વડોદરા : વડોદરામાં કોરોનાના કેસોમાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે.કોરોના હવે ભુતકાળ તરફ પ્રયાણ કરી રહ્યો છે તેવું ચિત્ર દર્શાવાઈ રહ્યું છે.બુધવારની સરખામણીએ ગુરુવારે 14 કેસ ઓછા સાથે નવા 391 કેસ નોંધાયા હતા.પાલિકા દ્વારા જારી કરાયેલા કોવિડ બુલેટિન મુજબ 5 વ્યક્તિઓના કોરોનાથી મોત થયા હતા.અત્યાર સુધીમાં કોરોના કારણે મૃત્યુ આંક 690 પર પહોંચ્યો છે. વડોદરા મહાનગર પાલિકા દ્વારા વીતેલા 24 કલાકમાં 5806 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 391 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 5415 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 1192 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.
જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,26,448 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 59 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 92 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 46 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 95 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.જ્યારે વડોદરા રૂરલ માંથી 99 દર્દી મળી કુલ 391 દર્દીઓ કોરોનાં પોઝિટિવ નોંધાયા હતા.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાં પોઝિટિવના કુલ કેસોનો આંક 1,31,036 ઉપર પહોંચ્યો છે.
SSGના કોરોના વોર્ડમાં 42 દર્દી સારવાર હેઠળ : 2ના મોત
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર વિભાગમાં હાલમાં 42 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.આજે સયાજી હોસ્પિટલના કોવીડ ઓપીડીમાં કોરોના ચકાસણી માટે કરવામાં આવેલા 34 રેપિડ ટેસ્ટ પૈકી 9 પોઝિટિવ જણાયા છે.જ્યારે ગુરુવારે 2 દર્દીના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા હતા.
શહેરમાં 3588 લોકો હોમ આઈસોલેશન તેમજ કોરોનાના 3898 એક્ટિવ કેસ
શહેરમાં ઘટતાં જતા કોવિડ કેસો વચ્ચે એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા 3898 અને હોમઆઇસોલેશન હેઠળ 3588 વ્યક્તિઓ છે.જ્યારે 310 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 21 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 54 દર્દીઓ,ઓક્સિજન ઉપર 103 દર્દીઓ અને ઓક્સિજનની જરૂર નથી તેવા હળવા લક્ષણો ધરાવતા 132 દર્દીઓનો સમાવેશ થાય છે.જ્યારે કુલ 1564 વ્યક્તિઓ હાલ ક્વોરેન્ટાઈન હેઠળ છે.
કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્રને મળી ઓક્સિજન પ્લાન્ટની સુવિધા
કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીવન રક્ષામાં ઉપયોગી ઓક્સિજન પ્લાન્ટનું ધારાસભ્ય અક્ષય પટેલે લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્યશ્રી અક્ષય પટેલે આ પ્લાન્ટ માટે રૂ.૨૭ લાખનું અનુદાન ફાળવ્યું હતું. નાયબ કલેકટર આશિષ મયાત્રા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુરેન્દ્ર જૈન, નગર અગ્રણી ઉપેન્દ્ર શાહ, બિરેન પટેલ, પ્રદીપ રાજ, નગર પાલિકા ઉપપ્રમુખ જયેશ પટેલ વિગેરે હાજર રહ્યા હતા.
કોરોના કેસો મળી આવેલા વિસ્તારો
બાપોદ, ગોત્રી, માંજલપુર, નવીધરતી, વારસિયા, તરસાલી, સંવાદ, ગોરવા, કપુરાઈ,સમા, કિશનવાડી, યમુનામિલ, હરણી, દંતેશ્વર, અકોટા, વડસર, એકતાનગર, આજવારોડ, પાણીગેટ, સુભાનપુરા ,ફતેપુરા, શિયાબાગ, રામદેવનગર