ઉત્તર પ્રદેશ વિધાનસભાની મોટા દાવનો મંચ બની રહેલી ચૂંટણીમાં આશ્ચર્ય અને નાટકબાજીની ખોટ નથી. ઓમિક્રોનના ચેપના વાવાઝોડાં વચ્ચે મુખ્ય ખેલાડીઓ ભારતીય જનતા પક્ષ, સમાજવાદી પક્ષ અને કોંગ્રેસની જંગી જાહેર સભાઓની શ્રેણી પછી ભારતીય જનતા પક્ષમાંથી અન્ય પછાત જાતિના ધારાસભ્યો અને પ્રધાનોની હિજરતે ચૂંટણી જંગમાં ભારતીય જનતા પક્ષની દૃષ્ટિએ નવો વળાંક આણ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના વધુ પડતા આત્મવિશ્વાસની ભારતીય જનતા પક્ષમાં યોગી આદિત્યનાથે આચારસંહિતાના અમલ પહેલાં વિકાસ કામોની હારમાળા જાહેર કરી ત્યારે લાગતું હતું કે પક્ષનું પલ્લું ભારે થઇ રહ્યું છે. આમ છતાં સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવની સભાઓમાં ભારતીય જનતા પક્ષના ખેરખાંઓના મગજમાં ચિંતાની લાગણી પેદા કરી હતી. પણ તેમને એક વાતની ધરપત હતી કે મોદીએ મોરચામાં સારથિ બનવાનો અને તે દ્વારા બધું દાવ પર લગાવવાનો નિર્ણય કર્યો હોવાથી ચિંતા કરવાનું કારણ નથી. ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની હિજરત!! સાત વર્ષમાં આવું કદી બન્યું નથી. પક્ષના નેતાઓ જયારે ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપી રહ્યા હતા ત્યારે જ ભારતીય જનતા પક્ષના અન્ય પછાત વર્ગોના ધારાસભ્યો અને પ્રધાનોની હિજરત! લાગે છે કે 2022 ની વિધાનસભાની ચૂંટણી અનોખો રંગ ધારણ કરશે!
આ તમામ હિજરતીઓએ માત્ર 72 કલાકના ટૂંકા ગાળામાં જ રાજીનામાં આપી દીધાં! જામગરી બહુજન પક્ષના નેતા અને અન્ય પછાત વર્ગોના અગ્રણી સ્વામી પ્રસાદ મૌર્યે ચાંપી હતી. તેમણે ઓચિંતો આક્ષેપ કર્યો કે યોગી સરકાર અને ભારતીય જનતા પક્ષ દલિતો, પછાત વર્ગના લોકો, ખેડૂતો, બેરોજગાર યુવાનો અને નાના વેપારીઓ જેવા સમાજના મોટા ભાગના લોકોની અવગણના કરે છે.તેઓ તો લગભગ પાંચ વર્ષ સરકારનો એક હિસ્સો બન્યા હતા તો તેમને અચાનક ભાન થયું કે રાજયની સરકાર ખાસ કરીને અન્ય પછાત વર્ગો અને દલિતોની અવગણના કરે છે? આમ તો મૌર્ય અને તેમના ટેકેદારો પાટલીબદલુ છે અને મૌર્ય એક વખત માયાવતીની સરકારમાં અન્ય પછાત વર્ગોનું સ્વરૂપ હતા અને મુલાયમસિંહ અને તેમના દીકરા પર પ્રહાર કરવાની કોઇ તક છોડતા ન હતા તેથી તેમની વાત સાચી કેમ મનાય? હવે સમાજવાદી પક્ષના એક સમયના કટ્ટર ટીકાકાર મૌર્યના મોમાં અન્ય પછાત વર્ગોની ભારતીય જનતા પક્ષે ઉગાડેલી ફસલ જોઇને પાણી આવ્યું છે. અન્ય પછાત વર્ગોએ ભારતીય જનતા પક્ષને 2014 અને 2019 ની લોકસભાની ચૂંટણી તેમજ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ખોબેખોબા મત આપ્યા છે. આધારનો પાયો લપસવા માંડે તો ભારતીય જનતા પક્ષને ચિંતા થાય જ.
મૌર્યના રાજીનામાની ઘટના ગંભીર બાબત છે તેનું કારણ એ છે કે તેમની પાછળ દારાસિંહ ચૌહાણ આવ્યા છે. તેઓ બહુજન સમાજના ભૂતપૂર્વ સાથીદાર અને યોગી સરકારના સાથીદાર તેમજ મૌર્ય પછીના બીજા ક્રમના અન્ય પછાત વર્ગોના નેતા છે. એવી તે કઇ તાકીદ આવી પડી કે માત્ર 72 કલાકમાં તેમણે પણ રાજીનામું આપ્યું છે. તેમણે પણ મૌર્યની જેમ ભારતીય જનતા પક્ષ પછાત વર્ગો અને દલિતોની અવગણના કરતો હોવાનો આક્ષેપ કરી રાજીનામા માટે કારણ બતાવ્યું છે. ઉપરછલ્લી રીતે મૌર્ય અને દારાસિંહ ચૌહાણની વાત સાચી લાગે પણ સવાલ એ થાય કે ઓચિંતી ખબર પડી? હજી વધુ ધારાસભ્યોની ભારતીય જનતા પક્ષમાંથી વિકેટ પડવાની સંભાવના છે! ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પક્ષપલટુઓની પક્ષો વચ્ચે દોડધામ કંઇ નવી વાત નથી, પણ આશ્ચર્યની વાત એ છે કે આ ઉંદરડાઓ શાસક પક્ષની નવી ચૂંટણીમાં જીતની તક વધુ દેખાય છે ત્યારે તેમાંથી ભાગી રહ્યા છે. સવાલ એ થવો જોઇએ કે આ હિજરતીઓ સાથે રાજયના કે કેન્દ્રના ભારતીય જનતા પક્ષે કોઇ ઓરમાયું વર્તન કર્યું હતું? અગર તેવું જ હોય તો તેઓ પાંચ વર્ષ પડી કેમ રહ્યા? તેઓ તકની રાહ જોતા હતા?!
એ હકીકત છે કે અન્ય પછાત વર્ગના મૌર્ય અને દારાસિંહ ચૌહાણ સહિતના કોઇ નેતાને પ્રધાનમંડળમાં મહત્ત્વનું ખાતું અપાયું ન હતું અને મુખ્ય પ્રધાન એકહથ્થુ શાસન ચલાવતા હતા અને કોઇ પ્રધાનોનું સાંભળતા ન હતા. આ ભાગેડુઓને નવી ચૂંટણીમાં ટિકીટ આપવાનો ઇન્કાર થવાનો હતો? ભારતીય જનતા પક્ષ એમ જ કહે છે પણ ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણ સમાજ સિવાયના કહેવાતા ઉપલા વર્ગોએ દલિતો અને અન્ય પછાત વર્ગો અને લઘુમતીઓને દબાવી દેતાં તેઓ એક થઇ ગયા અને ભારતીય જનતા પક્ષ માટે પ્રશ્નાર્થો ખડા થઇ ગયા. મૂળ તો પહેલી વાર એકત્રિત હિંદુ છત્ર હેઠળ તમામ વર્ગોને આવરી લેવાની વાત થતાં સમાજના આ વર્ગોએ પહેલી વાર ખોબે ખોબા મત ભારતીય જનતા પક્ષને આપ્યા હતા. દલિતોની પ્રેરણા મૂર્તિ અને કેન્દ્રના ભૂતપૂર્વ પ્રધાન રામવિલાસ પાસવાન વગેરે જેવા અન્ય પછાત વર્ગોના પવન જોઇને પૂંઠ ફેરવતા રાજકીય નેતાઓ આકાશમાંનું લખાણ વાંચી શકશે?
- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.