વડોદરા: વડોદરા શહેરમાં છેલ્લા આઠ દિવસમાં 32 દર્દીઓના કોરોનાથી મોત થઈ ચૂક્યા છે.શહેરમાં પાલિકા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવ્યું છે.જેના કારણે ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેથ ઓડિટ કમિટી દ્વારા મૃત્યુ પામેલા દર્દીઓના કેસની તપાસ બાદ સત્તાવાર મોત જાહેર કરવામાં આવી રહ્યા છે. મંગળવારે 555 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા.તેમજ કોરોનાથી 3 વ્યક્તિઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 682 પર પહોંચ્યો છે. વડોદરા શહેરમાં કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણ તેજ ગતિએ ફેલાતા રોજ બ રોજ બહોળી સંખ્યામાં લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હતા.હાલ કોરોના હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે
.તેમ દર્શાવાઈ રહ્યું છે.જોકે તેનું કારણ પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી સેમ્પલિંગની કામગીરી છે.જે પહેલા રોજ બ રોજ નવ,દસ હજાર વ્યકતિઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા હતા.જે ઘટાડીને સીધા ત્રણ હજારની આસપાસ કરી દેવાયા છે.જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક પણ ઘટવા માંડ્યો છે.વીતેલા 24 કલાકમાં 3732 સેમ્પલ લેવાયા હતા.જેમાંથી 555 પોઝિટિવ આવ્યા હતા.જ્યારે 3,171 નેગેટિવ આવ્યા હતા.સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમજ હોમ આઈસોલેશન માંથી 1525 દર્દીઓ સાજા થઈ જતા હોસ્પિટલ માંથી રજા આપી દેવામાં આવી હતી.જે તમામને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પણ નિયમ મુજબ હોમક્વોરેન્ટાઈન રહેવા સૂચના આપવામાં આવી છે.કુલ ડિસ્ચાર્જ કરાયેલ દર્દીઓનો આંક 1,23,058 પર પહોંચ્યો છે.વીતેલા 24 કલાકમાં કરાયેલ સેમ્પલીંગની કામગીરીમાં શહેરના ઉત્તર ઝોનમાં 92 દર્દીઓ,દક્ષિણ ઝોનમાં 106 દર્દીઓ ,પૂર્વ ઝોનમાંથી 74 દર્દીઓ અને પશ્ચિમ ઝોન માંથી 132 વ્યક્તિઓ કોરોનાં સંક્રમિત થયા છે.
કોરોનાનું સંક્રમણ કયા ક્યા વિસ્તારોમાં ફેલાયું
આજવા રોડ, છાણી, કિશનવાડી, સુભાનપુરા, તરસાલી,શિયાબાગ, બાપોદ ,રામદેવ નગર ,કપુરાઈ, અકોટા, માંજલપુર, વાઘોડિયા રોડ, ફતેપુરા, હરણી-વારસિયા, નવીધરતી, વડસર, પાણીગેટ ,ગોત્રી ,એકતાનગર, દંતેશ્વર, સંવાદ
SSGના કોરોના વોર્ડમાં 51 દર્દીઓ સારવાર હેઠળ : 1નું મોત
મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર વિભાગમાં હાલમાં 51કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.આજે સયાજી હોસ્પિટલના કોવીડ ઓપીડીમાં કોરોના ચકાસણી માટે કરવામાં આવેલા 60 રેપિડ ટેસ્ટ પૈકી 12 પોઝિટિવ જણાયા છે.જ્યારે મંગળવારે 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું.
6124 લોકો હોમ આઈસોલેશનમાં, કોરોનાના 6499 એક્ટિવ કેસ
શહેરમાં ઘટતાં જતા કોવિડ કેસો વચ્ચે એક્ટિવ કોરોનાના કેસોની સંખ્યા 6499 અને હોમઆઇસોલેશન હેઠળ 6124 વ્યક્તિઓ છે.જ્યારે 375 દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ દાખલ છે.જેમાં વેન્ટિલેટર-બાયપેપ પર 31 દર્દીઓ,વેન્ટિલેટર વગર આઈસીયુમાં 59 દર્દીઓ,ઓક્સિજન ઉપર 119 દર્દીઓ અને ઓક્સિજનની જરૂર નથી તેવા લક્ષણો ધરાવતા 166 દર્દીઓનો સમાવેશ થાય છે.