SURAT

OLX પર વેચવા મુકેલો આઈફોન લેવા આવેલ ગઠિયો ડોક્ટરના પુત્રને એકાંતમાં લઈ ગયો અને..

સુરતઃ (Surat) અડાજણ વિસ્તારમાં ઓએલએક્સ (OLX) પર વેચવા મુકેલો આઈફોન એક અજાણ્યાએ ખરીદવાનું કહીને એક ડોક્ટર (Doctor) અને રેતી-કપચીના વેપારીને મળ્યો હતો. આ બંને પાસેથી પૈસા આપવાના બહાને મળીને મોબાઈલ (Mobile) આંચકી ભાગી ગયો હતો. અડાજણ પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ તેનું દેવું ચુકવવા માટે આ રસ્તો અપનાવ્યો હતો.

અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવયુગ કોલેજ પાસે હેતલનગર સોસાયટીમાં રહેતા 45 વર્ષીય તેજશકુમાર જગદીશચંદ્ર પટેલ પોતે ડીએચએમએસ ડોક્ટર છે. તેમણે ગત 18 જાન્યુઆરીએ ઓએલએક્સ ઉપર એપલ મોબાઇલ ફોન વેચવા મુક્યો હતો. ત્યાર પછી એક અજાણ્યાએ તેમનો સંપર્ક કરીને આ મોબાઈલ ફોન 82 હજાર રૂપિયામાં ખરીદવા માટે રસ બતાવ્યો હતો. બાદમાં આ અજાણ્યો 22 જાન્યુઆરીએ તેમના ઘરે પહોંચી જતા ડોક્ટર ઘરે નહોતા. ડોક્ટરના પુત્રને ઘરની બહાર બોલાવી મોબાઈલના પૈસા આપવા મોપેડ ઉપર બેસાડીને એપેકક્ષ હોસ્પિટલની સામેની સાઈડે ગૌરવપથ ઉપર એકાંત જગ્યા પર લઈ ગયો હતો. જ્યાં પુત્રને જોરથી પેટ ઉપર મારી મોબાઈલ, બિલ સહિતની થેલી આંચકી ભાગી ગયો હતો.

બીજી ઘટનામાં અડાજણ ખાતે સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા 22 વર્ષીય ઋત્વિકભાઇ કમલેશભાઇ પ્રજાપતિ ઇચ્છાપોર ખાતે રેતી-કપચીનો વેપાર કરે છે. ઋત્વિકે ગત 11 જાન્યુઆરીએ તેનો આઈફોન ઓએલએક્સ ઉપર વેચવા મુક્યો હતો. તેમનો ફોન અજાણ્યાએ 85 હજારમાં ખરીદવા રસ બતાવી સંપર્ક કર્યો હતો. પોતાનું નામ અંકિત પટેલ તરીકે આપ્યું હતું. અને ગત 4 ફેબ્રુઆરીએ મોનાર્ક ગેલેક્ષી એકન્લેવ સોસાયટી, ગેલેક્ષી સર્કલ પાસે અડાજણ ગૌરવપથ રોડ ઉપર ઋત્વિકના બનેવીને મોબાઇલના પૈસા આપવા બોલાવ્યા હતા. જ્યાં તેમના હાથમાંથી મોબાઇલ અને એસેસરીઝ સહીતનો મુદ્દામાલ આંચકી અજાણ્યો ભાગી ગયો હતો. આ બંને ઘટનામાં પોલીસે ફરિયાદ દાખલ કરીને વધારે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડ્યો છે.

ધંધાનું 10-12 લાખનું દેવું ચુકવવા ગુનાખોરીનો રસ્તો અપનાવ્યો
અડાજણ પોલીસે આ બંને ઘટનાના આરોપી અમિત બિપીન ઓલપાડવાલા (ઉ.વ.34, રહે.સાંઈ દરબાર એપાર્ટમેન્ટ, લક્કડકોટ, મહિધરપુરા) ની ધરપકડ કરી હતી. અમિત ઓનલાઈન સાબુ અને શેમ્પુ વેચવાનો ધંધો કરે છે. તેને ધંધામાં 10 થી 12 લાખનું દેવું થઈ ગયું હતું. આટલું મોટું દેવું ઉતારવા માટે તેને ગુનાખોરીનો આ રસ્તો અપનાવ્યો હતો.

Most Popular

To Top