ભરૂચ: ભરૂચમાં (Bharuh) ઘણા લાંબા સમયથી વરસાદી (rain) પાણીનો ભરાવો, રસ્તાનું પેચવર્ક કામ, ભૂગર્ભ ગટર સહિતનાં કામો બાબતે શનિવારે ભરૂચના એક સિનિયર સિટિઝન (Senior Citizen) તથા નિવૃત્ત સરકારી કર્મચારી બીપીનચંદ્ર જગદીશવાલાએ માથે જોકર ટોપી (Joker hat) પહેરી, સીટી વગાડી, (whistle blew) પોતાના શરીર પર બેનર ધારણ કરી તંત્રને ઢંઢોળવા માટે લોકજાગૃતિ અભિયાન કર્યું હતું.
ભરૂચના વિકાસ કાર્યોને બ્રેક લાગતા પાલિકા અને તંત્રને જગાડવાના આશય સાથે જાગૃત સિનિયર સિટિઝને પાંચબત્તી સર્કલ પાસે સીટી વગાડી અનોખું વિરોધ પ્રદર્શન કરતાં લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. બીપીનચંદ્રએ પુનઃ પોતાના અનોખા અંદાજમાં માથે જોકરની ટોપી, શરીર પર બેનર અને સીટી વગાડી મુખ્ય રસ્તા પર ઊભા રહી નગરપાલિકાની કાર્યશૈલી સામે વિરોધ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતા કે, કોન્ટ્રાક્ટરને ૧૩ લાખ રૂપિયા આપ્યા બાદ પણ સેવાશ્રમ રોડનું કામ શરૂ કરાયું નથી. તેથી દર ચોમાસે પાંચબત્તીથી સેવાશ્રમ રોડ પર થતા પાણીના ભરાવાની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ભરૂચ નગરપાલિકા પ્રજાની સમસ્યાઓના નિવારણ માટે નિષ્ફળ નીવડી હોવાનો દાવો કરી તેઓએ અનોખું વિરોધ પ્રદર્શન કરી પ્રજા અને તંત્રને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચના ઉમરાજ વિસ્તારના ઘરોને ‘નલ સે જલ’ યોજના થકી મીઠું પાણી મળશે
ભરૂચ: ગુજરાત સરકારના ‘નલ સે જલ’ કાર્યક્રમ હેઠળ ભરૂચ જિલ્લાના ઉમરાજ ગામે 2 કરોડ 61 લાખના ખર્ચે ઇન્ટરનલ પાઇપલાઇન તેમજ અંડરગ્રાઉન્ડ સંપનું ખાતમુહૂર્ત શનિવારના રોજ કરાયું હતું.
ભરૂચના ઉમરાજ ગામના 3500 જેટલાં ઘરોને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળે એ માટે નળ સે જળ યોજના અંતર્ગત શનિવારના રોજ ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. પાણી પુરવઠા વિભાગ દ્વારા 6 લાખ લીટરનો સંપ ઉમરાજ ગામની અંદર બન્યો છે. ઉમરાજ ગામને પાણી પાલેજ જૂથ યોજનામાંથી પ્રાપ્ત થશે. સાથે આ યોજના અંતર્ગત 3500 જેટલાં ઘરોને પીવાનું મીઠું પાણી પૂરું પાડવામાં આવશે. શનિવારે યોજાયેલા ભૂમિપૂજન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.