ધમણાચાથી ધાનપોર વચ્ચે પાલિકા પુલ ન બાંધી આપતા મજબૂરીમાં ખેડૂતોએ ખેતી છોડી

રાજપીપળા: નર્મદા (Narmada) જિલ્લાના ધમણાચાથી (Dhammanacha) ધાનપોર (Dhanpor) ગામ વચ્ચે પુલ (Bridge) બનાવવા ગ્રામજનો માંગ કરી રહ્યા છે. ગ્રામજનોનું એવું કહેવું છે કે, જો સરકાર અમને પુલ બનાવી આપે તો આસપાસના 15-20 ગામોને એનો સીધો ફાયદો થઈ શકે છે. ગ્રામજનોએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, કરજણ ડેમ (Karjan dam) દ્વારા છોડવામાં આવતા પાણીને લીધે રસ્તો ધોવાતો ગયો અને ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચેનો વર્ષો જૂનો વ્યવહાર તૂટી ગયો છે.

  • વર્ષો પહેલાં ધાનપોર અને ધમણાચા ગામ વચ્ચે બસ વ્યવહાર હતો, પણ કરજણ ડેમના પાણીને લીધે રસ્તો ધોવાઈ જતાં ગ્રામજનોને મુશ્કેલી
  • જો પુલ બનાવાય તો આસપાસનાં 15-20 ગામને ફાયદો થઈ શકે

નાંદોદ તાલુકાના ધમણાચા ગામના મનહર પટેલે જણાવ્યું હતું કે, આજથી 20 વર્ષ પહેલાં ગામ વચ્ચે બસનો પણ વહેવાર હતો. પરંતુ કરજણ ડેમમાંથી અવારનવાર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતાં રસ્તાની સાથે સાથે આસપાસનો વિસ્તાર પણ ધોવાઈ ગયો. જેથી હવે અમારે સામેના ગામ જવા માટે પણ 20-25 કિમીનો ફેરો પડે છે. ધમણાચાવાળા ખેતી કરવા ધાનપોર અને ધાનપોરવાળા ખેતી ધમણાચા આવતા હતા, પણ રસ્તો ધોવાઈ જતા લાંબો ફરો પડવાને લીધે કેટલાક ખેડૂતોએ ખેતી દાણે આપી દીધી, તો કેટલાક ખેડૂતોએ પોતાનાં ખેતરો વેચી દીધાં હતાં. અમારે લગ્ન મરણ પ્રસંગે પણ જવાતું નથી. સરકારને અમારી અરજ છે કે આ બે ગામ વચ્ચે એક પુલ બનાવી આપે.

આ ગામોને ફાયદો થઈ શકે?
ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચ રોડ રસ્તા બને છે. તો સરકાર અહીંયા એક નાનકડો પુલ જો બનાવી આપે તો આસપાસનાં વાઘેથા, વરખડ, ઓરી, નિકોલી, કાંદરોજ, નાવરા, રાજપરા, રાજુવાડિયા, સિસોદરા, ધાનપોર, રસેલા, તોરણા, ભદામ, રાજપીપળા, જેસલપોર, કોઠારા, પોઈચા, નરખડી, રૂંઢ, સેગવા સહિત અનેક ગામોને એનો સીધો ફાયદો થાય એમ છે.

ધરમપુરના ધામણીમાં લગ્નનો જૂનો વિડીયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ
ધરમપુર : ધરમપુર નજીકમાં આવેલા ધામણી ગામે લગ્ન પ્રસંગનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ધરમપુર પોલીસ દોડતી થઇ ગઇ હતી. હાલમાં કોવિડની ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં માત્ર 300 લોકોને પરવાનગી છે. જોકે ડીજેનું કામ કરતા ડીજે સંચાલકને ત્યાં કામગીરી કરતા એક યુવકે જુનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દેતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને પગલે હાલ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

પોલીસે વિડીયો અપલોડ કરનાર યુવક તેમજ ગામના સરપંચ સહિત બે દિવસમાં જેમને ત્યાં લગ્ન પ્રસંગ યોજાયા હતા. એ તમામને બોલાવી તમામના જવાબ લીધા હતા. જોકે આ બાબતે સરપંચે જણાવ્યું કે તેમના ગામમાં બે દિવસ પૂર્વે યોજાયેલા લગ્નપ્રસંગમાં ડીજે નહીં પરંતુ તેઓના આદિવાસી પરંપરા મુજબ ટુર અને કાહદી વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે જવાબ લીધા બાદ દોડતી થયેલી પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. હાલ તો પોલીસે તમામને તેમજ ડીજે સંચાલકોને સૂચના આપી કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટેના નિર્દેશ કર્યા છે.

Most Popular

To Top