તૈયાર હીરા અને જેમ્સ સ્ટોન પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય આવકાર્ય: ડાયમંડ વર્કર યુનિયન

સુરત: (Surat) જીજેઈપીસીના રિજનલ ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે ડિટેલ બજેટમાં (Budget) જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગ માટે ઘણી રાહતો જાહેર કરવામાં આવી છે. રોડિયમ પરની ડ્યૂટી 12.5% થી ઘટાડી 2.5% કરવામાં આવી છે. જ્યારે સોના ડાયમંડ (Diamond) પરની ડ્યૂટી સંપૂર્ણ નાબૂદ કરવામાં આવી છે. મોતી પરની ડ્યુટી 10% થી ઘટાડી 5% કરવામાં આવી છે. કટ & પોલિશ્ડ ડાયમંડ અને જેમ સ્ટોન્સની ઇમ્પોર્ટ ડ્યુટી 7.5% થી ઘટાડી 2.5% થઈ છે. SEZના સંસેટ ક્લોઝનો વિસ્તાર વધારવો એવી કાઉન્સિલની માંગ પણ સ્વીકારી લેવામાં આવી છે.

નાણા મંત્રીએ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટને એન્ટરપ્રાઇઝ અને હબના વિકાસ માટે નવા કાયદા સાથે બદલવાની જાહેરાત કરી છે. તે હાલના ઔદ્યોગિક વિસ્તારોને આવરી લેશે અને નિકાસની સ્પર્ધાત્મકતા વધારશે. તે ઉપરાંત જેમ-જ્વેલરી સેક્ટરમાં ઇ-કોમર્સ પોલિસી ઘડવી, ઇ-કોમર્સ મારફત એક્સપોર્ટને સરળ બનાવવા જૂન 2022 સુધીમાં એક પોલિસી રજૂ કરવામાં આવશે. ઇમિટેશન જ્વેલરી પરની ડ્યુટી પર સંશોધન કરવા સરકારમાં કાઉન્સિલે રજૂઆત કરી હતી. નાણામંત્રીએ ડ્યૂટી 20% અથવા 400 / કિલો પૈકી જે પણ વધુ હોય એ રાખવા ખાતરી આપી છે. ECGLS સ્કીમ માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી અને કુલ 50,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બેંક ગેરંટીને સ્થાને શ્યોરિટી બોન્ડ સ્વીકારવા પણ માંગ કરવામાં આવી હતી. બજેટ મુજબ હવે બેંક ગેરંટીને બદલે શ્યોરિટી બોન્ડ માન્ય ગણાશે.

આર્થિક સંકટમાં ફસાયેલા,આપઘાત કરી રહેલા રત્નકલાકારો માટે રાહત પેકેજ કે સહાય આપવાની સરકારે દરકાર રાખી નથી: રમેશ જીલરીયા
સુરત: કેન્દ્રિય બજેટમાં કટ અને પોલિશ્ડ હીરા અને જેમ્સ સ્ટોન પર કસ્ટમ્સ ડયુટીને ઘટાડીને 5% કરવામાં આવી છે આ જાહેરાતને ગુજરાત ડાયમંડ વર્કર યુનિયનના પ્રમુખ રમેશ જીલરીયા અને ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આવકારી છે. તેમણે કહ્યું હતું કે નાણામંત્રીનો આ નિર્ણય હીરા ઉદ્યોગના વિકાસ માટે ખૂબ આવકારદાયક છે. પરંતુ દરેક બજેટની માફક આ વખતે પણ કેન્દ્રિય બજેટમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારોની ઉપેક્ષા કરવામાં આવી છે. હીરાઉદ્યોગમાં રત્નકલાકારો પાયમાલ થઈ રહ્યા છે ત્યારે યુનિયનને આશા હતી કે સરકાર રત્નકલાકારો માટે કંઈક સારું વિચારશે પણ સરકાર રત્નકલાકારોની સતત ઉપેક્ષા કરી રહી છે.

હીરા ઉદ્યોગમાં સરકારની મદદની જરૂર હંમેશા રત્નકલાકારોને રહી છે અને સરકાર હંમેશા ઉદ્યોગપતિઓને મદદ કરી રહી છે. હાલ તેજી હોવા છતાં રત્નકલાકારોને તે તેજી નો લાભ મળતો નથી. લોકડાઉનમાં પણ રત્નકલાકારોને પગાર ચૂકવાયો નહોતો. જેના કારણે રત્નકલાકારો ભારે આર્થિક સંકટમા ફસાઈ ગયા હતાં અને આપઘાત કરી જીવન ટૂંકાવી રહ્યા છે. તેમને પણ સરકાર કે ઉદ્યોગપતિઓએ કોઈ જ મદદ કરી નથી. ત્યારે આ બજેટમાં આશા હતી કે સરકાર રત્નકલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરશે પરંતુ સરકારે રત્નકલાકારોને રામ ભરોસે રાખી ઉદ્યોગપતિઓને ફાયદો થાય તેવી રાહત બજેટમાં જાહેર કરી છે.

Most Popular

To Top