પારડી: પારડી (Pardi) તાલુકાના ઉદવાડા (Udvada) આરએસ હાઈવે(R.S high way) ના ડિવાઈડર પર હાઈવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો માટે વાપી-મુંબઈ-સુરત તરફ જવા માટે અંતર દર્શાવતું સાઈન બોર્ડ (Sign board) મુકવામાં આવ્યું છે. જેને કોઈક અજાણ્યા વાહને ટક્કર મારતા જમીનદોસ્ત થઇ ગયું હતું. જેના કારણે સાઈનબોર્ડને નુકસાન થયુ હતું. આ ઉપરાંત ગુરુવારે રાત્રે બગવાડાથી પારડી સુધીમાં અલગ અલગ 3 થી 4 જેટલા અકસ્માતો (Accident) સર્જાયા હતા. જેમાં 5 થી 6 વાહનનો ખુરદો બોલાઈ ગયો હતો. અકસ્માતને પગલે ઉદવાડા હાઈવેથી બગવાડા ટોલનાકા સુધી વાહનોની લાંબી કતાર જામી હતી. ટ્રાફિકની સમસ્યાને લઇ કલાકો સુધી હાઈવે પર વાહન ચાલકો પરેશાન થયા હતા. જો કે, સાઈનબોર્ડને ટક્કર મારનાર અજાણ્યો વાહનચાલક ભાગી છૂટ્યો હતો. અકસ્માત બાદ સાઈનબોર્ડને હટાવવાની કામગીરી માટે આઇઆરબીની ટીમ સવારથી જ કામે લાગી ગઈ હતી. કલાકોની જહેમત બાદ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.
પારડી-નાનાપોંઢા માર્ગ ઉપર ટ્રકે અડફેટે લેતાં બાઈક ચાલકનું મોત
પારડી: પારડીથી નાનાપોંઢા જતા માર્ગ ઉપર નેવરી ગામે ટ્રક ચાલકે અડફેટે લેતાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત (death) નીપજ્યું હતું. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી હતી.
પારડીના પાટી ગામે હનુમાન ફળિયામાં રહેતા જવાહર નગીન પટેલ (ઉંવ.45) બાઇક લઈને નેવરી ગામે કામ અર્થે જવા નીકળ્યા હતા. તે દરમિયાન પારડીથી નાનાપોંઢા તરફ જતા રોડ ઉપર પાછળ આવતી ટ્રકના ચાલકે જવાહરભાઈની બાઈકને અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ તેમજ સંબંધીને થતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા. અકસ્માત અંગે મૃતકના ભાઈ વલ્લભ નગીન પટેલે ટ્રક ચાલક મનીષ રાઘવભાઈ ઉમરખાણીયા (રહે. રાજકોટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પારડી પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુરના માકડબન ગામમાં બાઇક અડફેટે રાહદારીનું મોત: બાઈક ચાલકને પણ ઈજા
ધરમપુર: ધરમપુર (Dharmpur) તાલુકાના માકડબન ગામમાં રસ્તા પર બાઇક ચાલકે રાહદારીને અડફેટે લેતા મોત થયું હતું. બાઇક ચાલકને પણ ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ પટેલ ફળિયા ભેંસધરાથી ધામણી જતા રોડ પર બન્યો હતો. બનાવની વિગત એવી છે કે માકડબન ગામના લાલજુભાઇ ઝુલીયાભાઇ ગાંગોડા રસ્તાની બાજુમાં ચાલીને જતા હતા ત્યારે ધામણી ગામનો બાઇક ચાલક વિપુલભાઇ છોટુભાઇ બરફ તેની બાઇકને પુરઝડપે લાવીને લાલજુભાઇને અડફેટે લેતા તેને ગંભીર ઇજા થઇ હતી. બાઇક ચાલક વિપુલને પણ ઇજા થતા પડી ગયો હતો. ગામના લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે લાલજુભાઇ ગાંગોડાને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત અંગે મરનારની દીકરી ભારતીબેન મલ્લુભાઇ ડામોરની ફરિયાદને આધારે વિપુલભાઇ બરફ સામે ધરમપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.