કુરિવાજો, પરંપરાઓ માનવ વિકાસને અવરોધે છે

પુરાણી માન્યતાઓ છોડવા વિશે તા.25.01.22ના ચર્ચાપત્રમાં જગદીશ પાનવાળાએ સરસ વિચારો વ્યક્ત કર્યા. નિરર્થક, જડ, પાયા વિનાની કેટલીયે માન્યતાઓમાંથી સમાજનો મોટો વર્ગ હજી બહાર નથી આવ્યો કે આવવા માંગતો નથી એ હકીકત છે. કંઈક થઈ જશેનો સાવ પાયા વિનાનો ડર અને પરંપરાઓને વળગી રહેવાની જીદને કારણે સમાજ હજી માનસિક રીતે પછાત છે. દુઃખની વાત એ છે કે, આધુનિક ટેકનોલોજી વાપરનાર હજી વૈજ્ઞાનિક અભિગમ અને મિજાજથી બહુધા દૂર છે. કુરિવાજો, અંધવિશ્વાસ અને જડ પરંપરાઓ માનવ પ્રગતિને અવરોધતા પરિબળો છે. આપણા કહેવાતા સંતો, કથાકારો પણ પોતાના સ્વાર્થ ખાતર પાયાવિહીન માન્યતાઓને પ્રોત્સાહન આપતાં રહ્યા છે.

કોઈપણ પરંપરા કે રિવાજ પાછળનું સત્ય સમજવું અતિઆવશ્યક છે. લાભ-શુભ, શુકન-અપશુકન, ભાગ્ય-દુર્ભાગ્યના ચક્કરમાંથી સમાજ બહાર નહીં આવે ત્યાં સુધી સુખ અને આનંદને આડે આવેલું પાંદડું ખરશે નહીં. એ હકીકત પણ સમજવાની જરૂર છે કે,  જ્યાં સુધી આવી માન્યતાઓમાં વિશ્વાસ રહેશે ત્યાં સુધી સમાજ શોષિત જ રહેશે. લોકોને ખોટી, અવૈજ્ઞાનિક માન્યતાઓમાં વ્યસ્ત  રાખીને પોતાનો રોટલો રળવાનો અમુક વર્ગનું ષડયંત્ર ધર્મ, શાસ્ત્ર, ઈશ્વરને નામે ચાલે છે અને ચાલતું જ રહેશે, સિવાય કે આ બાબતે રેશનલ અભિગમ કેળવાય.
સુરત     – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top