Gujarat

સુરત, અમદાવાદને ધ્રુજાવનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સુરતના વરાછાનો આ માસ્ટર માઈન્ડ દોષિત જાહેર

વ્યારા: (Vyara) સુરત અને અમદાવાદને ધ્રુજાવી નાંખનાર અરેરાટીભર્યા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કેસમાં ૧૩ વર્ષ પછી આવેલા ચુકાદામાં મૂળ યુપીનો સુરતના વરાછાનો તનવીર પઠાણ ઉર્ફે તલ્હાને અમદાવાદની કોર્ટે દોષિત જાહેર કર્યો છે. સુરતમાં જુદી-જુદી જગ્યાએથી મળી આવેલા બોમ્બ પ્રકરણમાં ૧૫ એફઆઇઆર નોંધવામાં આવી હતી. જેમાં જુદાં જુદાં સ્થળે બોમ્બ મૂકવા મામલે સ્થાનિક મુખ્ય સૂત્રધાર મોહંમદ તનવીર પઠાણ સહિત ૬૮ જેટલા આરોપીઓને પોલીસે (Police) પકડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. જો આ બોમ્બ બ્લાસ્ટ થયા હોત તો કદાચ હજારોની સંખ્યામાં નિર્દોષો મોતના ખપ્પરમાં હોમાઈ ગયા હોત. આ મામલે તત્કાલીન સેક્ટર-૨ના એડિશનલ સીપી વિકાસ સહાય, ઝોન ૩ના ડીસીપી વી. ચંદ્રશેખર, ઇનચાર્જ ઝોન વન અને ક્રાઇમ બ્રાંચના નેજા હેઠળ ઇ-ડિવિઝન એસીપી સુજાતા મજમુદાર અને તેઓની સુરતની ટીમે પોતાના જીવના જોખમે રાત્રિના ઉજાગરા કરી ઉઠાવેલી જહેમત કોઇપણ સંજોગે સુરતની પ્રજા આજે પણ વિસરી શકે તેમ નથી. લોકોને મોટી સંખ્યામાં મોતના મુખમાં ધકેલવા સુરતનો કુખ્યાત સિરિયલ બ્લાસ્ટનો સૂત્રધાર (The mastermind of the Serial Blast) મોહંમદ તનવીર પઠાણને ઝડપી પાડતા જ તેની સીધી કઢી અમદાવાદના સિરિયલ બ્લાસ્ટ સાથે જોડાતા જ મોટી સફળતા આ મહિલા અધિકારી સુજાતા મજમુદાર અને તેઓની સુરત પોલીસની ટીમે હાંસલ કરી હતી. ઉપરા છપરી જુદી-જુદી જગ્યાએથી ૨૯ બોમ્બ શોધી કાઢવામાં પણ સફળતા મળી હતી. તે સુરતનો મોહંમદ તનવીર મોહમંદ અખ્તર પઠાણ (રહે.,એફ-૧, રિવરવ્યુ સોસાયટી, વી-૧ ફૂલવાડી, ભરીમાતા રોડ, ચોકબજાર, સુરત, મૂળ રહે.,નાઝિમાબાદ, પઠાણપુરા, જિ.બીજનોર, ઉત્તરપ્રદેશ) સહિત ૪૯ આરોપીને મંગળવારે અમદાવાદ કોર્ટે દોષિત ઘોષિત કર્યા છે.

સુરતની આ ઘટનાની તત્કાલીન ઝોન-ઇના એસીપી અને આઇઓ સુજાતા મજમુદારે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેઓ હાલ તાપી જિલ્લામાં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે તેમણે આ ચકચારી ઘટના અંગે ચર્ચા કરતાં જાણવા મળ્યું હતું કે, ૨૬મી જુલાઇ-૨૦૦૮માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયો હતો. જેને લઇ સુરત પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. દરમિયાન સુરત પોલીસની ટીમને એક મેસેજ મળ્યો હતો. જે સંદર્ભે તપાસ કરતાં ઉમરા ખાતે આવેલી નુપૂર હોસ્પિટલ પાસે પ્લાસ્ટિકના કવર પર સેલો ટેપ મારેલું એક ભૂરા કલરનું બોક્સ મળી આવ્યું હતું. બે શંકાસ્પદ ગાડીઓ પણ મળી આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી અને ગેસ સિલિન્ડર કારમાંથી મળી આવતાં સુરત પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી. જેમાં તત્કાલીન સેક્ટર-૨ના એડિશનલ સીપી વિકાસ સહાયના સુપરવિઝનમાં સુરત પોલીસે એસઆઈટીની રચના કરી હતી. જેમાં ઝોન ૩ના ડીસીપી વી. ચંદ્રશેખર, ઇનચાર્જ ઝોન વન અને ક્રાઇમ બ્રાંચના નેજા હેઠળ ઇ-ડિવિઝન એસીપી સુજાતા મજમુદારની નિમણૂક તપાસ અધિકારી તરીકેની કરાઈ હતી. તેઓ સાથે ક્રાઇમ બ્રાંચ સહિતના પીઆઈ, પીએસઆઈ મળી કુલ ૪૫ જેટલા કર્મી તપાસમાં જોડાયા હતા. તપાસ દરમિયાન આ ભાડાનું મકાન અને સ્થાનિક યુવકની આ ઘટનામાં સૂત્રધાર તરીકેની ઓળખ થઈ અને તે યુવક તનવીર પઠાણને આ તત્કાલીન સેક્ટર-૨ના એડિશનલ સીપી વિકાસ સહાય, ઝોન ૩ના ડીસીપી વી. ચંદ્રશેખર, ઇનચાર્જ ઝોન વન અને ક્રાઇમ બ્રાંચના નેજા હેઠળ ઇ-ડિવિઝન એસીપી સુજાતા મજમુદાર અને તેઓની સુરતની ટીમે પકડ્યો હતો.

આ યુવકની મદદથી ભાડાના મકાનમાં વિસ્ફોટક સામગ્રી આવી હતી. અહીં બોમ્બ બનાવ્યા, પછી દિવસો સુધી પોલીસ રાઉન્ડ ધી ક્લોક ખડેપગે રોડ પર રહી હતી. ઇમ્ફોર્મેશન, એકસાથે એક્ટિવ થવા લાગ્યું હતું, જેમાં પોલીસ સર્ચ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, તનવીરની મદદથી ૩૦ જેટલી જગ્યાઓ નક્કી કરી બોમ્બ પ્લાન્ટ કરાયા હતા. તેમાંથી ૨૯ મળી આવ્યા હતા. આ મામલે સુરતનાં જુદાં જુદાં પોલીસમથકોમાં ૧૫ ગુના દાખલ થયા હતા. આખું કાવતરું હતું તે તપાસમાં બહાર આવ્યું હતું. જેની લિંક અમદાવાદમાં પણ તપાસ ચાલતી હોય તેની સાથે મળી હતી. પૂછપરછ દરમિયાન બંનેના ભટકલબંધુઓ અને ઇન્ડિયન મુજાહિદ્દીન સાથે કનેક્શન મળતાં તેનું જ આખું કાવતરું હોવાનું સાબિત થતાં આ કેસ અમદાવાદ સાથે જોડી અમદાવાદની કોર્ટમાં બંને કેસની પ્રક્રિયા એકસાથે શરૂ કરાઇ હતી. તનવીર પઠાણનાં રિમાન્ડ લઈ તપાસ કરાઇ હતી ત્યારે લોકો પુના-ભરૂચ થઈ આવતા હોવાનું માલૂમ પડ્યું હતું.

મુંબઈ ક્રાઇમ બ્રાંચે તેમને પકડ્યા હતા. એ લોકોના સ્કેચ તનવીરને મળવા આવતા લોકો સાથે મેચ થતા હતા, માત્ર તેઓનાં જુદાં જુદાં નામો અપાયાં હતાં. સુરતમાં ઘર ભાડે રાખ્યું, માઇક્રો ચીપ-છરા બોમ્બમાં નાંખી રેકી કરાયેલી ભીડભાડવાળી જગ્યાએ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫-૫ અને ૧૦-૧૦ મિનીટના ટાયમર શેટ કરાયા હતા, જેમાં વિસ્ફોટ થાય અને વધુથી વધુ સંખ્યામાં લોકો મરે તેવી ભીડવાળી જગ્યા સુનિશ્ચિત કરાઇ હતી. અગાઉ અમદાવાદમાં ૨૬મી જુલાઇ-૨૦૦૮ના રોજ ૨૧ સ્થળે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ૨૯ બોમ્બ સુરતની પોલીસે શોધી કાઢ્યા હતા. જો આ ૨૯ બોમ્બ સુરતની ભીડભાડ વાળી જગ્યાએ બ્લાસ્ટ થયા હોત તો હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટ્યા હોત. આ બોમ્બ અંડરબ્રિજ, સિગ્નલ પોઇન્ટ, હોસ્પિટલ બહાર, ચાની કેટલી જેવી જગ્યાઓ પર ગોઠવાયા હતા.

સુરતમાં બોમ્બ બ્લાસ્ટ ન થવાનું કારણ આ હતું
વ્યારા: બોમ્બમાં માઇક્રોચીપ નાંખી હતી તે ડિફેક્ટિવ હતી. લગાવેલા ડિટોનેટર બે ડિટોનેટર હતા, માટે બેટરી સપ્લાય પાવર ઓછો પડ્યો, જેથી ઇગ્નેશન જ ન મળ્યું, ટેક્નિકલ ખામીને કારણે બોમ્બ બ્લાસ્ટ થયા ન હતા.

મૂળ યુપીનો સુરત વરાછાનો તનવીર પઠાણ ઉર્ફે તલ્હા એસી રિપેરિંગનું કામ કરતો હતો
વ્યારા: સુરતના મોહંમદ તનવીર પઠાણને મંગળવારના ચુકાદામાં અમદાવાદ કોર્ટે સજા ફટકારી છે. આ યુવકે બોમ્બ બ્લાસ્ટ મૂકનારાઓને પણ ભાડાનું મકાન અપાવ્યું હતું. તેનો મોબાઈલ ટ્રેસ કરતાં માલૂમ પડ્યું કે, અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ ભટકલબંધુ સાથે સંકળાયેલો હતો. સ્થાનિક યુવક સાથેની ગતિવિધિ પર પોલીસે વોચ ગોઠવી હતી. મૂળ યુપીનો સુરત વરાછાનો આ યુવક એસીનું રિપેરિંગ કરતો તનવીર પઠાણ ઉર્ફે તલ્હા હોવાનું માલૂમ પડ્યું હતું. આ યુવક સૌથી પહેલી કડી હતી. જેથી તેને શોધવું જરૂરી હતું. તેને સુરતની પોલીસે તાબડતોબ પકડી પાડ્યો હતો.

પ્રથમ બોમ્બ તા.૨૬મી જુલાઈએ અને બીજો બોમ્બ તા.૨૭મી જુલાઈએ મળ્યો હતો
વ્યારા: પોલીસ અધિકારીઓઅ ગંભીરતા દાખવી તાત્કાલિક બોમ્બ સ્ક્વોડ મારફતે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તપાસ કરતાં પ્રથમ બોમ્બ તા.૨૬મી જુલાઇએ અને બીજો બોમ્બ તા.૨૭મી જુલાઇએ મળ્યો હતો. જેને લઇને સુરતમાં તાત્કાલિક સ્કૂલ-કોલેજો, મોલ સહિતનાં જાહેર સ્થળો કે જ્યાં ટોળું ભેગું થતું હોય તેવાં તમામ જાહેર સ્થળો બંધ કરાવીને તમામની હિલચાલ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર વોચ ગોઠવી દેવાઈ હતી.

Most Popular

To Top