યે પબ્લિક હૈ સબ જાનતી હૈ!

ગીતાવાલા મામલા તો સમજે પર યે રાશી માથુર, પેરુ વાડી કી મધુ ઔર સુનંદા! ઇન સબ કા ક્યા મામલા હૈ? આપ ઉંમર સે વડીલ માણુસ દિખતા હૈ ઔર ઇતના સબ લોગ એસા એસા આરોપ ડાલ રહે હૈ!’ જગમોહનદાસ પરસેવો લૂછતા હતા ત્યારે એમને મારી પાસેથી પાણીનો પ્યાલો લઇ આપતાં શિંદેએ નમ્રતાથી પૂછ્યું. પોલીસ પ્રતિનિધિ તરીકે શિંદેનું આ રૂપ મને ખૂબ ગમી ગયું. લોકોની ભીડ જમા થઇ ગઈ હતી, અમુક લોકો ઉશ્કેરાટમાં હતા અને જો વાતાવરણ થોડું પણ અસંતુલિત થાય તો મારામારી કે તોફાન થઇ જાય એવો મામલો હતો ત્યારે આટલા બધા લોકો વચ્ચે હવાલદાર તરીકે એકલા હોવા છતાં શિંદે જે શાંતિથી અને સૌહાર્દપૂર્ણ રીતે મામલો સંભાળી રહ્યો હતો એ કાબિલેદાદ હતું.

અમારા વિસ્તારના નાગરિક કલ્યાણ સંસ્થાના પ્રમુખ જગમોહનદાસે ફોન પર કોઈને મોટેથી જણાવ્યું કે ‘મહોલ્લામાં ગીતા ચાલુ છે – એટલે સહુ બિઝી છે…’ એમાંથી આ વિવાદ ઊભો થયો હતો. ગીતા નામની કોઈક કન્યાના પાડોશીઓએ વિરોધ નોંધાવી જગમોહનદાસને જવાબ તલબ કર્યા કે આવું એ કઈ રીતે બોલી શકે અને જગમોહનદાસે ચોખવટ કરી કે એ તો ભગવત ગીતાના સોસાયટીમાં થઇ રહેલ વાચન બાબત વાત કરતા હતા ત્યારે મામલો પતી જવો જોઈતો હતો. તે પત્યો નહિ કેમ કે ઉશ્કેરાયેલા લોકોએ અન્ય પ્રસંગોએ જગમોહનદાસે અન્ય અણછાજતી ટિપ્પણીઓ કરી હશે એ યાદ કરી જગમોહનદાસને કસૂરવાર ઠેરવવાનો પ્રયાસ કર્યો અને શિંદે હવે એ બધી વાતોનો ખુલાસો માંગી રહ્યો હતો. મારા ચાના બાંકડે અચાનક એક લાઈવ TV શો જેવું વાતાવરણ બની ગયું હતું. સહુનું ધ્યાન હવે જગમોહનદાસ શું જવાબ આપશે એના પર હતું. એમણે ખોંખારો ખાઈ બોલવાની શરૂઆત કરી : ‘દેખો મિત્રો…’ પણ એ આગળ બોલે એ પહેલાં ભીડમાંથી કોઈએ બૂમ પાડી કહ્યું ‘હર એક બાત કા જવાબ દેના પડેગા – યે બુઢ્ઢેને ચૂહે કે બીલ વાલી બાત બોલી ઉસ કા ભી જવાબ ચાહિયે હમકો…’

આ વાત સાંભળી જગમોહનદાસ નર્વસ થઇ ગયા અને ટોળામાં લોકો ચણભણ કરવા માંડ્યા અમુક લોકો ‘હાં હાં…સબ બાત કા જવાબ ચાહિયે’ ‘અરે જવાબ લેને કા નહીં અબ જવાબ દેને કા…’ ‘કાન કે નીચે બજાને કા – તબ બોલને કા અક્કલ આયેગા…’ જેવા પડકારો શરૂ થઇ ગયા. મામલો બિચકતો જોઈ હવાલદાર શિંદેએ ખીસામાંથી સીટી વગાડી અને એક બાંકડા પર પોતાનો દંડો જોરથી અફાળી લોકોને ચૂપ કરી દીધા પછી સત્તાવાહી સ્વરમાં કહ્યું ‘કાય ચાલલય ઇથં? યે ક્યા તુમ્હારા જન અદાલત હૈ? કોઈ કુછ ભી બોલ રહા હૈ? બીચ મેં બોલ રહા હૈ!

ઇધર કોઈ તમાશા નહીં ચલ રહા. ઇધર સવાલ સિર્ફ મૈ કરુંગા ઔર કિસી કો કુછ બોલના હૈ તો ઇધર મેરે પાસ આનેકા, મૈ બોલેગા તભી ચ બોલને કા…યે બાત સબ બરાબર સમજ લો…યે એક ચાયવાલે કા બાંકડા હૈ – ચોપાટી પર ભાષણ નહીં ચલ રહા. કિસી કા ધંધે કી જગહ પર બોમાબોમ નકો- કળલં?’ કહી એણે સહુ સામે કડક ચહેરા સાથે નજર ફેરવી પછી જગમોહનદાસને કહ્યું ‘દેખો વડીલ – તુમ યે મિત્રોફીત્રો જાને દો – સીધા મુદ્દે પર આવ – યે કોઈ ભાષણ દેનેકા મૌકા નહીં.. કાય રે બાબા કોણ હોતી તી?’ બોલતા ભીડ તરફ જોઈ પૂછ્યું ‘પેરુ વાડી કી સુનંદા?’‘સુનંદા નહીં – પેરુવાડી કી મધુ…’ ‘કૌન બોલા? ઇધર આગે આઓ…’ શિંદેએ ભીડમાં જોઈ કહ્યું. એક માણસ આગળ આવ્યો. એને શિંદેએ કહ્યું ‘તુમ બોલા? ઇધર આઓ…ઔર ઠીક સે બતાઓ – ક્યા બાત હૈ?’

એ માણસ શિંદે નજીક આવ્યો અને બોલ્યો ‘બાત ક્યા?- યે આદમી હંમેશાં ગંદા બોલતા હૈ, પેરુવાડી કી મધુને મ્યુનિસિપલ ઈલેકશન મેં અપના નામ ભરા તબ ઇસને  અપના ભાષણ મેં બોલા થા કી મધુ તો કરોડો કા માલ હૈ…’ શિંદેએ આઘાત સાથે જગમોહનદાસને પૂછ્યું ‘બોલા થા એસા?’ જગમોહનદાસ બોલ્યા ‘અરે ભાઈ મધુ બહુત હોંશિયાર લડકી હૈ પઢને મેં ઔર ઇતની હોંશિયાર લડકી પોલિટિક્સ મેં આયેગી તો જીત કર પેરુવાડી કા કીમત બઢા દેયગી એસા અર્થ કા બોલ રહા થા.’ લોકો ફરી ચણભણ કરવા માંડ્યા પણ શિંદેએ તરત સહુને ડાર્યા : ‘યે બાત ક્લીયર હુઆ…અબ ઔર ક્યા લોચા હૈ?’  એક જણે કહ્યું ‘હમારા એરિયે કી રાશી માથુર નામકી લડકી સ્પોર્ટસ મેં ફર્સ્ટ આઈ તભી યે આદમીને ખુલ્લમખુલ્લા બોલા થા કી ‘રાશી મેરી હૈ…’

આ વાતથી ફરી ભીડમાં ગરમાવો ફેલાઈ ગયો… લોકો એકદમ ગુસ્સે થઇ ગયા એ દેખાતું હતું પણ જવાબમાં ઉકળી પડતાં જગમોહનદાસ બોલ્યા ‘કિતની બાર મૈ યે બાત કા ખુલાસા આપ ચુકા હૈ કી મૈ કિસી લડકી કી બાત નહિ બોલ્યા થા… ફોન પર મેરે જ્યોતિષી કો ડાંટ રહા થા – ઉસને મેરા જન્મપત્રી ખોટા બના ડાલા થા – ઉસકુ મૈ બોલ રહા થા કે રાશી મેરી હૈ ઔર જન્મતારીખ દુસરે કી હૈ… – ફાલતુ મેં મેરેકો બદનામ મત કરો!’ જગમોહનદાસે જાણે ગુગલી ફેંકી! પણ એટલામાં એક અન્ય તીખો નારી સ્વર આવ્યો : ‘ઔર તુમને તુમ્હારી સોસાયટી કી સેક્રેટરી સુનંદા કે બારે મેં ક્યા બોલા થા?’ એક સ્ત્રી ચિઢાઈને આગળ વધીને પૂછવા માંડી. ‘ક્યા બોલા થા?’ ‘સુનંદા એક માલ ઔરત હૈ – બોલા થા કી નહીં?’ ‘નહીં. મૈ એસા નહીં બોલા થા…મૈ બોલા થા કે સુનંદા એક કમાલ ઔરત હૈ…પર તુમ લોગ ખાલી માલ સુના – કમાલ નહીં સુના…’

‘અરે પર કિસી ઔરત કો કમાલ બોલને કા ક્યા કામ?’ શિંદેએ સહેજ ખીજમાં પૂછ્યું. ‘કમાલ કામ કિયા હૈ ઉસને જોઈન્ટ સેક્રેટરી બન કર તો ઉસકા કામકા વખાણ કરતા થા’ શિંદેએ માથું ધુણાવતા ભીડને કહ્યું ‘યે બાત ખીંચને કા મતલબ નહીં… સબ લોગ બિખર જાઓ, બુઝુર્ગ આદમી હૈ – ઇસ કા બોલને કા ગલત મતલબ નિકાલના ઠીક નહીં…’ ‘કાય કા બુઝુર્ગ! એક નંબર કા બદમાશ હૈ – સાલા હમારી જાતવાલે કમ હૈ સોસાયટી મેં તો સોસાયટી કા મીટિંગ મેં હંમેશાં યે આદમી હમારા અપમાન કરતા હૈ – બારીશ મેં હમારે લોગો કો બહુત તકલીફ હોતા હૈ… ઇસ કો શિકાયત કિયા કી હમારા ઘર કે આગે પાની ભર જાતા હૈ – તુમ કો પતા નહિ ચલતા ક્યા? તો ઇસ બેશરમને હમ લોગો કો જવાબ દિયા થા કી મૈ ઇસ એરિયા કા નેતા હું – ચૂહે કે બીલ મેં પાની જાતા હૈ ઉસકા ભી પતા રખતા હું…ક્યા મતલબ હૈ ઇસ બાત કા? ક્યા હમ લોગ ચૂહે હૈ?’

એક યુવાને અત્યંત કૃદ્ધ સ્વરમાં એટલા આવેશમાં આ વાત કહી કે શિંદે ન હોત તો એણે કદાચ જગમોહનદાસને ધોઈ જ નાખ્યો હોત…જગમોહનદાસ તતપપ થઇ ગયા અને  શિંદેને કહેવા માંડ્યા ‘એસા બહાના કરકે યે લોગ મેરે પર પર્સનલ ખુન્નસ કાઢતા હૈ…મૈને કિસી કા અપમાન નહીં કિયા – જબરદસ્તી મેરે પર સબ આરોપ ડાલતે હૈ…’ શિંદેએ એ યુવાનને શાંત કરતાં કહ્યું ‘ઇતના ઉડ મત – એસી બાત મેં ક્યા તુમ હાથ ઉઠાયેગા? દિમાગ ઠંડા રખને કા…સોસાયટી કા લફડા હૈ તો એસા પર્સનલ નહિ બોલને કા…સબ મિલ કર રાઈટીંગ મેં કમ્પ્લેઇન કરો સોસાયટી મેં. જાઓ’ કમને ભીડ વિખેરાઈ… સહુના ચહેરા પર અસંતોષ સ્પષ્ટ જોઈ શકાતો હતો. પછી શિંદેએ  જગમોહનદાસને કહ્યું ‘દેખો કાકા, તુમ્હારા બોલને મેં બહોત લફડા હૈ…ઇતના લૂઝ બાત નહીં કરને કા…આગે સે ધ્યાન રખના. આજ મૈ થા તો મામલા સલટ ગયા પર તુમ્હારા બાત કરનેકા સ્ટાઈલ રિસ્કી હૈ.’ પછી મને કહ્યું ‘બહુત હો ગયા બોલ બચ્ચન…અરે ભાઈ ઇનકો મસ્ત કડક એક ચાય દે દો.’ ‘નહીં નહીં’ ઊભા થતાં જગમોહનદાસ બોલ્યા ‘ઠંડી બહોત હૈ ઘર જા કર શરાબ હી લેના પડેગા.’ ‘શરાબ!’ શિંદેએ નવાઈ પામી પૂછ્યું.

‘ક્યા શરાબ? મૈ બોલ્યા કે ઘર જા કર રાબ લેના પડેગા’  ‘નહીં…તુમ શરાબ બોલા – હૈ ના?’ શિંદેએ મને પૂછ્યું. મને પણ શરાબ જ સંભળાયેલું પણ હું કંઈ બોલું એ પહેલાં જગમોહનદાસ બોલ્યા ‘ઉસ કો ક્યા પૂછતા હૈ! મૈ પોતે બોલા ના કી રાબ બોલા થા! ખાલીપીલી ગળે મત પડો’ બબડતા એ પોતાના અનુયાયીઓ જોડે ત્યાંથી રવાના થઇ ગયા. ‘અજીબ આદમી હૈ યે ભી.’ શિંદેએ એમને જતાં જોઈ કહ્યું. ત્યારે અત્યાર સુધી ચૂપચાપ ઊભા રહી બધું સાંભળી રહેલી લૈલા બોલી ‘અજીબ નહીં, કમીના હૈ. પહેલે બોલના હૈ વો બોલ દેતા હૈ ફિર કિસી તરહ બાત પલટ કર ખુદ કો નિર્દોષ સાબિત કરતા હૈ પર લોગ એક બાર પલટેંગે તો કોઈ ઇસકો બચાયેગા નહીં.’ શિંદેએ લૈલા સામે જોયું અને પછી મારી સામે. મેં કહ્યું ‘યે પબ્લિક હૈ – સબ જાનતી હૈ!’

Most Popular

To Top