Business

દુનિયાના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ ડૉ. શૈલેષ ઠાકરમાંથી શીખવા જેવું ઘણું

મે કોઈ એવા ગુજરાતીની કલ્પના કરી છે જેમણે તેમની 32 વર્ષની કારકિર્દીમાં 50 કરતાં વધુ દેશોમાં ટ્રેનિંગ, પ્રોગ્રામ કે વર્કશોપ કર્યાં હોય ? એવા ગુજરાતી કે જેમણે 110 પુસ્તકનું સર્જન કર્યું હોય, જેમણે 19550 કલાક સુધી વક્તવ્ય આપ્યું હોય અને લગભગ 1900 જેટલી વર્કશોપ કરી હોય અને જેઓને 550 જેટલી વિવિધ ઓર્ગનિઝેશન તરફથી બેસ્ટ ટ્રેનરનું પ્રમાણપત્ર મળ્યું હોય? તમને પણ તાજુબ થશે કે આવો ગુજરાતી કોણ હોય ? તેમનું નામ છે ડૉ.શૈલેષ ઠાકર. વિવિધ ઓર્ગેનાઇઝેશનમાં બિઝનેસ ટ્રાન્સફોર્મેશનમાં જેમનું અમૂલ્ય યોગદાન રહ્યું છે તેવા ડૉ.ઠાકરની ખાસિયત છે કે જમીનથી જોડાયેલા રહીને નીચેના લેવલની ખરી હકીકત જાણી ટોપ લેવલની લીડરશીપમાં મોટો ફેરફાર લાવી શકે છે.
ડૉ. શૈલેષ ઠાકર મારા મિત્ર છે અને મારી પોતાની લીડરશીપ ટ્રાન્સફોર્મેશનમાં પણ તેમનો સિંહફાળો છે. સ્વભાવે મૃદુ શૈલેષભાઈએ અનેક સીમાચિહ્નો હાંસલ કર્યાં છે. વિશ્વની જાણીતી સંસ્થા IFLD ( ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ) દ્વારા ડૉ.શૈલેષ ઠાકરને ખાસ સન્માન આપ્યું છે. સંસ્થા દ્વારા પબ્લિશ યાદીમાં જણાવ્યા પ્રમાણે ઉચ્ચ નિરીક્ષણ પદ્ધતિને અનુસરીને ડૉ.શૈલેષ ઠાકરને વિશ્વના ટોપ 10 મેનેજમેન્ટ ગુરુમાં સ્થાન આપ્યું છે. સમગ્ર વિશ્વમાંથી ટોટલ 553 લીડરની યાદીમાંથી શૈલેષભાઈને આ સ્થાન મળ્યું છે તે સમગ્ર ગુજરાતીઓ અને ભારત માટે ગર્વની વાત ગણી શકાય છે.
ડૉ.શૈલેષ ઠાકર લીડરશીપ મેનેજમેન્ટમાં નિષ્ણાત છે. CEO લીડરશીપમાં તેમના ટ્રેનિંગ પ્રોગ્રામ આખા ભારતમાં લોકપ્રિય છે. ટોકયોથી ટોરેન્ટો સુધી ઘણાં ઓર્ગેનાઇઝેશનના મેન્ટર્સ રહી ચૂકેલા શૈલેષ ઠાકરની બિઝનેસ ટ્રાન્સફોર્મેશનમાં સારી પકડ છે. એક કંપની તરીકે તમારી પ્રોડકટ્સને કેવી રીતે લોકપ્રિય બનાવવી તે વિશે ડૉ. ઠાકરના બિઝનેસ મોડેલની ખાસ વિશેષતા રહેલી છે.

ઘણા મેનેજમેન્ટ ગુરુઓ કંપનીઓએ શું કરવું તેના વિશે લાંબી ચર્ચા કરતા હોય છે પરંતુ ડૉ.ઠાકર કંપનીમાં શું ન કરવું તે બાબતે વિશેષ ભાર મૂકતા હોય છે. સરળ બિઝનેસ પ્રોસેસથી કેવી રીતે શ્રેષ્ઠ ઓર્ગેનાઇઝેશન બનાવી શકાય તે શૈલેષભાઈ પાસે શીખવું પડે. બેસ્ટ HR પ્રેક્ટિસની ઘણી બાબતો ડૉ.શૈલેષ ઠાકરે ઘણાં ઓર્ગેનાઈઝેશનમાં અમલમાં મૂકી છે, જેવી કે દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવી, કંપનીમાં કામ કરતા કર્મચારીઓનાં મા-બાપને શ્રવણયાત્રા કરાવવી, કંપનીના કર્મચારીઓને તેમના પર્ફોર્મન્સ, ધારા-ધોરણ અનુસાર વિશિષ્ટ સ્થાન આપવું વગેરે. ઇનોવેટિવ થીંકીંગ અને શ્રેષ્ઠ બિઝનેસ પ્રોસેસ તમારી કંપનીને ચાર ચાંદ આપી શકે છે તેવું શૈલેષભાઈનું ખાસ માનવું છે. હ્યુમન રિસોર્સીસ ક્ષેત્ર પૂરતું જ તેમનું પ્રદાન મર્યાદિત નથી, તેઓએ કોરોના મહામારીમાં સમાજને અમૂલ્ય ફાળો આપ્યો છે. કોલેજ અને યુનિવર્સિટીમાં યંગસ્ટર્સમાં ડેવલપમેન્ટ માટે તેમને સરકાર તરફથી ઘણી વખત સન્માનિત પણ કરવામાં આવ્યા છે. યોગ્ય મેનેજમેન્ટથી કંપની અને બિઝનેસનો વિકાસ થાય છે તેવું ડો.શૈલેષ ઠાકરનું સ્પષ્ટ માનવું છે. એક ગરવા ગુજરાતી તરીકે તેમણે આખા વિશ્વમાં ગુજરાતીઓનું નામ રોશન કર્યું છે.

Most Popular

To Top