સુરત: (Surat) પાંડેસરા ખાતે શ્રીરામ નગર સોસાયટીમાં ગત ડિસેમ્બર મહિનામાં બંધ રૂમમાં પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં લપેટી દોરી વડે બાંધીને સળગાવેલી અજાણ્યાની લાશ (Dead Body) મળી હતી. આ હત્યા કેસમાં પોલીસે (Police) અંતે આરોપીને (Accused) ઝડપી પાડ્યો છે. પરંતુ મૃતકની ઓળખ હજી થઈ શકી નથી. આ હત્યા ભાડુત ધર્મેન્દ્રએ જ કરી હતી. પોલીસે તેને આગ્રાથી (Agra) ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા શ્રીરામ નગર સોસાયટીમાં દોઢ મહિના પહેલા ધર્મેન્દ્ર બ્રજલાલ અર્બઈ (ઉ.વ.આશરે 21)એ રૂમ ભાડે રાખ્યો હતો. દરમિયાન ગત 5 ડિસેમ્બરે સવારે રૂમમાંથી ધુમાડો જોવા મળતા આસપાસના લોકોએ તપાસ કરી હતી. રૂમમાં દોરી વડે બાંધેલું મોટું પોટલું પડેલું હતું. પોટલામાં ધ્યાનથી જોતા એક વ્યક્તિની જાંઘ જોવા મળી હતી. પોલીસે આવીને તપાસ કરતા પ્લાસ્ટિકની તાડપત્રી, ચટાઈ અને ચાદરમાં લપેટી દોરી વડે બાંધેલી લાશ મળી આવી હતી. અજાણ્યા વ્યક્તિનું ગળું ધારદાર હથિયાર વડે કાપેલું હતું. અને ગળામાં ઇયરફોન લપેટાયેલો હતો. આ રૂમનો ભાડુત ધર્મેન્દ્ર ગાયબ હોવાથી પોલીસને પહેલાથી તેની ઉપર શંકા હતી.
આરોપી ધર્મેન્દ્ર હત્યા કરીને રાત્રે જ રિક્ષામાં રેલવે સ્ટેશન નીકળી ગયો હતો. ત્યાંથી ટ્રેનમાં વાપી ગયો હતો. અને વાપીમાં ટ્રાવેલ્સમાં બેસીને આગ્રા ઉતરી ગયો હતો. બાદમાં આગ્રા જીઆઈડીસી વિસ્તારમાં રૂમ ભાડે રાખીને ત્યાં છુટક મજુરી કરવા લાગ્યો હતો. પાંડેસરા પોલીસે આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે બહુવા બ્રીજલાલ પ્રજાપતિ (ઉ.વ.21, રહે- શ્રીરામનગર સોસાયટી, પ્લોટ નં.૯૭ પહેલા માળે, શાસ્ત્રીનગર સોસાયટીની બાજુમાં આંબેડકર ચોક પાસે, વડોદ પાંડેસરા તથા મુળ બાંદા, ઉત્તર-પ્રદેશ)ની આગ્રાથી ધરપકડ કરી હતી.
આરોપીની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, બનાવના બે દિવસ પહેલા જ તેની અજાણ્યા સાથે ઓળખ થઈ હતી. ધર્મેન્દ્ર તેને ઘરે ઉંઘવા માટે લઈ આવ્યો હતો. દરમિયાન રાત્રે અજાણ્યાએ ધર્મેન્દ્રના રૂમમાં ચોરી કરવા પ્રયાસ કર્યો હતો. ધર્મેન્દ્ર જોઈ જતા તેણે અજાણ્યાનું ગળું કાપી હત્યા કરી નાખી હતી. અને પોતે પકડાઈ નહીં જાય તે માટે તેને સળગાવી પોતે આગ્રા ભાગી ગયો હતો. આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી પોલીસે વધારે પુછપરછ હાથ ધરી છે.