Top News

શું કોરોના મહામારીનો અંત આવ્યો?, બ્રિટન અને સ્વીડને આ જાહેરાત કરી

નવી દિલ્હી: છેલ્લાં બે વર્ષથી આખુંય વિશ્વ કોરોના (Corona) મહામારીનો સામનો કરી રહ્યું છે. પહેલી લહેર બાદ બીજી અને હવે વિશ્વના અનેક ભાગો ત્રીજી લહેરનો સામનો કરી રહ્યાં છે ત્યારે સૌ કોઈ એક વાત જાણવા માંગે છે કે આ મહામારીનો અંત ક્યારે આવશે. કોરોનાની બિમારીથી છૂટકારો ક્યારે મળશે? વૈજ્ઞાનિકો કે તબીબો તેનો ચોક્કસ જવાબ આપી શકતા નથી પરંતુ વિશ્વના બે દેશોએ હવે કોરોના મહામારી સમાપ્ત થઈ હોવાનું માની લીધું છે અને તેના સંબંધિત તમામ નિયંત્રણો દૂર કરી દેવાની ઘોષણા કરી છે.

સ્વીડને (Sweden) લગભગ તમામ નિયંત્રણો (Restrictions) હટાવી દેવાનો નિર્ણય લીધો છે. કોરોનાનો સામનો કરતા દર્દીઓની (Patient) નોંધપાત્ર સંખ્યા હોવા છતાં અને વૈજ્ઞાનિકો (Scientist) દ્વારા રોગ સામેની લડાઈમાં ધીરજ રાખવાની વિનંતી કરાઈ હોવા છતાં સ્વીડને રોગચાળા સંબંધિત તમામ પ્રતિબંધોને રદ કર્યા છે. આ સાથે જ કોવિડ માટેના મોટા ભાગના ટેસ્ટને પણ દૂર કરાયા છે. તે હવે ફરજિયાત રહેશે નહીં.

આ તરફ બ્રિટને (Britain) પણ કોવિડને હવે ગંભીરતાથી લેવાનું છોડી દીધું છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સને (PM Boris Jhonson) બુધવારે કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં કોવિડ-19 માટે આઈસોલેશનના નિયમોને મહિનાના અંત સુધીમાં દૂર કરી શકાય છે. મતલબ કે કોવિડ થયો હોય તેવા દર્દીઓને અન્યોથી અલગ રાખવાની ફરજ પાડવામાં આવશે નહીં. તે ઉપરાંત સ્થાનિક સ્તરે કોરોના વાયરસ સંબંધિત તમામ પ્રતિબંધોને અંત લાવવામાં આવ્યો છે. જ્હોન્સને લોકસભાને સંબોધતા વધુમાં કહ્યું કે, હાલના પ્રોત્સાહન પૂરું પાડતા ટ્રેન્ડને જોતાં સરકાર ટૂંક સમયમાં તમામ ડોમેસ્ટીક પ્રતિબંધો દૂર કરી લેશે. જેમાં કાયદાકીય રીતે સેલ્ફ આઈસોલેટ રહેવાના નિયમનો પણ સમાવેશ કરી લેવાશે. મહિનાના અંત પહેલાં નવા નિયમો લાગુ કરી દેવાશે.

આ અગાઉ પોઝિટિવ દર્દીઓને 5 દિવસ સુધી આઈસોલેટ રહેવાનો નિયમ હતો, જે માર્ચ 24થી હટાવવામાં આવનાર હતો, પરંતુ બ્રિટિશ વડાપ્રધાનની એનાઉસમેન્ટ બાદ તે આ મહિનાના અંત સુધીમાં જ દૂર કરી દેવાય તેવી શક્યતા છે. જ્હોન્સને કહ્યું કે, વિરામ બાદ 21 ફેબ્રુઆરીથી સંસદ ફરી શરૂ થશે ત્યારે તે કોરોના વાયરસ સાથે જીવવા માટેની નવી ગાઈડલાઈન રજૂ કરવાની યોજના ધરાવે છે.

આ અગાઉ ગયા મહિને બ્રિટન સરકારે કોવિડ-19 પરના મોટા ભાગના નિયંત્રણો દૂર કર્યા હતા, જેમાં લંડનના પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક સિવાય ઈંગ્લેન્ડમાં ક્યાંય પણ ફેસ માસ્ક ફરજિયાત નહીં હોવાનો નિયમ સામેલ છે. તે ઉપરાંત નાઈટ ક્લબમાં પ્રવેશ મેળવવા અને ઈવેન્ટ્સ માટે રસી સર્ટીફિકેટની આવશ્યકતા રદ કરાઈ હતી.

અધિકારીઓએ કહ્યું કે, સરકાર કાયદાકીય પ્રતિબંધો દૂર કરી સૂચનો આપવા તરફ વળી રહી છે. સરકાર હવે કોરોના વાયરસને ફ્લૂની જેમ જોઈ રહી છે અને તેની સારવાર પર પણ તે રીતે જ ધ્યાન કેન્દ્રીત કરવાની યોજના ધરાવે છે.

Most Popular

To Top