સુરત(Surat): સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં (South Gujarat) ગેરકાયદે રીતે ધમધમી રહેલા બાયો ડીઝલ પંપ સામે કડક હાથે કામ લેવા ગુરુવારે (Thursday) સુરત અને તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ એસોસિએશને કલેક્ટરને રજૂઆતો કરી છે.
સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસિએશને ગુરુવારે કલેક્ટર આયુષ ઓકને આવેદનપત્ર પાઠવી ગેરકાયદે બાયો ડીઝલ પંપ સામે પગલાં ભરવા માંગણી કરી છે. આ અંગે આગેવાનોએ કહ્યું હતું કે, તાજેતરમાં કામરેજમાં મી કંપનીના ગેરકાયદે પંપને સીલ મારી દેવાયું છે. આ પંપ પાસે કોઇ પરવાનગી નથી. વળી, જાહેર જાનમાલને નુકસાન થાય તેવી રીતે આ પંપ ચાલી રહ્યો હતો. એસોસિએશને કહ્યું હતું કે, સુરત શહેરમાં પણ કતારગામ, વરાછા, કાપોદ્રા સહિત ઉધના અને પાંડેસરા સહિત પરા વિસ્તારોમાં ઠેર ઠેર ગેરકાયદે બાયો ડીઝલ પંપ ધમધમી રહ્યા છે. આ પંપને ગુજરાત સરકારે જાહેર વિતરણ પ્રણાલીમાં સામેલ કર્યા નહોતા. તેમ છતાં બાયો ડીઝલ પંપ ગેરકાયદે રીતે ધમધમે છે. મી કંપનીના પંપ દ્વારા ગ્રાહકને આપવામાં આવેલા બિલમાં હાઇડ્રોજનરેટેડ વેજિટેબલ રિન્યુએબલ ડીઝલ આપવામાં આવે છે. તેનો એચ.એસ.એન.કોડ 2710 છે. વળી, ઇંધણ કોઇપણ પ્રકારનાં વાહનોમાં વાપરવા પરમિટેડ નથી. તેમ છતાં સુરત શહેરમાં બાયો ડીઝલ પંપ ચાલી રહ્યા છે.
કામરેજમાં મી કંપનીના પંપની ટાંકી પણ ગેરકાયદે
સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલપંપ એસોસિયેશને જણાવ્યું હતું કે, કામરેજના મી કંપનીના પંપ ઉપર કોઇપણ જાતનું લાઇસન્સ નહોતું. પંપ માલિકે ચાળીસ હજાર લીટરની બે ટાંકી પતરાની આડશ ઊભી કરી ખુલ્લી જમીન ઉપર બનાવી છે. કામેરજના મી પંપે એક્સપ્લોઝિવ લાઇસન્સ સુધ્ધાં લીધું નથી. આ ટાંકી ઉપરથી હાઇટેન્શન લાઇન પાસ થાય છે. તે જોતાં કોઇ મોટી દુર્ઘટના પણ થઇ શકે છે. કામરેજના મી કંપનીના પંપે તોલમાપ વિભાગ પાસે પણ કોઇપણ જાતનું પંપ યુનિટ સ્ટેમ્પિંગ કરાવ્યું નથી. સરેઆમ ગેરકાયદે રીતે કેમિકલ વેચાણ કરાઇ રહ્યું છે.
માંગરોલ મામલતદાર સવાયા કલેક્ટર બન્યા, મી કંપનીના પંપ સામે કોઈ પગલાં નહીં ભરવા પોલીસને જાણ કરી
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગેરકાયદે ચાલતા મી કંપનીના પંપ સામે અગાઉ પણ ઝુંબેશ છેડાઇ હતી. મી કંપનીના પંપ પર ગેરકાયદે કેમિકલ વેચાણ થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠી હતી. તે વખતે માગંરોલ મામલતદારે પગલાં ભરવાને બદલે સીધા કોસંબા પોલીસ સ્ટેશને કાગળો લખી આ પંપ સામે કોઇ પગલાં નહીં ભરવા પત્ર પાઠવ્યો હતો. જે બાબત પણ શંકાપ્રેરક લેખાઇ રહી છે.