ટાટા ગ્રુપે એર ઈન્ડિયાની કમાન સંભાળી લીધી, પહેલાં જ દિવસે કર્યા સર્વિસમાં આ ફેરફાર

નવી દિલ્હી: અત્યાર સુધી સરકારી માલિકીની એરલાઇન કંપની એર ઈન્ડિયાના (Air India) અધિગ્રહણની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એર ઈન્ડિયાની કમાન હવે સત્તાવાર રીતે ટાટા ગ્રુપના (Tata Group) હાથમાં આવી ગઈ છે. આ અધિગ્રહણ પ્રક્રિયા બાદ, ટાટા જૂથ હવે એરલાઇનની કામગીરી સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટાટા ગ્રુપના 69 વર્ષના ઈંતજારનો અંત આવ્યો છે. ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PMModi) સાથે ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને (N. Chandrashekharan) ઔપચારિક મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા આ મુલાકાતની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. આ મુલાકાતમાં ટાટાના ચેરમેન અને પ્રધાનમંત્રી વચ્ચે એર ઈન્ડિયાના હેન્ડઓવર અંગે ચર્ચા થઈ હતી. આ મુલાકાત બાદ ચંદ્રશેખરને એર ઈન્ડિયાના હેડ ક્વાર્ટર ગયા હતા અને ત્યાં હેંડઓવરની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું છે કે ટાટા એર ઈન્ડિયાના ઔપચારિક હેન્ડઓવર પછી મોટા ફેરફારો કરશે. એર ઈન્ડિયાના બોર્ડની એક મહત્ત્વની બેઠક પણ આજે મળી છે. જેમાં એર ઈન્ડિયાના હાલના બોર્ડ ડિરક્ટર્સ રાજીનામા આપી શકે છે. ત્યાર બાદ ટાટાના નોમિની બોર્ડમાં પોતાના સભ્યોની નિયુક્તી કરશે.એર ઈન્ડિયાના તમામ એરક્રાફ્ટ સમયસર ટેક ઓફ થાય તેની ખાતરી કરવા માટે મહત્તમ ભાર આપવામાં આવશે. આટલું જ નહીં, ટાટા જૂથે અન્ય ઘણા ફેરફારોની પણ યોજના બનાવી છે. મળતી માહિતી મુજબ, બેઠક વ્યવસ્થા અને કેબિન ક્રૂના ડ્રેસમાં ફેરફાર કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટાટા હોટેલ બિઝનેસમાં અગ્રેસર છે અને એરલાઇનમાં ફૂડની ગુણવત્તા સુધારવાને ટોચની પ્રાથમિકતા આપશે. એર ઈન્ડિયાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, રતન ટાટાનો રેકોર્ડેડ મેસેજ એર ઈન્ડિયાના તમામ એરક્રાફ્ટમાં વગાડવામાં આવશે.

SBI-PNB ટાટાને લોન આપવા તૈયાર
PTI અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના નેતૃત્વમાં ધિરાણકર્તાઓનું એક સંગઠન પણ એર ઈન્ડિયા માટે લોન આપવા તૈયાર છે. SBI ઉપરાંત, બેંકોના સંગઠનમાં પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. એસોસિએશન ખોટ કરતી એરલાઈન એર ઈન્ડિયાના સરળ સંચાલન માટે ટાટા ગ્રૂપને લોન આપવા સંમત થયું છે.

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં સરકારે એર ઈન્ડિયાના વેચાણ માટે ટાટા જૂથ સાથે રૂ. 18,000 કરોડમાં શેર ખરીદીનો કરાર કર્યો હતો. આ સોદામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ અને તેની આર્મ એઆઈએસએટીએસનું વેચાણ પણ સામેલ છે.

ટ્રાન્સફર પ્રક્રિયા પહેલા, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) એ 24 જાન્યુઆરીએ એર ઈન્ડિયા લિમિટેડ અને AI એસેટ હોલ્ડિંગ લિમિટેડ (AIAHL) દ્વારા અને એરલાઈનની અસ્કયામતોના ટ્રાન્સફર માટે થયેલા કરારના માળખાને સૂચિત કર્યા હતા. AIAHL ની સ્થાપના સરકાર દ્વારા 2019 માં એર ઈન્ડિયા ગ્રૂપની દેવું અને નોન-કોર એસેટ્સ રાખવા માટે કરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ચાર પેટાકંપનીઓ – એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિસ લિ., એરલાઈન એલાઈડ સર્વિસ લિ., એર ઈન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિ. અને હોટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિ. સાથે નોન-કોર એસેટ્સ વગેરેને સ્પેશિયલ પર્પઝ યુનિટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

ટાટાએ એર ઈન્ડિયામાં આ સેવા શરૂ કરી દીધી
ટાટા ગ્રુપે આજે એર ઈન્ડિયાના ડેઈલી ઓપરેશનમાં પોતાના ઈનપુટ આપવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ ચાર ફ્લાઈટમાં Enhanced meal service શરૂ કરી છે. ત્યાર બાદ આ સર્વિસ અન્ય ફ્લાઈટમાં પણ શરૂ કરામાં આવશે. હાલમાં AI864, AI687, AI945 અને AI639માં આ સેવા શરૂ કરાઈ છે.

નહેરુ સરકાર સાથે એરઈન્ડિયાનું હતું જોડાણ, JRD ટાટાએ 1932માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી
69 વર્ષ પહેલા આ એરલાઇન (Airlines) કંપનીની માલિકી ટાટાની જ હતી. JRD ટાટાએ 1932 માં ટાટા એર સર્વિસ શરૂ કરી હતી, જે બાદમાં ટાટા એરલાઈન્સ બની અને 29 જુલાઈ 1946 ના રોજ તે પબ્લિક લિમિટેડ કંપની બની. 1953 માં સરકારે ટાટા એરલાઇન્સ હસ્તગત કરી અને તે એક સરકારી કંપની બની. 2007 માં ડોમેસ્ટિક ઓપરેટર ઇન્ડિયન એરલાઇન્સ સાથે મર્જર થયા બાદ એરલાઇનને નુકસાન થઇ રહ્યું છે. સરકાર વર્ષ 2017 થી એર ઇન્ડિયાનું વિનિવેશ કરવાનો પ્રયાસ કરી રહી હતી. આખરે ટાટા ગ્રુપે જ એરલાઈનને ફરી ખરીદી છે. ટાટા સન્સે એર ઈન્ડિયાને 18 હજાર કરોડમાં ખરીદી છે.

ટાટા સન્સ એર ઇન્ડિયા અને તેના બીજા સાહસ એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા સેટ્સ એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ પાસે પણ 50 ટકા હિસ્સો હશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ એન્ડ મેનેજમેન્ટના સચિવે જણાવ્યું હતું કે ટાટાની 18,000 કરોડની સફળ બોલીમાં 15,300 કરોડ રૂપિયાની લોન લેવાનો અને બાકીના રોકડમાં ચૂકવવાનો સમાવેશ થાય છે.

Most Popular

To Top