તું પ્રામાણિક છે, તું જે છે એ જ રહેજે, તું વિરાટ છે…

સૌરવ ગાંગુલી Vs વિરાટ કોહલી. છેલ્લાં કેટલાંક અઠવાડિયાથી ભારતીય ક્રિકેટનો સૌથી ચર્ચિત વિષય. ગાંગુલી અને વિરાટે ભલે જાહેરમાં એકબીજાને કંઈ ન કહ્યું હોય પરંતુ અંદરથી બધા જાણે છે કે ટીમ ઈન્ડિયાના આ બે પૂર્વ કેપ્ટન અને બલ્લેબાઝ વચ્ચે સામસામે ચોક્કા-છક્કા વાગી રહ્યાં છે. આ મામલે એવું પણ કહેવાય છે કે, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને કારણ બતાવો નોટિસ જાહેર કરવાની તૈયારી કરી લીધી હતી! દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જતાં પહેલાં વિરાટ કોહલીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ-કૉન્ફરન્સમાં તેમણે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીના દાવાઓને ઉડાવી દીધા હતા. આ વાતને લઈને ગાંગુલી નારાજ હતો. કહેવાય છે કે, બોર્ડ સેક્રેટરી જય શાહ વચ્ચે ન આવ્યા હોત તો ગાંગુલીએ વિરાટને કારણ બતાવો નોટિસ ફટકારી હોત. જય શાહે ગાંગુલીને સમજાવ્યો હતો.

કોહલી અને ગાંગુલી વચ્ચેનો ગજગ્રાહ ક્યાં પહોંચશે એ તો ખબર નહીં, આપણે આજે આ વિવાદમાં નથી પડવું પણ વિરાટ જ્યારે તેના જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે તેની અર્ધાંગિની, જીવનસાથી, પત્ની અનુષ્કાએ વિરાટ માટે શું કહ્યું છે એ દરેક પતિ-પત્નીએ વાંચવા જેવું છે. વિરાટે છેલ્લે ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી એ પછી અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ વિરાટ માટે લખી હતી. અનુષ્કા શર્માએ પોતાની પોસ્ટમાં 2014નો એ દિવસ યાદ કર્યો હતો જ્યારે વિરાટ કોહલીને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. અનુષ્કા લખે છે – મને 2014નો એ દિવસ યાદ છે જ્યારે તે મને કહ્યું હતું કે, MSએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો એટલે તને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. મને એ પણ યાદ છે MS, આપણે એક સાથે ચેટ કરી રહ્યાં હતાં અને મજાક કરી રહ્યાં હતાં, આપણે તે દિવસે ખૂબ હસ્યાં હતાં.

એકદમ રિલેક્સ મોમેન્ટથી શરૂ કરેલી આ પોસ્ટમાં અનુષ્કા વિરાટની ખૂબીઓ વિષે આગળ લખે છે કે – આ જ તમે છો. તમે અન્ય લોકોથી અલગ છો. તમે પ્રામાણિક છો. ઢોંગ કરતા તમને નથી આવડતું અને તે જ તમને મારી અને તમારા ચાહકોની નજરમાં મહાન બનાવે છે. તમે બીજા પાસે શું અપેક્ષા રાખો, કારણ કે આ બધા પાછળ તમારો હંમેશાં સારો અને સ્પષ્ટ ઇરાદો હતો. દરેક જણ તેને ખરા અર્થમાં સમજી શકશે નહીં.અનુષ્કા આગળ લખે છે, તમે જે પડકારોનો સામનો કર્યો હતો, તેમાંથી મોટાભાગના મેદાન પરના નહોતા. એ જ જીવન છે. તે એવી જગ્યાઓ પર તમારી કસોટી કરે છે જ્યાં તમને અપેક્ષા હોય જ નહીં પરંતુ તમને તેની સૌથી વધુ જરૂર હોય છે. મને તમારા પર ખૂબ ગર્વ છે કે તમે તમારા સારા ઇરાદાઓના માર્ગમાં કંઈ પણ આવવા દીધું નથી. અનુષ્કા શર્મા પોતાની એ પોસ્ટમાં કહે છે કે, તેણે એવો સમય પણ જોયો છે, જ્યારે વિરાટ કોહલી ટીમની હાર પછી આંખોમાં આંસુ લઈને બેસી રહેતો હતો પરંતુ ક્યારેય હિંમત હારી નથી. મેં જોયું છે, તમારી હાર પછી હું તમારી બાજુમાં બેસતી હતી. તમારી આંખોમાં આંસુ સાથે તમે હજી પણ કંઈ કરી શક્યા હોત. એ સ્પિરિટ મેં હંમેશાં તમારી આંખોમાં જોયો છે.  અનુષ્કાએ આગળ લખ્યું છે કે, વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાએ કેપ્ટન તરીકે જે હાંસલ કર્યું છે તેના પર તેને ગર્વ છે. કેપ્ટનશીપ મળ્યા પછી મેં તમારી દાઢી સફેદ થતાં જોઈ છે. મેં તમારી આસપાસ અને અંદર ઘણી તરક્કી જોઈ છે. તમે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે અને તમારા નેતૃત્વ હેઠળની ટીમ તરીકે જે હાંસલ કર્યું તેના પર મને ખૂબ ગર્વ છે પણ એના કરતાં વધારે તમે તમારી અંદર જે પ્રાપ્ત કર્યું છે તેના પર મને વધુ ફક્ર છે.

આ ઈમોશનલ પોસ્ટમાં છેલ્લાં 7 વર્ષમાં વિરાટ કોહલી સામેના પડકારોનો પણ ઉલ્લેખ છે. અનુષ્કાએ લખ્યું છે કે, 2014માં આપણે યુવાન અને ભોળા હતાં. એવું સમજતાં હતાં કે, સારા ઇરાદા, સકારાત્મક વિચાર અને ધ્યેય તમને જીવનમાં આગળ લઈ જવા માટે પૂરતા છે. અલબત્ત, જીવનમાં આગળ વધવા માટે આ વસ્તુઓ જરૂરી છે પરંતુ પડકારોનો સામનો કર્યા વિના તમે આગળ વધી શકતા નથી. અનુષ્કા શર્માએ તેની પોસ્ટના અંતમાં લખ્યું, એવું નથી કે તમે પરફેક્ટ છો. તમારામાં ખામીઓ પણ છે પરંતુ તમે તમારી ખામીઓને ક્યારેય છુપાવવાનો પ્રયાસ કર્યો નથી. તમે હંમેશાં જે યોગ્ય અને કઠીન હોય તે કરવા માટે અડીખમ રહ્યા હતા. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ખૂબ જ કડક રીતે પકડી રાખે છે ત્યારે તે પોતાની જાતને મર્યાદિત કરે છે અને તમારી કેપેબિલીટીઝ અમર્યાદિત છે.

જાણકારોનું કહેવું છે કે, દ.આફ્રિકા સીરિઝના પરિણામ પહેલાં જ નક્કી થઈ ગયું હતું કે BCCI કોહલીને કેપ્ટનશીપમાંથી બહારનો રસ્તો બતાવશે. જો કે, તે પહેલાં કોહલીએ પોતે જ સમજદારી બતાવીને કેપ્ટનશીપ છોડી દીધી હતી. તમે તેને કોહલી vs BCCI પણ કહી શકો છો. આમાં સત્તાની સામે કોઈ એક વ્યક્તિ ગમે તેટલી મહાન હોય કંઈ કરી શક્તી નથી. આ વાત ફરી એક વાર સાબિત થઈ ગઈ છે. કોહલીએ  કેપ્ટનશીપ છોડી પછી તરત જ BCCIએ તેનાં ઑફિશ્યલ સોશ્યલ મીડિયા હેન્ડલ પર કોહલીના યોગદાનની પ્રશંસા કરી અને તેને ટેસ્ટ ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન ગણાવ્યો હતો. યાદ કરો, આ જ ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહિના પહેલાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝ પહેલાં વિરાટ કોહલીને સુકાનીપદેથી હટાવી દીધો હતો. આ અંગેની ટીમની જાહેરાતમાં માત્ર બે લીટીમાં રોહિત શર્માને કેપ્ટન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. કોહલીના યોગદાન કે તેમના પ્રત્યે આભાર જતાવવાનો કોઈ ઉલ્લેખ નહોતો.

મતલબ કે, સમયના ચક્રે કોહલી રૂપી સૂર્યને તેના અસ્થાચલે લાવી દીધો છે, જ્યાં તે પ્રોફેશનલ ક્રિકેટર તરીકે ટીમમાં પોતાનું સ્થાન જાળવી શકે તો પણ આ તેના માટે મોટી સફળતા હશે. વિરાટનું યોગદાન જોશો તો હાલ જે કાંઈ ચાલી રહ્યું છે તે વિરાટના વિરાટ યોગદાનથી વિપરીત છે. વિરાટ કોહલીએ ભારત માટે કુલ 68 ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં તેણે 40 મેચ જીતી હતી, તેની કેપ્ટન્સીમાં ભારત 17 ટેસ્ટ હારી ગયું હતું અને 11 મેચ ડ્રો રહી હતી. ભારત તરફથી આટલી ટેસ્ટ મેચ કોઈ કેપ્ટન જીતી શક્યો નથી. આવી જ રીતે વિરાટ કોહલીએ વનડેમાં ભારતની કેપ્ટનશીપમાં 95 મેચોમાં ટીમ ઈન્ડિયાએ 65 મેચ જીતી હતી. વનડેમાં, મહેન્દ્ર સિંહ ધોની (110), મોહમ્મદ અઝહરુદ્દીન (90) અને સૌરવ ગાંગુલી (76) એવા કેપ્ટન હતા જેમણે મેચ જીતી હતી, પરંતુ તેમાંથી કોઈની પણ જીતની ટકાવારી 70થી વધુ ન હતી.

માત્ર આંકડાઓ જ નહીં પરંતુ વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ વિદેશી પીચો પર જે સફળતા હાંસલ કરી છે, તેના કારણે વિરાટની ગણના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાં થતી રહેશે. તે પણ વારંવાર યાદ રહેશે કે વિરાટ કોહલીને જે રીતે સુકાનીપદેથી વિદાય મળી છે, તે હજુ દેશ માટે ઘણું કરી શક્યો હોત. વિરાટને એક અહમના કારણે રિટાયર્ડ કરવાથી નુક્સાન ભારતના ક્રિકેટે સહન કરવું પડશે. અહીં એક બાબત એ નોંધવી રહી કે, વિરાટ કોહલી ભારતની ઊગતી પેઢીનો રોલ મોડેલ છે. આપણું નેકસ્ટ જનરેશન વિરાટને ફોલો કરે છે. દેશનું ભવિષ્ય કહેવાતી આ પેઢીના આઇડલની મધ્યાહને પહોંચેલી કરિયરને આ રીતે ખતમ કરવામાં આવશે તો તેની ઊંડી અસર દેશે જોવી પડશે. સૌરવ ગાંગુલીને BCCIની આ ખુરશી બંગાળને ખુશ કરવા માટે મળી હતી. દાદા એના માટે ક્વોલીફાઇડ હતા કે નહીં એ તો ખબર નથી. હા, દાદા બંગાલી હતા એટલે જ આ ખુરશી મળી હતી. દાદાએ અને દાદાને આ ખુરશીએ બેસાડનારાઓએ આ વાત ભૂલવી ન જોઈએ.

Most Popular

To Top