સુરત: (Surat) વિશ્વના સૌથી મોટા ડાયમંડ જ્વેલરી (Diamond Jewelry) માર્કેટ એવા અમેરિકાના (America) જ્વેલરી શોખીનો માટે નાના અને ઓછા ખર્ચાળ તૈયાર હીરાનું ઉત્પાદન (Diamond production) કરતા સુરતના હીરાના વેપારીઓના એક મોટા વર્ગને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, વિશ્વની સૌથી મોટી રફ સપ્લાયર (Rough supplier) કંપની ડીબિયર્સ (De Beers) દ્વારા જાન્યુઆરી-2022ની પ્રથમ સાઈટમાં રફ ડાયમંડના (Rough Diamond) ભાવો 8થી 20 ટકા સુધી વધારવામાં આવતાં નાના હીરા ઉદ્યોગકારો (Small diamond industrialists) માટે વેપાર મુશ્કેલ બન્યો છે. એટલું જ નહીં તેઓ માટે વેપારમાંથી બહાર ફેંકાઈ જવાની ભીતિ સર્જાઈ છે.
ખાસ કરીને યુએસ (US) અને ચીનમાં (China) જ્વેલરી ગ્રાહકોની સુધરેલી માંગને પગલે ભારતમાં રફ હીરાની ખરીદી મોટી કંપનીઓએ વધારી છે. યુ.એસ.માં ગ્રાહકો દ્વારા વ્યાપકપણે નાના હીરામાંથી તૈયાર કરવામાં આવતા જ્વેલરી આર્ટિકલ્સની વધુ ડિમાન્ડ (Demand) રહે છે. કોરોનાના દોઢ વર્ષ પછી યુરોપના (Europe) દેશોમાં ડાયમંડ, જ્વેલરીની ડિમાન્ડ નીકળી હતી. કોરોનાની પ્રથમ અને બીજી લહેર વખતે હીરાની ખાણોમાં ઓપરેશન બંધ રહેતાં રફનું પ્રોડક્શન ઓછું રહ્યું હતું. જેના લીધે રફની શોર્ટ સપ્લાયનું (Short Supply) કારણ આપી ભાવો વધારવામાં આવ્યા છે.
ભાવ એટલા વધી ગયા છે કે, સુરતના નાના હીરા ઉદ્યોગકારોની ખરીદ શક્તિ બહાર થઈ ગયા છે. આ મામલો કાઉન્સિલ અને એસોસિએશન સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો છે. સુરત નાના હીરા ઉદ્યોગકારો સાઈટની મૂળ કિંમત સામે 10થી 15 ટકા પ્રીમિયમ ચૂકવી રફની ખરીદી કરતા હોય છે. 2021માં રફના ભાવો 30 ટકા જેટલા વધ્યા હતા. તેની સામે 2022ની પ્રથમ સાઈટમાં ભાવો ખૂબ વધીને આવ્યા છે.
ડીબિયર્સના સાઈટ હોલ્ડર્સ (Site holders) અથવા ક્લાયન્ટ્સ સમગ્ર વર્ષ દરમિયાન 10 સેલ્સ સાઇકલ દરમિયાન રફ હીરાની લોટમાં ખરીદી કરે છે. લગભગ 60 % માલ ઇન-હાઉસ પ્રોસેસિંગ માટે રાખવામાં આવે છે, બાકીનો સેકન્ડરી માર્કેટમાં વેચાય છે.
કોરોના છતાં એક જ વર્ષમાં જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટમાં 76 ટકાનો વધારો
સુરત: કોરોનાની ત્રીજી લહેર છતાં ભારતે જેમ્સ એન્ડ જવેલરીના એક્સપોર્ટમાં સારો દેખાવ કર્યો છે. 2021ના એક વર્ષમાં ભારતનો એક્સપોર્ટ 76 ટકા નોંધાયો છે. જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના (Gems & Jewelery Export Promotion Council) આંકડાઓ મુજબ નાણાંકીય વર્ષ 2021-22 માટે 40 બીલિયન ટારગેટ સામે 29 બિલિયનનો વેપાર થયો છે. હજી અઢી મહિના નાણાકીય વર્ષના અંત માટે બાકી છે. ડિસેમ્બર -2020માં 1.72 બિલિયન ડોલરનો એક્સપોર્ટ (Export) હતો. જે ડિસેમ્બર 2021માં વધીને 1.77 બિલિયન ડોલર નોંધાયો છે. એપ્રિલથી ડિસેમ્બર 2020 દરમિયાન 10.63 બિલિયન ડોલરની તૈયાર હીરાની નિકાસ નોંપાઈ હતી.જ્યારે એપ્રિલથી ડિસેમ્બર -2021 માં 69ટકાના વધારા સાથે 18 બિલિયન ડોલરથી વધુનો એક્સપોર્ટ નોંધાયો છે. લેબગ્રોન ડાયમંડની (Labgron Diamond) નિકાસમાં પણ એપ્રિલથી ડિસેમ્બર -2020 ની સરખામણીએ એપ્રિલથી ડિસેમ્બર -2021 માં 120 ટકાનો વધારો નોંધાયો છે.