જે ફિલ્મના કેન્દ્રમાં અભિનેત્રી હોય તે ફિલ્મ માટે જાણીતા હીરો મળવા મુશ્કેલ હોય છે. તેમને થાય છે કે સામે ચાલીને પોતાનું સ્ટેટર્સ ડાઉન કોણ કરે? પણ એવું જાણીતા હીરો ન કરે એટલે બીજા અજાણ્યા અભિનેતાને જાણીતા થવાનો મોકો મળે. પવૈલ ગુલાટી તપાસી પન્નુને ‘થપ્પડ’ મારવા માટે પસંદ કરાયેલો અને તેણે જ તેને એક સારી તક પૂરી પાડી. પરદા પર જે હીરો તેની હીરોઇન વડે પછડાઇ તેને પ્રેક્ષકો તરત પસંદ નથી કરતા. પવાઇલ આ જાણતો હતો પણ જે નવા હોય તેના માટે આ રિસ્ક નહીં તક હોય છે. એ સુભાષ ઘઇની વ્હિસલીંગ વુડસમાં નસીરુદ્દીન શાહ પાસે અભિનય શીખ્યો હતો અને પછી નસીરના નાટકોમાં ય કામ કરેલું. પણ એટલાથી મુંબઇમાં જીવી ન શકાય એટલે ‘માય નેમ ઇઝ ખાન’ ફિલ્મમાં તેણે કલાકારોની પસંદગીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું પણ તેણે કરવી તો હતી એકટિંગ જ અને અનુરાગ કશ્યપ દિગ્દર્શીત યુદ્ધ ટી.વી. શ્રેણીમાં તક મળી. એ સિરીઝે તેને ‘ઘોસ્ટ સ્ટોરીઝ’ માં કામ અપાવ્યું. અનુરાગ કશ્યપે જ ‘થપ્પડ’ના દિગ્દર્શક અનુભવસિંહાને કહ્યું કે તાપસી સામે આને તક આપ.
અનુભવે તેને ઓડીશન માટે બોલાવ્યો અને પસંદ થયો. જોકે ત્યારે ખબર નહીં કે તાપસીના પતિની ભૂમિકા મળી એટલે તેને હીરો જ કહેવાય, વિલન પણ પૂરવાર થવાય. પણ ‘આર્ટિકલ 15’, ‘મુલ્ક’ના દિગ્દર્શકની ફિલ્મ હોય તો તેનું મહત્વ હતું. વાત તો સાચી હતી અને ‘થપ્પડ’ને કારણે જ ફરી તાપસી સાથેની ‘દોબારા’ મળી. સમજો કે પવાઇલકી તો નીકલ પડી. જોકે હવે અભિનેત્રી કેન્દ્રીય ફિલ્મોમાં તક મેળવતા અભિનેતા પણ ઓછા નથી એટલે પવાઇલ કાંઇ રોકેટ ગતિએ ઉડાન પકડે એ શકય નથી. તેણે ‘ના દૂજા કોઇ’ અને ‘ફલો’ નામની વિડીયો શોર્ટ ફિલ્મમાં કામ કર્યુ અને પછી સૈયામી ખેર સાથે ‘ફાડુ’ નામની વેબસિરીઝ મળી. હવે તેની પાસે વિકાસ બહેલની ‘ગુડબાય’ છે જેમાં અમિતાભ બચ્ચન, રશ્મિકા મંદાના સાથે કામ કરી રહ્યોં છે. અમિતાભ સાથે ‘યુદ્ધ’માં નાની ભૂમિકા કરવાની તક તેને મળી હતી ને હવે ફિલ્મમાં ફરી સંગાથ થયો છે. પવાઇલ જાણે છે કે તે જયારે કામ કરી રહ્યોં છે ત્યારે રણબીર કપૂર, રણવીર સીંઘ, વરુણ ધવનથી માંડી. રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના કામ કરી રહ્યાં છે. આ બધા વચ્ચે કામ મળવું સરળ તો નથી. પણ તે આવી સ્પર્ધાથી વધારે મહત્વ પોતાની જાત સાથેની સ્પર્ધાને આપે છે. બાકી અસલામતી તો રહેવાની જ. આ અસલામતી ત્યારે જ ઓછી થાય જયારે પોતાની ફિલ્મ રજૂ થાય ને લોકો વખાણે. પવૈલ બસ તેની જ રાહ જુએ છે.