બાલાસિનોરમાં ચાર બંધ મકાનના તાળા તૂટ્યાં, લાખોની ચોરીની શંકા

આણંદ : બાલાસિનોરમાં ઠંડી સાથે પોલીસ પેટ્રોલીંગ ઘટ્યું હોય તેમ તસ્કરો સક્રિય બન્યાં છે અને એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યાં છે. તેમાંય છોટી ગોકુલ વિસ્તારમાં ત્રાટકેલા તસ્કરોએ ચાર મકાનના તાળા તોડતાં લોકો ફફડી ઉઠ્યાં હતાં. બાલાસિનોર નગરના છોટી ગોકુલ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ગત રાત્રિએ એક સાથે ચાર બંધ મકાનોમાં તાળા તોડી મોટી રકમની ચોરી થતા નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે. સાઈબાબા મંદિર નજીક આવેલા છોટી ગોકુલ  વિસ્તારમાં રાત્રી દરમિયાન બંધ ચાર મકાનમાં તાળા તોડી ચોરી થતાં મકાનોના રહીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. છોટી ગોકુલ વિસ્તારમાં આવેલા દીપકભાઈ દશરથભાઈ નાયક, બાબુભાઈ સબૂરભાઈ પ્રજાપતિ, ભારતીબેન જયંતીલાલ પ્રજાપતિ, મહેશભાઈ દશરથભાઈ નાયકના બંધ મકાનના તાળા તોડી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરી થયા બાબતે પોલીસને જાણ કરી, આ બાબતે તપાસ કરવા વિનંતી કરવામાં આવી છે. આ ચાર  મકાન બંધ રહેતા હોવાનું અને રહીશો હાજર ન  હોઈ ,તેમાં મોટી રકમની ચોરી થયાની શંકા સેવાઇ રહી છે. કયા મકાનમાંથી કેટલી ચોરી થઈ તેની કોઇ ચોક્કસ માહિતી હજી સુધી પ્રાપ્ત થયેલ નથી. જોકે, આ સંદર્ભે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ પણ નોંધાઇ નહતી.

Most Popular

To Top