ક્ષિણની ફિલ્મોની લોકપ્રિયતાથી બૉલિવૂડના સ્ટાર્સ વાકેફ જ છે. કંગના રણોતે ‘પુષ્પા: ધ રાઇઝ’ નો ફોટો મૂકી બધાંનું પોતાની તરફ ધ્યાન ખેંચવા તેનાં કારણો આપતાં કહ્યું છે કે ત્યાં ભારતીય સભ્યતાનો ખ્યાલ રાખીને ઝનૂનથી ફિલ્મો બનાવાય છે. કંગનાની દક્ષિણની ‘જયલલિતા’ સફળ રહી નથી અને બૉલિવૂડની જ ત્રણ ફિલ્મો કરી રહી છે ત્યારે તેણે દક્ષિણની ફિલ્મોના નિર્માતાઓને સલાહ પણ આપી છે! અલ્લુની ‘પુષ્પા: ધ રાઇઝ’ ની જબરદસ્ત સફળતા પછી દક્ષિણની ફિલ્મો સાથે તેના સ્ટાર્સની બોલબાલા વધી છે. નવ વર્ષ પહેલાં પ્રિયંકા ચોપરા સાથે ‘જંજીર’ માં કામ કરનાર રામચરણને એક પણ હિન્દી ફિલ્મ મળી ન હતી. હવે ‘RRR’ માં કામ કર્યા પછી રામચરણને ફરી હિન્દી ફિલ્મો મળી રહી છે.
અલ્લુની લોકપ્રિયતાનો લાભ લેવા તેની અન્ય તેલુગુ ફિલ્મ ‘અલા વૈકુંઠપુરમલૂ’ ને હિન્દીમાં ડબ કરીને થિયેટરોમાં રજૂ કરવાની જાહેરાત થઇ હતી. પરંતુ કાર્તિક આર્યન સાથે તેની રીમેક ‘શહઝાદા’ બની રહી હોવાથી હિન્દી વર્ઝનની થિયેટરોમાં થનારી રજૂઆતને અટકાવી દેવામાં આવી છે. ફિલ્મને હિન્દીમાં ડબ કરીને રજૂ કરવાથી તેની હિન્દીમાં રીમેક બનાવવાનો કોઇ અર્થ રહેતો ન હતો. હવે આ ફિલ્મના હિન્દી વર્ઝનને ૬ ફેબ્રુઆરીએ એક TV ચેનલ પર બતાવવામાં આવશે. દર્શકો તેનું અસલ હિન્દી વર્ઝન જોઇ શકશે. તેને દક્ષિણની સામાન્ય ડબ ફિલ્મોની જેમ તૈયાર કરવાને બદલે કોઇ હિન્દી ફિલ્મ બનાવવામાં આવી રહી હોય એ રીતે રૂ.૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
ફિલ્મના બધાં જ ગીતો એ ગાયકો દ્વારા જ હિન્દીમાં તૈયાર કરવામાં આવ્યા છે જેમણે તેલુગુ ફિલ્મમાં અવાજ આપ્યો હતો. એક જગ્યાએ અલ્લુ દક્ષિણની ફિલ્મોનાં ગીતો ગાય છે ત્યાં હિન્દી ગીતો સમાવવામાં આવ્યા છે. અલ્લુએ આમ તો અગાઉ દક્ષિણમાં ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ ‘પુષ્પા: ધ રાઇઝ’ થી આખા દેશમાં જાણીતો થઇ ગયો છે. તેના નામના સિક્કા પડવા લાગ્યા છે. અલ્લુને તો નિર્દેશક એટલીની ફિલ્મ માટે રૂ.૧૦૦ કરોડની ઓફર મળી છે. ‘અલ્લુ વૈકુંઠપુરમલૂ’ના નિર્માતા મનીષ શાહને એટલો વિશ્વાસ છે કે OTT પર રજૂ થયેલી અક્ષયકુમારની ‘લક્ષ્મી’ કરતાં વધુ TRP મળશે.
અક્ષયકુમારની બંને ફિલ્મો ‘લક્ષ્મી’ અને ‘અતરંગી રે’ ને OTT પર સારા વ્યૂઝ મળ્યા હોવા છતાં તેણે હવે પોતાની બધી જ ફિલ્મો થિયેટરોમાં રજૂ થાય એવા પ્રયાસ હાથ ધર્યા છે. તેની ‘બચ્ચન પાંડે’ અસલમાં OTT પર રજૂ થવાની હતી. ફિલ્મ માટે નિર્માતા સાજિદ નડિયાદવાળાને રૂ.૧૭૫ કરોડ મળી રહ્યા હતા. એટલી રકમ થિયેટરમાં રજૂ થયા પછી મળી શકવાની ન હતી. જ્યારે ફિલ્મનો ટ્રાયલ શો બધાએ જોયો ત્યારે થયું કે એને થિયેટરમાં રજૂ કરવી જોઇએ. ‘બચ્ચન પાંડે’ હોળી પર થિયેટરોમાં રજૂ થવાની હોવાથી હવે ડિજીટલ રજૂઆત માટે ઓછી કિંમત મળશે પરંતુ થિયેટર ઉદ્યોગને ટકાવવા અને કોરોનાના સંજોગોમાં પ્રોત્સાહન માટે આ જરૂરી હતું. ઘણા નિર્માતાઓએ પોતાની ફિલ્મોને થિયેટરમાં જ રજૂ કરવા કોરોનાની ત્રીજી લહેરને કારણે તારીખો બદલી કાઢી છે. શાહિદ કપૂરની ‘જર્સી’ ને પહેલાં ૩૧ ડિસેમ્બરે થિયેટરમાં રજૂ કરવાની હતી.
કોરોનાને કારણે તેની રજૂઆત મોકૂફ રાખ્યા પછી નિર્માતાએ OTT પર રજૂ કરવાનું મન બનાવ્યું હતું પરંતુ એવા સમાચાર આવ્યા હતા કે શાહિદે પોતાની ફી ઓછી કરીને પણ થિયેટરમાં રજૂ કરવાનો આગ્રહ રાખ્યો છે. એ વાતમાં કેટલી સચ્ચાઇ હતી એ તો શાહિદ જ જાણે છે. શાહિદ જ નહીં બધા જ કલાકારો એમ ઇચ્છે છે કે તેમની ફિલ્મની રજૂઆત મજબૂરીમાં OTT પર થવી જોઇએ નહીં. કેટલાક મજબૂર નિર્માતાઓમાં સુભાષ ઘાઈનું નામ આવી ગયું છે. ઘાઇએ વિજય રાજ અને સંજય મિશ્રાને ચમકાવતી તેમની નવી ફિલ્મ ‘૩૬ ફાર્મહાઉસ’ થી OTT પર પ્રવેશ કર્યો છે. સુભાષ ઘાઇએ નિર્દેશન રામ રમેશ શર્મા પાસે કરાવ્યું છે અને સંગીત જાતે બનાવ્યું છે. તેમની આજ સુધીની ફિલ્મોનું સંગીત સુપરહિટ રહ્યું છે પરંતુ આ ફિલ્મમાં તે પોતે કોઇ કમાલ બતાવી શક્યા નથી. એમાં એટલા બધા મસાલા નાખ્યા છે કે તેનો અતિરેક થઇ ગયો હોવાથી સમીક્ષકોએ ઘાઇની સૌથી નબળી ફિલ્મ ગણાવી છે.