સુરત: શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા દર વર્ષ સમૂહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી અલગ અલગ વિષયો પર થીમ રજુ કરીને સમુહલગ્નનું આયોજન કરવામાં આવે છે. સમાજ દ્વારા વર્ષ 1983 થી સમુહલગ્નનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે છેલ્લા 39 વર્ષમાં 5110 યુગલો સમૂહલગ્નોમાં જોડાયા છે અને 500 કરોડથી વધુ રૂપિયાની દાતાઓ તરફથી યુગલોને સહાય મળી છે. ઉપરાંત 10220 પક્ષકારોના 1 હજાર કરોડથી વધુનો ખર્ચ બચાવ્યો છે.
હાલની કોરોનાની સ્થિતિને કારણે અલગ અલગ સ્થળો પર સમુહલગ્નો કરાશે, પટેલ સમાજ તરફથી કન્યાને કરીયાવર અપાશે
કન્યાના પિતાને લગ્નવ્યવસ્થા તથા 100 માણસોના ભોજન માટે 20 હજારની સહાય કરાશે
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત દ્વારા વર્ષ 1983 થી સમુહલગ્નનું આયોજન કરે છે. દર વર્ષ મોટી સંખ્યામાં દાતાઓ તરફથી યુગલોને સહાય મળતી હોય છે. છેલ્લા 39 વર્ષથી 62 જેટલા સમુહલગ્નોત્સવનું આયોજન કર્યુ છે. જેમાં આજદીન સુધીમાં 5110 યુગલોએ પ્રભુતામાં પગલા માંડયા છે. તે યુગલોને સમાજ તરફથી 500 થી વધુ કરોડની અલગ અલગ રીતે સહાય મળી છે અને કુલ 10220 જેટલા પક્ષકારોના 1 હજાર કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ આ સમાજે બચાવ્યો છે. દર વર્ષે લોકોને જાગૃત કરવા માટે અલગ-અલગ થીમ પર સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આગામી 20 મી ફેબ્રુઆરીએ 63 માં સમુહલગ્નોત્સવમાં 121 યુગલો લગ્નગ્રંથીમાં જોડાશે.
વર્તમાન કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખી લગ્નવિધી અલગ અલગ સ્થળે થશે. પરંતુ તમામ લગ્ન મંડપ ડીઝીટલી જોડાયેલા રહેશે. સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. મુખ્ય સમારોહ સ્થળે આર્શિવચન કાર્યક્રમ પણ યોજાશે. આ રીતે વર્ચ્યુલી સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. સંસ્થા તરફથી દરેક કન્યાને કરીયાવર તથા કન્યાના પિતાને લગ્ન વ્યવસ્થા માટે તથા 100 વ્યકિતના ભોજન માટે રૂા. 20 હજાર આપવામાં આવશે. ખર્ચ ઓછા કરી દિકરીને બચત આપવાની જાગૃતિ માટે સમાજ તરફથી દરેક કન્યાને રૂા.10 હજાર ની એફ.ડી. પેટે આપવામાં આવશે. 121 સ્થળે દરેક યુગલને શુભેચ્છા અને કન્યાદાનની વસ્તુઓ આપવા સમાજના પ્રતિનિધી અગ્રણીઓ હાજર રહેશે.
પિતા વગરની 21 કન્યાને વધુ રૂા. 5 હજાર નું મામેરૂ મળીને 15 હજારની એફડી અપાશે
આ 63 માં સમુહલગ્નોત્સવમાં 121 યુગલો લગ્નગ્રંથીથી જોડાશે. સમુહલગ્નોત્સવમાં જોડાનાર 121 કન્યાઓમાં 21 દિકરીઓને પિતા નથી. આવી દિકરીઓને વિશેષ ચાંદલા સ્વરૂપે દરેકને વધુ રૂા. 5 હજાર નિતિનભાઇ બોરાળાવાળા તરફથી અપાશે. આમ કુલ 15 હજારની એફ.ડી.પેટે મળશે.