હિન્દી ફિલ્મ સંગીતમાં પ્રદાન કરનારા પંજાબી છે, મરાઠી છે, ગુજરાતી છે, બંગાળી છે, દક્ષિણના છે, રાજસ્થાની છે, ઉત્તર પ્રદેશવાસી છે, કાશ્મીરી છે પણ આપણે તે બધાને અલગ કરીને જોતા નથી એટલે અલગ રીતે માન નથી આપતા. એ સંગીતકારો જુદા જુદા પ્રદેશના હોવાથી હિન્દી ફિલ્મ સંગીતમાં પાર વિનાનું વૈવિધ્ય છે. આમાં કયા પ્રદેશના સંગીતકારોએ વધારે અને ઉત્તમ પ્રદાન કર્યું એવું તારવવું પણ મુશ્કેલ છે. આજે એક બંગાળી ગાયક-સંગીતકાર વિશે વાત કરવાની છે એટલે કેટલાંક નામ યાદ કરીએ. એમાં પંકજ મલિકથી આરંભથી અનિલ બિશ્વાસ, સચિનદેવ બર્મન, સલીલ ચૌધરી, કમલદાસ ગુપ્તા, હેમંતકુમાર, રાહુલદેવ બર્મન, કાનુ રોય, ભપ્પી લહરી, કિશોરકુમાર, પ્રીતમ ચક્રવર્તી, શાંતનુ મોઇત્રાના હોઈ શકે. આમાં હજુ એક નામ શ્યામલ મિત્રાનું છે. તેમણે થોડી ફિલ્મોમાં સંગીત આપ્યું પણ અમાનુષના દિલ ઐસા કિસીને મેરા તોડા યા અને કલકે અપને ના જાને કહ્યું હો ગયે આજ પરાયે, આનંદ આશ્રમનું સારા પ્યાર તુમ્હારા મૈને બાંધ લિયા આંચલમેં અને રાહી નયે નયે રસ્તા નયા નયા, સફેદ જૂઠનું નીલે અંબર કે તલે જેવાં ગીતો તરત યાદ આવે.
શ્યામલ મિત્રાને બંગાળમાં જો કે ગાયક તરીકે વધારે યાદ કરવામાં આવે છે. 1950 થી 1965-70 સુધીમાં હેમંતકુમાર જેટલા જ તેઓ પ્રભાવી ગાયક હતા. ઉત્તમ કુમાર માટે તેમણે અનેક ગીતો ગાયાં. એ સમયગાળામાં હેમંતકુમાર, સલીમ ચૌધરી અને શ્યામલ મિત્રા બંગાળી ફિલ્મ સંગીતમાં છવાયેલા હતા. ઘણી વાર એવું બને કે હિન્દી ફિલ્મ સંગીતમાં વધારે સંગીતકારો વચ્ચે ટકવાનું હોવાથી કેટલાય સંગીતકારો પોતાના પ્રદેશની ફિલ્મોમાં વ્યસ્ત થઇ જાય છે. આપણા અવિનાશ વ્યાસની જેમ શ્યામલ મિત્રાએ પણ કરેલું. બાકી 1950 ના ગાળામાં તેઓ મુંબઇમાં સલીમ ચૌધરી સાથે હતા અને ‘મુસાફીર’, ‘બિરાજબહુ’ અને ‘નોકરી’ના સંગીત વેળા સલીલદાના મુખ્ય સહાયક હતા. તેઓ કલકત્તા ચાલી ગયા પણ શક્તિ સામંતના આગ્રહથી ફરી અમાનુષ, આનંદ આશ્રમ, ઉપરાંત બાસુ ચેટરજીની સફેદ જૂઠ, એફ.સી. મહેરાની બંદી વગેરેમાં સંગીત આપ્યું.
તેઓ બંગાળી ગીતિ, ચોટદાર ગાન વગેરેમાં પણ મોટું પ્રદાન છે. વર્ષો સુધી તેઓ ઓલ ઇન્ડિયા રેડિયો સાથે પણ જોડાયેલા રહ્યા હતા. એટલું જ નહીં શ્યામલ મિત્રાએ બંગાળમાં કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કરેલું. 14 જાન્યુઆરી 1929 માં કોલકાતામાં જન્મેલા શ્યામલ મિત્રા 1963 પહેલાં ફક્ત ગાયક તરીકે જ જાણીતા હતા. સંગીતકાર તરીકે જાણીતા થયા પછી પણ હેમંતકુમારની જેમ ગાયક તરીકે પણ પ્રતિષ્ઠિત રહ્યા. તેઓ મુંબઇ હતા ત્યારે મુસાફીરમાં એક આયે એક જાયે ગીત ગાયેલું અને તલત મહેમૂદે ગાયેલું અહા રિમઝિમ કે ગીત છે ને મૂળ શ્યામલ મિત્રાએ ગાયેલા અહા ઓઇ અંકાબંકા પોઠનું હિન્દી વર્ઝન છે. શ્યામલ મિત્રા અને ઉત્તમકુમાર ખૂબ નિકટના મિત્રો હતા. સાથે બેડમિન્ટન રમતા. હિન્દીમાં તેમનું કામ ઓછું છે તેથી તેમને ઓછા યાદ કરવામાં આવે છે. પરંતુ બંગાળમાંય તેમણે તલત મહેમૂદ, કિશોરકુમાર, સંધ્યા મુખર્જી અને હેમંતકુમાર પાસે ઘણાં ગીતો ગવડાવ્યાં છે. 15 નવેમ્બર 1987 માં તેમનું મૃત્યુ થયું ત્યારે બંગાળમાં શોક છવાયેલો. આજે તેમનો પુત્ર સંકેત મોટા ગાયક તરીકે ઓળખ પામ્યો છે. હિન્દી ફિલ્મમાં થોડું પણ યાદગાર પ્રદાન કરનારામાં શ્યામલ મિત્રા પણ છે.