પહેલાના સમયમાં જમવાનું હોય કે નાસ્તો હોય તો ઘરનો જ ખાવો પડતો હતો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ઘરમાં મમ્મીને કહેતા કે મને ભુખ લાગી છે ત્યારે મમ્મી હળવો નાસ્તો બનાવી આપતી હતી. આજના બદલાતા યુગમાં ખાણી-પીણી ની બાબતે ઘણા જ પરિવર્તન આવ્યા છે. રેસ્ટોરાંમાં ખાવાનો ટ્રેન્ડ તો ઘણા વર્ષો જૂનો પરંતુ હવે સુરત શહેરમાં ઘણી ઓન-લાઇન ફૂડ ડિલિવરી એપ્સ પર ખાવાની વાનગીઓ મળતી થઇ છે જ્યાં ખાવાની તમામ વસ્તુઓ મળી રહે છે.પરન્તુ કયારેક આપણે આપેલા ઓર્ડરની જગ્યાએ ભળતો જ ઓર્ડર આવી જાય છે, કયારેક લેટ તો ક્યારે ફ્રીમાં પણ ઓર્ડર મળતા હોય છે ત્યારે કેવા પ્રકારની ગરબડી, ધમાચકડી સાથે રમુજો થાય છે તે જાણવાના પ્રયાસ કરીશું.
મન્યુરિયનના ઓર્ડરને બદલે વેજ 65 પાર્સલમાં આવી હતી: સિધ્ધાન્ત જૈન
ઘોડદોડ રોડ ખાતે રહેતા સિધ્ધાન્ત જૈને વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે કયારેક ફૂડ ડિલિવરી એપવાળા પાસે ટાઇમસર ઓર્ડર લાવનારા ડીલીવર બોયઝ ઓછા હોય છે. મેં એક વાર એક એપ પર ચાઇનીઝ મન્ચુરિયન ઓર્ડર કર્યું હતું. પરન્તું મન્યુરિયન ને બદલે કોઇ બીજાનું પાર્સલ મારી પાસે આવ્યું જેમાં વેજ 65 હતું. ઓર્ડર કેન્સલ કરવા એપવાળાને જણાવ્યું તો ઓર્ડર કેન્સલ ન કર્યો. આમ મન્યુરિયનને બદલે મારે વેજ 65 ખાવું પડ્યું.
ઓર્ડર લેટ થતા ડિલિવરી બોયે વડાપાઉં ફ્રીમાં આપતા અમારી પાર્ટી થઇ ગઇ: નેહા અગ્રવાલ
અલથાણ ખાતે રહેતી નેહા અગ્રવાલે જણાવ્યું હતું કે એક વાર વરસાદની મૌસમમાં મારા ફેન્ડસ્ અને કઝીન્સ ઘરે આવ્યા હતાં ત્યારે મેં એક રેસ્ટોરાં પરથી વડાપાઉં મંગાવ્યા હતાં એક કલાક બાદ પણ વડાપાઉં ન આવતા મે ફુડ એપ પર ફોન કર્યો ત્યારે જાણ્યું કે વડાપાઉં આવતા હજી લેટ થશે. ત્યાર બાદ મેં ઘરમાં હતા તે વેજીટેબલ નાંખી તડકા મેગી બનાવીને ખાવા બેસતા જ હતા ત્યાં વડાપાઉંનું પાર્સલ પણ આવ્યું અને ડીલીવરી બોયે કહ્યું કે આર્ડર લેટ થઈ ગયો છે, જેના કારણે આ વડાપાઉં ફ્રીમાં કંપની આપે છે. આમ અમને તો ફ્રીમાં વડાપાઉં ખાવાની મજા પડી અને સાથે પાર્ટી થઇ ગઇ.
ઓર્ડર સાથે ફ્રી બર્ગર ન આવતાં બ્રેડ સેન્ડવીચ ખાઇને બર્ગરની ઇચ્છા પુરી કરી: હની ઢીંમર
પાલ વિસ્તારમાં રહેતી હની ઢીંમરે જણાવ્યું હતું કે મને જ્યારે પણ ભૂખ લાગે છે ત્યારે હું ફુડ ડિલિવરી એપ પર ખાવાનું ઓર્ડર કરું છું. ગઇ કાલે જ મેં પનીર રેપનો અને ફેન્ચ ફાઇઝનો ઓર્ડર કર્યો હતો. આ ઓર્ડર પર એક બર્ગર ફ્રી હતું. ઓર્ડર લગભગ 20 મિનિટ લેટ આવ્યો અને ફ્રી બર્ગર પણ ન આવ્યું. જેની મેં ફરીયાદ કરી તો તો એપ પરથી કોઇ રીપ્લાઇ ન મળ્યો.બર્ગર ખાવાની તીવ્ર ઇચ્છાને રોકી ન શકી એટલે ઘરમાં બ્રેડ પડ્યા હતા.જેની મેં સેન્ડવીચ બનાવીને ખાઇ લીધી. આમ બર્ગર ખાવાની ઇચ્છા પુરી કરી.
ઓર્ડરની ગરબડી સાથે પરિવારમાં ભૂખને કારણે ધમાચકડી મચી ગઇ હતી: યશ મહેતા
યશ મહેતા જણાવે છે કયારેક ફુડ ડિલિવરી એપ પર જે ઓર્ડર કર્યો હોય અને તેની જગ્યાએ અન્ય ઓર્ડર આવી જાય ત્યારે એવી ગરબડી થતી હોય જેને કારણે ઘરમાં ધમાચકડીનો મહોલ સર્જાય છે. વધુ માં તે જણાવે છે મારી સાથે બેથી ત્રણ વાર આવું બન્યું છે. હાલમાં એક બનાવમાં તો મેં પનીર બેઝ્ડ સેન્ડવીચનો ઓર્ડર ફુડ એપ પર કર્યો હતો. પરન્તું તે ઓર્ડરને બદલે આલુ ટીક્કી સેન્ડવીચ આવી ગઈ હતી, જેના કારણે પરિવારના સભ્યોમાં હાસ્યનો માહોલ સર્જાયો અને સાથે જ આર્ડરની ગરબડી થતાં પરિવારમાં ભૂખને કારણે ધમાચકડી મચી ગઇ હતી.
મેગીનો ઓર્ડર કેન્સલ થતા ઘરનો નાસ્તો ખાવો પડયો: પૂજન પુરોહિત
પૂજન પુરોહીત અઠવાલાઇન્સ ખાતે રહે છે તેમણે જણાવ્યું હતું મને મોડી રાત્રે ભૂખ લાગે છે. રાત્રે જયારે પણ ઓર્ડર કરું છું ત્યારે ઘણે ભાગે કંઈક છબરડા થઇ જાય છે. ફેન્ડસ સાથે રાતે ગપ્પા મારવા બેઠા હોય ત્યારે કંઈક ઓર્ડર કરુ છું અને ઘણીવાર ઓર્ડર વહેલો આવતો નથી. એક રાત્રે મેગીનો ઓર્ડર કર્યો હતો તે ઓર્ડર ન આવ્યો એટલે મેં ફૂડ એપમાં ફોન કર્યો ત્યારે જાણવા મળ્યું કે મારો ઓર્ડર કેન્સલ કર્યો હતો. ત્યારે મને ખૂબ જ ગુસ્સો આવ્યો. એક તો રાત હતી એટલે ઘરે જઇને મમ્મીને ન બોલી શકયો કે મને ભૂખ લાગી છે ચુપચાપ ઘર નો નાસ્તો ખાઇને ઉંધી જવું પડયું.