સુરતમાં વેડરોડ પર આવેલ ફેકટરીમાં આવેલ મશીનરીને તાપી નદીમાં ૨૦૦૬ માં આવેલ પૂરથી થયેલ નુકસાન અંગેના વીમા કંપનીએ નામંજૂર કરેલ કલેમ જેતે વીમેદારને ચૂકવવાનો હુકમ ગુજરાત રાજયની વડી ગ્રાહક અદાલતે (સ્ટેટ કમિશને) કર્યો છે. કંચન ટેક્સટાઈલના સોલ પ્રોપ્રાઈટર કંચનભાઈ ગણેશભાઈ કારીયાએ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફતે અત્રેની સુરત ગ્રાહક અદાલત નિવારણ ફોરમ સમક્ષ યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની (સામાવાળા) વિરૂધ્ધ દાખલ કરેલ ફરિયાદની ટૂંકમાં હકીકત છે કે, પ્રતિવાદી કંચન ટેક્સટાઈલના સોલ પ્રોપ્રાઈટર શ્રી કંચનભાઈ ગણેશભાઈ કંથારીયા સુરત પંડોળ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલ પ્લોટ નં. ૩ અને પ્લોટ નં. ૬૪ ની મિલકતમાં કાપડના પાવરલુમ્સના ૩૬ મશીન અને ૩ T.F.O મશીન ધરાવતા હતા. જેનો વીમો આ કામના સામાવાળા વીમા કંપની પાસેથી છેલ્લાં ત્રણ વર્ષથી ઉતરાવતા આવેલ. વીમા પોલીસી અમલમાં હતી તે દરમ્યાન તા. ૭-૮-૨૦૦૬ ના રોજ સુરતમાં તાપી નદીનાં પૂરનાં પાણી આવેલા.
પૂરના કારણે ૧૫ થી ૧૬ ફૂટ સુધી પાણી ભરાઈ ગયેલા. તે રીતે પ્રતિવાદીના પ્લોટ નં. ૩ અને પ્લોટ નં. ૬૪ માં પણ પ્રથમ અને બીજા માળ સુધી પાણી ભરાઈ જવાના કારણે કાપડના પાવર લુમ્સના ૩૬ મશીનોને રૂા. ૩,૦૦,૦૦૦/- જેટલું નુકસાન થયેલું. તે અંગે સામાવાળા વીમા કંપનીને જાણ કરતાં સર્વેયર સ્થળ ઉપર આવેલા પરંતુ વિવાદી વીમા કંપનીએ ‘No loss to the Insured Property’ નું કારણ આપી કલેમ નકારેલ હોય, પ્રતિવાદીએ વીમા પોલીસી અંતર્ગત નુકસાની વળતરની રકમ રૂા. ૩,૦૦,૦૦૦/- મેળવવા ફરિયાદ કરેલ. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈએ ફોરમ સમક્ષ રજૂઆત કરી હતી કે ખુદ સામાવાળાના સર્વે રીપોર્ટમાં પંડોળ Industrial Estate માં ૧૬ ફૂટ પાણી ભરાયા હોવાનું અને ફરિયાદીની મિલકતમાં ૧૨ થી ૧૩ ફૂટ વોટર માર્ક હતું. વધુમાં, સુરત મહાનગરપાલિકાએ આપેલ પ્રમાણપત્રમાં પણ ફરિયાદીની મિલકતમાં ૧૫.૬ ફૂટ પાણી હોવાનું પ્રમાણિત કરેલ હતું. વધુમાં, સુરતના જિલ્લા કેન્દ્ર ઉદ્યોગે પણ તેમના પત્રમાં ફરિયાદીની મિલકતમાં પૂરથી રૂા. ૧ લાખનું નુકસાન થયેલ હોવાનું જણાવેલ હતું.
બન્ને પક્ષકારોની રજૂઆત ધ્યાનમાં લઈ એડીશનલ ફોરમ, સુરતનાએ રૂા. ૨,૬૮,૬૭૭/- વળતરની રકમ ફરિયાદ કર્યા તારીખથી ૯ % વ્યાજ, ખર્ચ અને માનસિક ત્રાસના વળતર સહિતની રકમ ચૂકવવાનો તારીખ ૨૧-૧૧-૨૦૧૧ ના રોજ હુકમ કરેલ. જે હુકમથી નારાજ થઈ વિવાદીએ ‘Insured Property’ ને કોઈ નુકસાન થયેલ નથી તેમ જ નુકસાનીની રકમ યોગ્ય અને વ્યાજબી નથી તેવા કારણોસર કમિશન સમક્ષ અપીલ કરેલ. ગુજરાત રાજય ગ્રાહક તકરાર કમિશનના જયુડીશ્યલ મેમ્બર આર.એમ.પરમાર અને મેમ્બર એમ.ડી.ગઢવીએ તા. ૩૧/૭/૨૦૧૮ ના રોજ જાહેર કરેલ હુકમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રે આપેલ પ્રમાણપત્રમાં ફરિયાદીની મશીનરીને રૂા. ૧,૦૦,000/- નું નુકસાન થયેલ હોવાનું આપેલ પ્રમાણપત્રને આધારે ફરિયાદીને રૂા. ૧,00,000/- નો કલેમ ૯ % વ્યાજ સહિત તેમજ ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે. સારાંશ પૂરના કારણે ફેક્ટરીની મશીનરીને થયેલ નુકસાનનો કલેમ ચૂકવવા વીમા કંપની જવાબદાર છે. તેમ ન કરવામાં આવે તો તે બાબતે ગ્રાહક અદાલતમાં ગ્રાહક ફરિયાદ કરીને ન્યાય મેળવી શકે છે.
: કેન્ડલ લાઇટ :
જો પ્રગટાવી શકું છું દીપ તોફાની હવાઓમાં,
બચાવી પણ શકું છું એને તોફાની હવાઓથી!
– શૂન્ય પાલનપુરી