ડાકોરના ખડાયતા ભુવન પાસે ઉભરાતી ગટરથી પ્રજા પરેશાન

નડિયાદ: ડાકોર નગર યાત્રાધામ હોવાછતાં તેની જાળવણીમાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોવાનું જોવા મળી રહ્યું છે. શહેરમાં રસ્તાના પ્રશ્ન ઉપરાંત ઉભરાતી ગટરની સમસ્યાથી પ્રજા તો પરેશાન છે જ પણ સાથે સાથે ડાકોર નગરની મુલાકાતે આવતાં યાત્રાળુઓ પણ નગરની સ્થિતીને જોઇને નિસાસો નાખે છે. છેલ્લા કેટલાક દિવસથી ખડાયતા ભુવન પાસે આવેલી ગટર ઉભરાઇ રહી છે અને તેનું પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળે છે. જેને કારણે લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભગવાન શ્રી રણછોડરાય જ્યાં સ્વયં બિરાજમાન છે તે ડાકોર માત્ર જિલ્લા કે રાજ્યમાં જ નહીં દેશ અને વિદેશમાં પણ જાણીતું છે. દેશ-વિદેશથી અહીં લોકો ભગવાનના દર્શનનો લ્હાવો લેવા દોડી આવે છે. વિશ્વફલક પર જેની ઓળખ છે તે ભગવાન રણછોડરાયની ડાકોર નગરની જાળવણી રાખવામાં ડાકોર નગરપાલિકા તંત્ર ઉણું ઉતર્યું છે. નગરના માર્ગો બિસ્માર હાલતમાં છે. આ ઉપરાંત છાશવારે ઉભરાતી ગટરની સમસ્યાથી સ્થાનિકો પરેશાન થઇ ગયા છે. એક વિસ્તારમાં મરામત થાય ત્યાં બીજા વિસ્તારમાં ગટર ઉભરાવવાનું શરૂ થઇ જાય છે. સ્થાનિકો પાલિકાને રજૂઆત કરી કરીને થાકી જાય તો પણ કોઇ પરિણામ આવતું નથી. છેલ્લા કેટલાક દિવસથી ડાકોર નગરમાં પ્રવેશવાના માર્ગે ખડાયતા ભુવન પાસેજ ગટર ઉભરાઇ રહી છે.

યાત્રાળુ નગરમાં પ્રવેશે ત્યારે તેને સહુ પ્રથમ ગટરના ગંદા – દુર્ગંધયુક્ત પાણી ડહોળીને પસાર થવું પડે છે. ભગવાનના ધામને સ્વચ્છ રાખવામાં ડાકોર નગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવી પરિસ્થિતી જોવા મળે છે. ખડાયતા ભુવન પાસે ઉભરાતી ગટર મામલે સ્થાનિકો દ્વારા પાલિકાને રજૂઆત કરવામાં આવી હોવાછતાં આજદિન સુધી તેની યોગ્ય મરામત થઇ નથી. પાલિકા તંત્ર કામ મરામત કરે, તો થોડા કલાક માટે ગટર ઉભરાવવાની બંધ થયા બાદ ફરીથી તે જ સ્થિતી ઉભી થાય છે અને ગટરના પાણી માર્ગ પર ફરી વળે છે. ત્યારે આ ઉભરાતી ગટરની મરામત કરવામાં આવે તેવી લાગણી નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લગ્નસરામાં જ ઉભરાતી ગટરથી પરેશાની
હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ખડાયતા ભુવનના હોલમાં રોજેરોજ લગ્ન તેમજ અન્ય પ્રસંગો યોજાતા હોય છે. વાડીમાં પ્રસંગમાં હાજરી આપવા આવતાં લોકોને પણ આ ઉભરાતી ગટરના પાણીને કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે.

Most Popular

To Top