સાપુતારા: (Saputara) પાર, તાપી અને નર્મદા લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં (Dang) પણ અંબિકા, ખાપરી અને પુર્ણા નદી ઉપર ત્રણ મહાકાય ડેમનાં ભૂતનો પડછાયો વર્ષ 2010માં ઉઠ્યા બાદ ફરીથી વર્ષ 2017માં ધૂણી ઉઠી શાંત પડ્યો હતો. તેવામાં વર્ષ 2022ની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી દ્વારા સંસદનાં બજેટમાં નદીઓનાં જોડાણની (River linking) જાહેરાતનાં પગલે આવનાર દિવસોમાં મહાકાય ડેમોનું (Dam) નિર્માણ થવાનું સાંભળી ડાંગી આદિવાસીઓ વિસ્થાપિત થવાનાં ભયે ફરીથી ધ્રુજી ઉઠ્યા છે અને જાહેરાતનાં મુદ્દે આદિવાસી સંગઠનોનો વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે.
ડાંગની અંબિકા, ખાપરી અને પુર્ણા નદીઓ પર ભારત સરકારનાં નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી દ્વારા પાર-તાપી-નર્મદા અને દમણગંગા પીંજલ નદીઓનાં જોડાણ માટે રીવર લિંક પ્રોજેક્ટ અંતર્ગત ડાંગમાં 3 મહાકાય ડેમો બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. અને જેનો સર્વે વર્ષ 2010માં એજન્સીએ પૂરો કર્યાનું જણાયું છે. ડાંગમાં જો ત્રણ મહાકાય ડેમ બનશે તો 35થી વધુ ગામડા પર અસર પડશે. આ બાબતે આદિવાસી સંગઠનોની સરકાર સમક્ષ માંગણી ઉઠી હતી કે આ મહાકાય ડેમનાં બદલે ડાંગની નદીઓ પર ચેઈન સિસ્ટમમાં નાના ચેકડેમો બનાવી મોટી યોજના પડતી મુકવામાં આવે તો કોઈ નુકસાન કે વિસ્થાપન વગર પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે છે.
દેશમાં નદીઓનાં જોડાણની વાત સૌ પ્રથમ રાષ્ટ્રપતિ એ.પી.જે કલામે કરી હતી. અને માજી વડાપ્રધાન સ્વ અટલ વાજપેયીએ આ જોડાણનું સ્વપ્નું જોયુ હતુ. જે કદાચ હવે નરેન્દ્રભાઈ મોદીનાં શાસનમાં સાકાર થવા જઈ રહ્યું છે. ડાંગનાં જંગલ વિસ્તાર પટ્ટામાં 10,000 કરોડથી વધુના માતબર ખર્ચે ત્રણ મહાકાય ડેમ બનશે તો ડાંગનાં 35થી વધુ ગામડાઓનાં 1700 થી વધુ પરિવારોની જમીન અને તેઓનાં મૂલ્યવાન ઘરો ડૂબાણમાં જશે.
અંબિકાનાં ચીકાર પાસે ડેમ બનશે તો 345થી વધુ પરિવારો વિસ્થાપિત બનશે
ડાંગનાં અંબિકા નદી પરનાં ચીકાર ગામ નજીક બનનાર મહાકાય ડેમમાં સાકરપાતળ, ખીરમાણી, કુંડા, બાજ, બારખાંદિયા, ચીકાર, રંભાસ, ચીખલદા, લહાનદાબદર, સાદડમાળ અને સુસરદા ગામ સંપૂર્ણ ડૂબાણમાં જશે. જેમાં 750 હેકટર જમીન ખેડૂતોની ડૂબશે. જંગલ ખાતાની 350 હેક્ટર જમીન તેમજ 150 હેક્ટર નદીઓનાં પટ ડૂબી જશે. જેમાં 10 ગામડાનાં 345થી વધુ પરીવારોને અન્યત્ર ખસેડવાની નોબત ઉઠશે.
ખાપરી નદીનાં 11 થી વધુ ગામડાનાં 563 થી વધુ પરિવારને અન્યત્ર ખસેડવા પડશે
પાર-તાપી અને નર્મદા લિંક અંતર્ગત ડાંગની ખાપરી નદી પર દાબદર નજીક નિર્માણ પામનાર ડેમનાં પગલે કુકડનખી, ભવાડી, દાબદર, ગીરા, કુડકસ, ચિચીનાગાવઠા, ઢાઢરા અને પીંપરી સહીતનાં ગામો ડૂબાણમાં જશે. જેમાં અંદાજિત 1200 હેકટર જમીન જંગલ ખાતાની, 150 હેકટર નદીનો પટ તથા 11 થી વધુ ગામડાઓના 563થી વધુ પરિવારોને અન્યત્ર ખસેડવા પડશે.
ડાંગની પુર્ણા નદી પર ડેમનાં પગલે લોકોની 1600 હેક્ટર જમીન ડૂબશે
ડાંગની પુર્ણા નદી પર કેલવણ પાસે નિર્માણ પામનાર મહાકાય ડેમનાં પગલે એન્જીનપાડા, ભોગડિયા, ભુજાડ, ચીખલા, દિવડયાઆવન, કાકરદા, ખાતળ, પાંડરમાળ, વાંકણ, ખોખરીઆંબા, ટેકપાડા, પાતળી, ભાલખેત, ગોદડિયા, કાલીબેલ ગામો ડૂબશે. જેમાં 1600 હેક્ટર જમીન ડુબશે અને 450 હેક્ટર જંગલ ખાતાની તથા 300 હેક્ટર નદીઓનાં પટ ડૂબશે. જેમાં 17થી વધુ ગામનાં 793 પરિવારોને અન્યત્ર ખસેડવા પડશે.
દ.ગુ.ની સાત નદી નવપલ્લવિત થશે તો સાત મહાકાય બંધનું નિર્માણ થશે
કેન્દ્ર સરકાર દ્વારા પાર-તાપી-નર્મદા અને દમણગંગા પિંજલ જેવી નદીઓનાં જોડાણ સાથે સાત મહાકાય ડેમની સંભવિત જાહેરાત કરી છે. આ રીવર લિંક પ્રોજેક્ટ જોડાણ અંતર્ગત (1) નવસારી-વલસાડ જિલ્લાને જોડતો ઔરંગા નદી પર ચાસમાંડવા ડેમ (2) ડાંગનાં અંબિકા નદીને જોડતો ચીકાર ડેમ (3) ડાંગની ખાપરી નદીને જોડતો દાબદર ડેમ (4) મહારાષ્ટ્રનાં નાસિક તાલુકાને જોડતો અને પાર નદી પર ઝરી ડેમ (5) ડાંગ-તાપી જિલ્લાને અડીને પુર્ણા નદી પર કેળવન ડેમ (6) વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકા અને મહારાષ્ટ્રનાં સુરગાણા તાલુકાને જોડતો પાર નદી પર પૈખડ ડેમ અને (7) પાર નદી પર મોહનકાંવચાલી ડેમનું નિર્માણ થશે.