Vadodara

પારુલ યુનિ.માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના કેસમાં ન્યાયિક તપાસની માંગ

વડોદરા : વાઘોડિયાની પારુલ યુનિવર્સિટી માં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસ થાય તે માટે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ન્યાયિક તપાસની સાથે સાથે કસૂરવારો સામે કડક પગલા લેવાની માંગણી કરી હતી. વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ બુધવારે પારુલ યુનિવર્સિટીમાં શંકાસ્પદ રીતે મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ન્યાયિક તપાસની માંગ સાથે વડોદરા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પારુલ યુનિવર્સિટીમાં એક અઠવાડિયામાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત થયા છે.જે માટે પારુલ યુનિવર્સિટી ના સંચાલકો જવાબદાર છે.ભૂતકાળમાં પણ પારુલ યુનિવર્સિટીના સંચાલકો રેપ કેસમાં પકડાયા હતા અને નિર્દોષ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કરતાં ઝડપાયા હતા અને સજા પણ ભોગવી હતી.પારુલ યુનિવર્સિટીમાં હોટલ મેનેજમેન્ટનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી સૌરભ નરેન્દ્રસિંહ રાજપુરોહિત તેનું શંકાસ્પદ મોત થયું છે.

એના મિત્ર વર્તુળમાંથી પણ મળતી માહિતી મુજબ તે વિદ્યાર્થી ખૂબ શાંત અને સરળ સ્વભાવનો હતો. થોડા દિવસો પહેલા 28 જાન્યુઆરી ના રોજ પણ એક વિદેશી વિદ્યાર્થીનું રહસ્યમય મોત થયું હતું અને તે વિદ્યાર્થી પણ હોટલ મેનેજમેન્ટમાં અભ્યાસ કરતો હતો અને સૌરવનો મિત્ર હતો. વિદેશી વિદ્યાર્થીના મૃત્યુનું કારણ ડ્રગ્સના ઓવરડોઝના લીધે થયું હતું અને સૌરવને શારીરિક ત્રાસ પણ આપવામાં આવતો હતો તેવી માહિતી મળવા પામી છે.સાથે સાથે તેની પાસે ડ્રગ્સ હોવાના આક્ષેપો પણ મૂકી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા સિક્યુરિટીને આદેશ આપી મારવાથી તેનું મૃત્યુ થયું હોય તેવી શંકા સેવાઈ રહી છે. જેઓ માત્ર વિદ્યાર્થીઓ ફક્ત કહેવા પૂરતા એડમિશન લઈ પારુલ યુનિવર્સિટી અને શહેરની આસપાસની કોલેજોમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાના તેમજ વિદ્યાર્થીઓને છાવરવાનું કામ પારુલ યુનિવર્સિટીના સંચાલકો કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો કરી ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી યુનિવર્સિટી ઉપર કડક પગલા લેવાની માગ કરાઇ છે.

Most Popular

To Top