સુરત : (Surat) એસબીઆઇ (SBI) વીમા પોલીસીને (Insurance Policy) સુરત ગ્રાહક કોર્ટની લપડાક પડી છે. કંપનીએ નક્કી થયા પ્રમાણેની પોલીસી આપી ન હતી, અને બીજી પોલીસી આપી દીધી હતી. વીમેદારએ પોતાની રકમ પરત માંગતા વીમા કંપનીએ રૂપિયા પરત નહીં આપતા કોર્ટમાં ફરિયાદ થઇ હતી.
- ઓલપાડના ભાદોલ ગામમાં વડ ફળિયામાં રહેતા મયદિપસિંહ જશવંતસિંહ અટોદરિયાએ એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 7 લાખની રકમનો વીમો ખરીદ્યો હતો
- 14 હજારનો ક્લેઇમ ચૂકવવા એસબીઆઇ વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ
પ્રાપ્ત વિગતો મુજબ ઓલપાડના ભાદોલ ગામમાં વડ ફળિયામાં રહેતા મયદિપસિંહ જશવંતસિંહ અટોદરિયાએ એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 7 લાખની રકમનો વીમો ખરીદ્યો હતો, આ પોલીસીનું ત્રિમાસિક પ્રિયિમયમ રૂા. 14868 હતું. પરંતુ વીમા કંપનીના અધિકૃત અધિકારીએ બીજી જ પોલીસી આપી દીધી હતી. કંપનીએ ભુલ સ્વીકારીને પોલીસીમાં ફેરફાર કરી આપશે તેમ જણાવ્યું હતું. ટેક્નિકલ ભુલ સુધારવા માટે વીમા કંપનીએ મયદિપસિંહ પાસેથી બે ચેકો લીધા હતા. ત્યારબાદ જે પોલીસી લીધી હતી તેના પ્રિયિમય કરતા ઓછુ પ્રિમિયમ કપાયું હતું. પરંતુ આ બાબતે પણ વીમા કંપનીએ ગંભીરતાથી લીધી ન હતી અને મયદિપસિંહને ધક્કા ખવડાવ્યા હતા.
આખરે મયદિપસિંહએ જે 19164 હજારની રકમ ચૂકવી હતી તે પરત આપી દેવા કહ્યું હતું. વીમા કંપનીએ આ રકમમાંથી માત્ર 4300 રૂપિયા પરત કર્યા હતા, અને બાકીના રૂા. 14863 વકીલ મોના કપૂર મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અરજી મંજૂર કરીને વીમા કંપનીને રૂા. 14863 સાત ટકાના વ્યાજે ચૂકવવા આદેશ કર્યો હતો.
મૂળ એનઆરઆઇની પૂણાની જમીન પચાવી પાડી 23 કોમર્શિયલ કનેકશન લઇ લેવાયા
સુરત : અમેરિકામાં રહેતા અને મૂળ ભારતીય એવા પટેલ પરિવારની જગ્યાના બોગસ દસ્તાવેજના આધારે 23 જેટલા કનેકશન લઇને ગોડાઉનો શરૂ કરી દેવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પુણા કુંભારીયા રોડ ઉપર ભરત કેન્સર હોસ્પિટલની પાછળ આવેલી સર્વે નં.95, બ્લોક નં.168 વાળી જગ્યા પુણાગામના વતની અને હાલમાં અમેરિકામાં વસવાટ કરતાં અને ત્યાં મોટેલ ચલાવતાં રમેશભાઇ ભુલાભાઇ પટેલ અને તેમના પરિવારજનોની છે. સુરતના પુણા કુંભારીયા રોડ ઉપર આવેલી જગ્યાનો વહિવટ કરવા માટે રમેશભાઇએ અમદાવાદના ઘાટલોડિયા પાસે અભિનંદન સોસાયટીમાં રહેતા તુષારભાઇ દશરથભાઇ ભટ્ટને પાવર આપ્યો હતો. બીજી તરફ આ જગ્યામાં કુંરજીભાઇ મોહનભાઇ ગોટી, વરાછા વિક્રમનગર સોસાયટીમાં રહેતા પાર્વતીબેન કુંરજીભાઇ ગોટી, હિરલબેન હસમુખભાઇ ગોટી તેમજ બિરેન કુંરજીભાઇ ગોટીએ ભેગા થઇને બોગસ દસ્તાવેજ બનાવ્યો હતો અને તેના આધારે ડીજીવીસીએલમાંથી ઇન્ડસ્ટ્રિયલ તેમજ કોમર્શિયલ વીજ કનેકશનો મેળવી 23 જેટલા કનેકશનો લેવામાં આવ્યા હતા. આ અંગે તુષારભાઇએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.