નવી દિલ્હી(New Delhi): ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) મહિલા ક્રિકેટને (Womens Cricket) ઉત્તેજન આપવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે અને તેમાં મહિલા ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ) પણ સામેલ છે. લાંબા સમયથી મહિલા આઇપીએલ (IPL) અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે હવે બીસીસીઆઇના (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguli) એવો સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આવતા વર્ષે અર્થાત 2023થી મહિલા આઇપીએલ શરૂ થઇ શકે છે.
- બીસીસીઆઇ મેન્સ આઇપીએલની જેમ જ મહિલા IPLને મોટી અને સફળ ટૂર્નામેન્ટ બનાવવા માગે છે
- બીસીસીઆઇ મહિલા ક્રિકેટને ઉત્તેજન આપવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કરી રહ્યું છે
ગાંગુલીએ પીટીઆઇને (PTI) આપેલા એક ઇન્ટરવ્યુમાં (Interview) એવો દાવો કર્યો હતો કે મહિલા આઇપીએલનું આયોજન હાલમાં ફોર્મ્યુલેશન લેવલે છે અને બીસીસીઆઇ મેન્સ આઇપીએલની જેમ જ તેને મોટી અને સફળ ટૂર્નામેન્ટ બનાવવા માગે છે. પીટીઆઇ સાથે વાત કરતાં ગાંગુલીએ કહ્યું હતું કે અમે સંપૂર્ણપણે મહિલા આઇપીએલના નિર્માણ લેવલ પર છીએ. તે ચોક્કસ જ યોજાશે. મને દૃઢ વિશ્વાસ છે કે આવતા વર્ષે અર્થાત 2023માં તેને સંપૂર્ણપણે શરૂ કરવા માટે એક સારો સમય ગણાશે. મહિલા આઇપીએલ પણ પુરૂષ આઇપીએલની જેમ જ મોટી અને ભવ્ય હશે.
એ ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોને પણ ગુરૂવારે આ મામલે ટીપ્પણી કરી હતી અને તેણે ટ્વિટ કરીને આ બાબતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની ગાંગુલીને અપીલ કરી હતી. ભારતમાં પુરૂષોની આઇપીએલ 2008માં શરૂ થઇ તે પછી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં અનુક્રમે મહિલાઓની બિગ બેશ લીગ તેમજ મહિલા હન્ડ્રેડ ટૂર્નામેન્ટ જેવી ફ્રેન્ચાઇઝી આધારિત ટૂર્નામેન્ટ રમાતી થઇ છે.
બંગાળ સરકારે ભલે મંજૂરી આપી પણ ટી-20 સીરિઝમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં મળશે: સૌરવ ગાંગુલી
નવી દિલ્હી : ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મર્યાદિત ઓવરોની સીરિઝ 6 ફેબ્રુઆરીથી અમદાવાદ ખાતે પ્રથમ વન ડે રમાવા સાથે શરૂ થશે. ગુજરાત ક્રિકેટ એસોસિએશને અમદાવાદમાં રમાનારી ત્રણ વન ડેની સીરિઝમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. વન ડે સીરિઝ પછી કોલકાતામાં રમાનારી ટી-20 સીરિઝ માટે બંગાળ સરકારે તો પ્રેક્ષકોને પ્રવેશ આપવાની મંજૂરી આપી છે પણ બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે જાહેર કર્યું હતું કે કોરોનાની સ્થિતિને ધ્યાને લેતા ટી-20 સીરિઝ પણ બંધ બારણે જ રમાશે.
ગાંગુલીએ પીટીઆઇને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બંગાળ સરકારે ભલે સ્ટેડિયમમાં 75 ટકા પ્રેક્ષકોના પ્રવેશને મંજૂરી આપી હોય પણ ટી-20 સીરિઝ પણ પ્રેક્ષકોની હાજરી વિના જ રમાશે. તેણે કહ્યું હતું કે અમે ટી-20 સીરિઝ માટે ઇડન ગાર્ડનમાં પ્રેક્ષકોના પ્રવેશને મંજૂરી નથી આપી રહ્યા. સામાન્ય લોકો માટે કોઇ ટિકીટ નહીં હોય, માત્ર બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને વિવિધ યુનિટ્સના પ્રતિનિધિઓને જ મેચમાં હાજરી આપવાની મંજૂરી મળશે. ગાંગુલીએ કહ્યું હતું કે કોરોના કાળમાં અમે ખેલાડીઓના આરોગ્ય સાથે રમત ન રમી શકીએ. પ્રેક્ષકોને મંજૂરી આપીને ખેલાડીઓના આરોગ્યને જોખમમાં ન મુકી શકીએ. અમારી પાસે રાજ્ય સરકારની મંજૂરી છે પણ બીસીસીઆઇ ખેલાડીઓની સુરક્ષાને સર્વોપરી ગણે છે.