સુરત: (Surat) માથાભારે સજ્જુ કોઠારીને (Sajju Kothari) કોર્ટમાંથી જામીન (Bail) મળ્યા બાદ રાંદેર પોલીસે સબજેલની બહાર જ તેની 151 કરવા અટક કરી હતી. ત્યારે સજ્જુ કોઠારી અને તેના ભાઈ તથા તેની સાથે આવેલા સાગરીતે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. સજ્જુ કોઠારી પોલીસના હાથમાંથી છટકી બાઈક (Bike) ઉપર ભાગી ગયો હતો. રાંદેર પોલીસના પીએસઆઈએ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- સજ્જુ કોઠારી રાંદેર પોલીસ સાથે ઝપાઝપી કરી સબજેલની બહારથી જ ભાગી ગયો
- માથાભારે આરોપીને પણ પોલીસ જમાઈની જેમ લાવતી હોવાની બેદરકારી
- રાંદેર પોલીસે સીઆરપીસી કમલ 151 હેઠળ અટક કરી હતી
- રાંદેર પોલીસે સજ્જુ કોઠારીની સીઆરપીસી કલમ 151 મુજબ પગલા લેવાના હોવાથી સબજેલના કમ્પાઉન્ડની બહાર લાવ્યા હતા
- સજ્જુ કાલે જાતે હાજર થઈ જઈશ તેવું કહીને પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી ગયો હતો
રાંદેર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એલ.દેસાઈએ સચીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી (રહે,શાલીમાના કોમ્પ્લેક્ષ, નાનપુરા) ની સામે ફરિયાદ નોંધાઈ હતી. રાંદેર પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી અટક કરી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પુરા થતા કોર્ટ સમક્ષ રજૂ કરાતા આરોપી સજ્જુ કોઠારીના જામીન મંજુર કર્યા હતા. તેનો કબ્જો લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે લીધો હોવાથી રાંદેર પોલીસે તેને સબજેલમાં સોંપ્યો હતો. ત્યાંથી રાંદેર પોલીસે સજ્જુ કોઠારીની સીઆરપીસી કલમ 151 મુજબ પગલા લેવાના હોવાથી સબજેલના કમ્પાઉન્ડની બહાર લાવ્યા હતા. પરંતુ સજ્જુ કોઠારીએ પોલીસ સાથે જવાની ના પાડી હતી.
સજ્જુ કોઠારીએ વિરોધ કરતો હતો તે સમયે તેનો ભાઈ આરીફ ગુલાબ કોઠારી (રહે, સુભાષ નગર, શીતલ, રાંદેર) તથા યોગેશ નરેન્દ્ર ટંડેલ ત્યાં જ હાજર હતાં. દરમિયાન સજ્જુ કાલે જાતે હાજર થઈ જઈશ તેવું કહીને પોલીસ સાથે ઝપાઝપી કરી ભાગી ગયો હતો. અને બહાર એક બાઈક લઈને ઉભેલા વ્યક્તિ સાથે નવસારી જતા રોડ પર ભાગી ગયો હતો. તેની સાથે આવેલા ભાઈ અને અન્ય માણસો પણ ગાડી લઈને ભાગી ગયા હતા. સચીન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.