વાપીની કંપનીમાં ઝેરી ગેસના ગળતરના કારણે કંપનીમાં ઈમરજન્સી લાગુ કરાઈ

વાપી : વાપી (Vapi) જીઆઇડીસી (GIDC) સ્થિત બાયર કંપનીમાં શુક્રવારે એક્રિલોન નાઇટ્રાયલ કેમિકલ મેઝરીંગ (Acrylon Nitrile Chemical Measuring) ટેન્‍કના વાલ્‍વમાંથી ટ્રાન્‍સફર (Transfer) કરી રહ્યા હતા ત્‍યારે ઓપરેટર દ્વારા સક્શન પંપ પાઇપલાઇનના ફલેન્‍જ જોઇન્‍ટમાં (Flange joint) ગળતર જોવા મળતાં તરત જ કંપનીના ઇમરજન્‍સી કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. પ્‍લાન્‍ટ ઇન્‍ચાર્જ દ્વારા સાઇટની મુલાકાત લઇ લીકેજ ફલેન્‍જ જોઇન્‍ટનું રીપેરિંગ કરવા ફીટરને જણાવતાં આ રીપેરિંગ દરમિયાન જ ડાઇક વોલમાં ભેગું થયેલું એક્રિલોન નાઇટ્રાયલ કેમિકલને ઇગ્નીશન મળતાં અચાનક જ આગ (fire) લાગી હતી.

એક્રિલોનાઇટ્રાયલ ઝેરી ગેસનું ગળતર થતાં કલેકટર દ્વારા ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરાઇ
ટોક્સીક ગેસની વેપરથી ઓપરેટર અને ફીટર સ્‍થળ ઉપર જ ઢળી પડતાં કંપનીના ટેક્નિકલ હેડ એન.કે.શાહે કંપનીમાં ૧૦.૩૭ કલાકે ઓનસાઇટ ઇમરજન્‍સી ડીકલેર કરી હતી. ત્‍યારબાદ કંપનીના ફાયર ટેન્‍કર અને ટીમના સભ્‍યો દ્વારા એસ.સી.બી.એ. સેટ અને પી.પી.ઇ.નો ઉપયોગ કરી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તેમ છતાં આગ કાબુમાં આવી ન હતી. આ ઝેરી ગળતરથી બેભાન થયેલા એક કામદારને હરિયા હોસ્‍પિટલ ખાતે લઇ જવાયો હતા.

ઉપરાંત બે કામદારોને એન.ડી.આર.એફ.ના બે સભ્‍યોને કંપનીના જ ઓક્યુપેશનલ હેલ્‍થ સેન્‍ટરમાં સારવાર આપવામાં આવી હતી. આ ઝેરી ગેસના ગળતરની જાણ કંપનીના મેનેજમેન્‍ટ દ્વારા જિલ્‍લા ક્રાઇસીસ ગૃપના અધ્‍યક્ષ અને જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેને કરતાં જિલ્લા કલેક્ટરએ ર્તુત જ બાયર કંપની ખાતે ૧૧.૦૫ કલાકે ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર કરી હતી.

ડિસ્‍ટ્રીક ઓફસાઇટ ઇમરજન્‍સી પ્‍લાન અંતર્ગત મોકડ્રીલ યોજાઇ
ઓફસાઇટ ઇમરજન્‍સી જાહેર થતાં જ ડિસ્‍ટ્રિક્ટ ક્રાઇસીસ ગ્રૂપ દ્વારા તરજ વાપી અને જી.આઇ.ડી.સી.માંથી ફાયર ફાઇટર મંગાવી લેવાતા આગને કાબુમાં લેવામાં આવી હતી. આ ઝેરી ગેસથી અસરગ્રસ્‍ત થયેલા લોકોને પ્રાથમિક સારવાર કરી આશ્રયસ્‍થાનોમાં ખસેડવામાં આવ્‍યા હતા. ત્‍યારબાદ કંપનીની આજુબાજુના વિસ્‍તારોને વાપીના ટ્રાફિક વિભાગ દ્વારા એનાઉન્‍સ કરી એલર્ટ કર્યા હતા. આ વિસ્‍તારમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર વાપી મામલતદાર મહાકાલ અને પોલીસ વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. અંતે આગ કાબુમાં આવી જતાં મોકડ્રીલ પૂર્ણ જાહેર કરી હતી.

મોકડ્રીલમાં થયેલી ક્ષતિઓ બાબતે અંગુલિનિર્દેશ કરાયો
આ મોકડ્રીલ દરમિયાન ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યની કચેરી, જી.પી.સી.બી., પોલીસ તંત્ર તથા અન્‍ય વિભાગોના તમામ ટીમ લીડરો ઉપરાંત જિલ્લાની આરતી, અતુલ, યુ.પી.એલ., હુબર, એસકાન્‍ત વગેરે કંપનીના પ્રતિનિધિઓએ તેમને ફાળે આવેલી કામગીરી પૂરી નિષ્‍ઠાથી નિભાવી હતી. આ મોકડ્રીલ બાદ મળેલી બેઠકમાં જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્‍વાસ્‍થ્‍યના ઇ.ચા. નિયામક મકવાણા, જાગૃતિબેન ચૌહાણ, જી.પી.સી.બી.ના ટી.એન.રાણા, ડી.વી.ટંડેલ, જે.એસ.પટેલ વગેરે દ્વારા મોકડ્રીલ અંતર્ગત થયેલ કામગીરી બાબતે મોકડ્રીલના ઓબ્‍ઝર્વર અતુલ કંપનીના રવિન્‍દ્રભાઇ એસ.આહિરે મોકડ્રીલમાં થયેલી ક્ષતિઓ બાબતે અંગુલિનિર્દેશ કર્યો હતો.

Most Popular

To Top