મહારાષ્ટ્રથી ટ્રકમાં દુર્ગંધ મારતું જ્વલનશીલ કેમિકલ ગુજરાતમાં પહોંચાડવાનું રેકેટ ઝડપાયું

પારડી: પારડી (Pardi) ને.હા.નં. 48 પર વાપીથી સુરત તરફ જતાં ટ્રેક (truck) પર તુલસી હોટલ પાસે મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરથી એક ટ્રકમાં દુર્ગંધ મારતું જ્વલનશીલ કેમિકલ (Flammable chemical) ગુજરાતમાં (gujarat) પહોંચાડવાનું રેકેટ (scam) પોલીસે ઝડપી પાડ્યું હતું. પોલીસે બે આરોપીની ધરપકડ કરી કેમિકલને GPCB અને FSLની ટીમને કેમિકલનું સેમ્પલ ટેસ્ટ કરવા લેબમાં મોકલી આપ્યું છે.

દુર્ગંધ મારતું જ્વલનશીલ કેમિકલ પારડી પોલીસે ઝડપી પાડ્યું
પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમ્યાન મળેલી બાતમીના આધારે શરીરને નુકસાન કરે તેવું દુર્ગંધ મારતું જ્વલનશીલ કેમિકલ ટ્રકમાં ભરી મહારાષ્ટ્રના પાલઘરથી અમદાવાદ તરફ લઈ જવાતું હતું. ટ્રક નં.એમ.એચ.48 એજી- 0034ને પારડી નજીક તુલસી હોટલ સામે હાઇવે પર પોલીસે રોકી તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં ઓવરલોડેડ ભરેલા પ્લાસ્ટિકના મીણીયાના કોથળાની આડમાં કેમિકલ મળી આવ્યું હતું.

GPCB અને FSLની ટીમે જ્વલનશીલ કેમિકલના સેમ્પલ લીધા
પોલીસે ટ્રક ચાલક મહેરાંજલી જેલફેકારઅલી ચૌધરી અને ક્લીનર કુતુબુદ્દીન કમાલુદ્દીન સીદીકી (બન્ને રહે. મુંબઈ મહારાષ્ટ્ર, મૂળ રહે.યુપી)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે મુદામાલ કબ્જે લઇ જ્વલનશીલ કેમિકલને GPCB અને FSLની ટીમને સેમ્પલ પરીક્ષણ કરવા લેબમાં મોકલી આપ્યું હતું. વધુ તપાસ પીએસઆઇ કે.એમ.બેરિયાએ હાથ ધરી છે. આ અગાઉ પણ કેટલીક વાર કેમિકલ ભરેલી ટ્રક ઝડપાય છે. જેમાં અગાઉ અંકલેશ્વરના માટીએડ ગામમાંથી પણ કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપાઈ હતી.

અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રક ઝડપાઈ
અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામની સીમમાં કેમિકલ સોલિડ વેસ્ટ ભરેલી ટ્રકને ગ્રામજનોએ ઝડપી પાડી હતી, અને તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ સ્થળ ઉપર જીપીસીબીની ટીમે આવી પહોંચી સોલિડ વેસ્ટનાં સેમ્પલો લઇ વધુ કાર્યવાહી શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના માટીએડ ગામની સીમમાં અવાવરુ જગ્યામાં ટ્રકમાં કંપનીનો કેમિકલયુક્ત સોલિડ વેસ્ટ તેમજ પ્રદૂષિત પાણીનાં ડ્રમ ભરીને નિકાલ કરવાની પેરવી કરવામાં આવી રહી હતી.

એ જ સમયે ગ્રામજનોએ ટ્રકને ઝડપી પાડી હતી. અને આ અંગે ગ્રામજનોએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ ટ્રકમાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં પ્રદૂષિત કચરો ભરેલાં ડ્રમ મળી આવ્યાં હતાં. જેમાં સોલિડ વેસ્ટ અને પ્રદૂષિત પાણી ભરેલું હોવાનું માલૂમ પડતાં આ અંગે જીપીસીબીને જાણ કરવામાં આવી હતી. જીપીસીબીની ટીમ સાથે એફએસએલની ટીમે આવી તપાસ હાથ ધરી હતી. જીપીસીબી દ્વારા સેમ્પલો લઇ વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. વધુમાં ટ્રકચાલકની પણ પોલીસ અને જીપીસીબી દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

Most Popular

To Top