમી – પ્રેમિકાના પ્રેમનું સૂરસૂરિયું થઇ જાય છે અને સંતાનોનો મા-બાપ માટેનો પ્રેમ બાષ્પીભવન પામે છે કારણ કે આપણે પ્રેમને એક ફ્રેમમાં બાંધી દઇએ છીએ. વાસ્તવમાં કોઇ વ્યકિત જીવનમાં માત્ર એક જ વ્યકિતને પ્રેમ કરે એવું નથી બનતું, પત્ની, સંતાનો માટે વધુ પ્રેમ અને મા-બાપ માટે ઓછો પ્રેમ હોય એવું હંમેશાં બનતું નથી પરંતુ જીવનમાં વ્યકિતની પ્રાયોરીટી બદલાતાં અભિવ્યકિતનો ક્રમ બદલાતો રહે છે. અગર એને સમજીએ તો વ્યકિતના પ્રેમને પણ સમજી શકીએ.

આમ કરીએ તો પ્રેમ અને આમ નહીં કરીએ તો જ પ્રેમ કહેવાય એવો સિકકો મારવાથી પ્રેમમાં ગેરસમજ વધે છે. લગ્નની પ્રથમ એનીવર્સરીએ પતિ પિતાનું હોસ્પિટલનું બિલ ભરવાને લીધે પત્ની માટે ગિફટ ન લાવી શકે તો પતિનો પત્ની માટેનો પ્રેમ ઓછો થઇ જાય? ના, પ્રેમ તો એ જ છે પરંતુ પત્નીની અપેક્ષા મુજબની અભિવ્યકિત નથી એટલે પત્નીને એવું લાગે છે કે લગ્નનાં એક જ વર્ષમાં પ્રેમ ખત્મ થઇ ગયો. સાચી વાત તો એ છે કે પ્રેમ એ માત્ર ક્રિયાત્મક લાગણી નથી. ક્રિયાત્મક અને ગુણાત્મક લાગણીનો સરવાળો છે. ક્રિયાત્મક લાગણી એટલે વર્તન દ્વારા પ્રેમને દર્શાવવો જેમ કે ગિફટ આપવી, સ્પર્શ કરવો. કામમાં સપોર્ટ આપવો કે કેર કરવી. જયારે ગુણાત્મક લાગણી એટલે સન્માન, વિશ્વાસ, સમજણ, પ્રશંસા અને સ્વીકાર… ક્રિયાત્મક લાગણીઓ બદલાય તો બહુ ચિંતા કરવા જેવું નથી કારણ કે એમાં બાહ્ય પરિબળોની અસર વધારે રહે છે પરંતુ ગુણાત્મક લાગણીઓ બદલાય તો પ્રેમમાં કશું અઘટિત બનવાની સંભાવના ઉદ્‌ભવી શકે. સો… આપણે આપણા પ્રિયપાત્રનાં અને ખુદનાં વર્તનને ચકાસી આપણા પ્રેમના ઊંડાણને જાણી શકીએ.

બીજી વાત એ છે કે પ્રેમના અનુભવોનાં આવરણો હંમેશાં આપણાં મગજમાં રહે છે. નવો અનુભવ થાય ત્યારે જૂના અનુભવનું આવરણ અચાનક ખૂલી જાય છે અને નવા તથા જૂના અનુભવોની સરખામણી કરી દુ:ખી થઇએ છીએ. પહેલી વાર કોઇ નવી વાનગીના વખાણ કર્યા હોય તો બીજી વાર નવી વાનગી બનાવતી વખતે વખાણની ઇચ્છા જન્મી જ જાય… અને એ ન થાય તો બે સમયને કંપેર કરીને દુ:ખી થવાય કે પ્રેમ ઓછો થઇ ગયો એવું મનમાં લાગે. શું પ્રેમ આવી કોઇ પ્રશંસા પર જ નિર્ભર છે? કહેવાનો મતલબ એ કે પરિચયના પ્રારંભિક તબકકે થયેલા મીઠા અનુભવોમાં પ્રેમનો જે અહેસાસ થાય છે તે આપણે આખી જિંદગી શોધીએ છીએ. એ મળે તો સારું પરંતુ ન મળે તો પ્રેમ ખત્મ થઇ ગયો એવું માનીને નેગેટિવ બનવાની જરૂર નથી કારણ કે સમય સાથે વ્યકિત, રૂચિ-અરૂચિ જેવી અનેક બાબતો બદલાય છે એ સ્વીકારવું જ પડે.

નવા સંજોગોમાં પ્રેમની નવી અભિવ્યક્તિને જોવી પડે. જેમ કે ગિફટ ન લાવનાર પતિ ઓફિસથી થાકીને આવવા છતાં તમને ઘરમાં હેલ્પ કરે, સવારે કોફી બનાવીને આપે કે તમને તમારા પેન્ટીંગ માટે પ્રેરણા આપે તો એ પ્રેમ જ છે પણ મોટે ભાગે પ્રેમના નવા સ્વરૂપને જોવાને બદલે પેલું ગિફટવાળું આવરણ નજર સામે આવી જવાથી આપણે દુ:ખી થઇએ છીએ. સન્નારીઓ, આ ઉપરાંત પ્રેમમાં સૌથી અગત્યની બાબત એ છે કે પ્રેમમાં તમે એકબીજા માટે અનિવાર્ય હોવા જોઇએ. માત્ર ભૌતિક જરૂરિયાતો માટે જ નહીં ઇમોશનલી પણ… તેઓ એકબીજા વગર રહી ન શકે, સાથે સમય પસર કરવા ઝંખે, એકબીજા સાથે સખત ઝઘડે પરંતુ એકબીજા વિના તરફડે તો એ સાચો પ્રેમ…. આજે અનેક કપલ્સમાં બહારથી બધું ઠીક લાગે પરંતુ તેઓ એકબીજાને નિગ્લેક્ટ કરતાં રહે તો એનો મતલબ નથી.  ટૂંકમાં પ્રેમ એટલે સાથે રહેવાની, સાથે વિકસવાની અને એકબીજાની ભૂલોને અવગણીને ગમતાનો ગુલાલ કરવાની પ્રક્રિયા… જેમાંથી માત્ર ‘વેલેન્ટાઇન ડે’ એ જ નહીં રોજ પસાર થવાનું છે. પ્રેમ એ સતત ચાલતી સાધના છે અને પૂર્ણતાનો અહેસાસ એ પ્રેમનું સાધ્ય છે. આ સાધ્ય સુધી તમે પહોંચો એવી શુભેચ્છાઓ…                                                  
– સંપાદક

Most Popular

To Top