સુરત: (Surat) ડુંભાલના વેપારી પાસેથી દિલ્લીની (Delhi) મહિલા વેપારી (Lady Trader) અને અમદાવાદના દલાલે 2.96 કરોડનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં નોંધાઈ હતી. કાપડ દલાલે અમદાવાદની અરવિંદ મીલમાં (Mill) નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી, ક્રાઈમ બ્રાંચે (Crime Branch) મહિલા વેપારી અને કાપડ (Textile) દલાલ સામે ફરિયાદ નોંધી છે.
પરવટ પાટિયા ખાતે નંદનવન રો-હાઉસમાં રહેતા 52 વર્ષીય ભરતભાઈ શંકરભાઈ પટેલ ડુંભાલ ઉમા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે રામેશ્વર ટેક્સટાઈલ નામથી કાપડનો વેપાર કરે છે. ભરતભાઈએ ક્રાઈમ બ્રાંચમાં અંશુ ચૌધરી (સાંઈ ક્રિએશનના પ્રોપાઈટર) તથા ચંદ્રેશ રાણીકા (રહે. ગ્રીન પેલેસ ફ્લેટ સેલ્સ ઇન્ડીયા શોરૂમની પાસે, બાપુનગર, અમદાવાદ)ની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ 2001થી ભરતભાઈ આ કાપડનો વેપાર કરે છે. વર્ષ 2018માં ભરતભાઈનો પિતરાઈ ભાઈ બે વ્યક્તિને તેમના ખાતા ઉપર લઈ આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાનું નામ ચંદ્રેશ હોવાનું તથા અરવિંદ મીલ અમદાવાદ ખાતે નોકરી કરતા હોવાનું અને પોતે મોટો કાપડ દલાલ હોવાનું કહ્યું હતું. અને બીજી બહેને પોતાની ઓળખ અંશુ ચૌધરી (સાંઈ ક્રિએશનના પ્રોપાઈટર) તરીકે આપી હતી અને પોતે કાપડની મોટી વેપારી હોવાનું કહ્યું હતું. તેમનો વેપાર સુરત, દિલ્લી અને અમદાવાદના કાપડ માર્કેટમાં સારી છાપ ધરાવતો હોવાની બડાઈ હાંકી હતી.
અંશુ ચૌધરીને ઉધાર માલ આપવા દલાલ ચંદ્રેશે ભરતભાઈને જણાવ્યું હતું. જેથી તેના વિશ્વાસમાં આવીને ભરતભાઈએ વર્ષ 2019માં 34 બીલો વડે 2.96 કરોડ રૂપિયાનો માલ એટીસી લોજીસ્ટીક સોલ્યુશન પ્રા.લી.ટ્રાન્સપોર્ટ તથા સ્વસ્તીક એક્ષપ્રેસ કાર્ગો મારફતે દિલ્હી ખાતે લાજપત નગરમાં મોકલ્યો હતો. વધારે રકમ ભેગી થતા ભરતભાઈએ રૂપિયાની ઉધરાણી શરૂ કરી હતી. પરંતુ વાયદાઓ કર્યા હતા. તેમને આપેલા ચેક પણ બાઉન્સ થયા હતા. બાદમાં તેમની અમદાવાદ ખાતેની ઓફિસ પણ બંધ હતી. જેથી તેમની સાથે છેતરપિંડી થયાની જાણ થતા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.