ઉપરોક્ત શેર કહેવાય કે પા-શેર એની તો ખબર નથી પણ જ્યારે મારે પરાણે કવિ થવું હતું ત્યારે લખેલું. પ્રેક્ટિકલી જુઓ તો વાત મુદ્દાની કરી છે. પ્રેમનાં નામ પર તો કેટકેટલું સહન કરતાં હોય છે જાતે કરીને. ઉપર થી પાછા એવું આશ્વાસન પણ આપે પોતાની જાતને કે આપણો પ્રેમ સાચો છે ને એટલે આપણને તકલીફો પડે છે. અલ્યા ભઈ, સાચો તો તુંય નથી, તારા પ્રેમને કેમ સાચો ગણવો? વાત મૂળ એમ છે કે હમણાંનો એક સુરતનો જ કિસ્સો બન્યો. (જોકે જેની સાથે બને છે એ સિવાય કોઈ માટે આ નવી વાત નથી.)
એક સોળ-સતર વર્ષની છોકરીને ઈન્સ્ટાગ્રામ પર કોઈ છોકરો ફોલ્લો કરે છે અને મેસેજ કરીને બહેન બનાવે છે. થોડો સમય વાત કરીને બહેન માંથી ફ્રેન્ડ બનાવે છે. પછી પ્રેમ બતાવે છે અને એક કપલબોક્સ માં લઇ જઈને લગ્ન કરવાની વાત કરીને સેકસ કરે છે, એનો વિડિયો શૂટ કરે છે. પછી એના કોઈ દોસ્તને બતાવે છે અને મોકલી આપે છે. પછી પેલો દોસ્ત આ છોકરીની પાછળ પડે છે અને છોકરી જ્યારે એની વાત કબૂલ કરવા તૈયાર નથી થતી એટલે એ ફૂટેજને વાયરલ કરી દે છે.
અત્યારે તો એ લોકોને પકડીને આગળ કાર્યવાહી ચાલું કરી દેવાઈ છે પણ એટલાથી વાત અહીં ખતમ નથી થતી. આવા કિસ્સાઓ અઢળક બને છે. લાજ શરમની બીકે કેટલીય છોકરીઓ કોમ્પ્રોમાઈઝ કરી લેતી હશે. અહીંયા માત્ર વાંક આપણાથી પેલા છોકરાઓને જ દઈને છટકી ન જવાય. છોકરીઓ સાથે માબાપના એટલા કડક વલણ કે એ કશું જ શેર ના કરી શકે અને છોકરાઓ છે એટલે છૂટથી ફરે એવું લાયસન્સ આપી દેતા માબાપ નો પણ થોડોક વાંક તો ગણી જ શકાય. અને સૌથી મોટી ભૂલ આ નવી પેઢીની છે કે જેઓ સોશ્યલ મીડિયાને જ સર્વસ્વ સત્ય સ્વીકારી લે છે.
એકબાજુ સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને કૂલ હોવાનો દેખાડો કરતી પેઢી બીજી બાજુ ‘ફુલ’ – ડોબા જેવી છે. કોઈને જોતા જ એનાથી અંજાય ને થતો પ્રેમ એ પ્રેમ નહિ પણ આકર્ષણ જ છે. ‘વન કાઈન્ડ ઓફ હવસ કહી શકાય’. કોઈના દેખાવ, કોઈની (બાહ્ય) પર્સનાલિટી, કોઈનો અવાજ, કોઈની કળા કે પછી એનકેન બીજી રીતે પ્રભાવ માં આવો છો ત્યારે એમાં કશું જ વિચારતા નથી. જ્યારે કોઈ વ્યક્તિના પ્રેમમાં વિચાર્યા વગર પડો છો કે, પછી પ્રભાવમાં આવીને પ્રેમમાં પડો છો ત્યારે છેતરાવાના ચાન્સ વધી જાય છે. અને એના માટે તે પોતે જ જવાબદાર છે.
ઉપરોક્ત કિસ્સો એ કશો જ નવો નથી. આજની પેઢી માટે એ તદન સામાન્ય છે. ઇન્ફેક્ટ વધારે છોકરીઓ કે છોકરાઓ સાથે રીલેશનશીપ રાખવી કે પછી સેક્સ કરવું એ એક સ્ટેટસ બની ગયું છે. તમે કોઈ સાથે રીલેશનશીપ માં નથી કે તમે હજુ વર્જિન છો કે પછી તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર નથી રાખતા તો તમે નબળા છો-આવી પાયા વગરની માન્યતા આ પેઢીમાં ફેલાયેલી છે. જેને કારણે મારી આસપાસના દોસ્તો એવા છે, આવું કરે છે તો હુંય કરું એમાં ખોટું કશું જ નથી. આમ વિચારી એક ન દેખાય એવી કોમ્પિટિશન કરવા માંડે છે. અને આવા લોકોનો ભોગ જ્યારે કોઈ સીધા છોકરા કે છોકરીઓનાં છે ત્યારે કેટલીય જિંદગીઓ હેરાન થાય છે. કેટલાય પરિવારના દીવડાઓ ઓલવાય જાય છે.સૌથી વધુ યુવા ધન ભારત પાસે છે અને ટીનેજર્સ જો સૌથી વધુ આપઘાત કરતાં હોય તો એ દેશ પણ ભારત છે.
એવું બિલકુલ સમજવાનું નથી કે અહીંયા બધા ભોળા છે, અથવા તો એ ગમે તેની વાત માં આવી જાય છે. પણ, હા એટલું ચોકકસ કે એ વિચારતા નથી ત્યારે પ્રભાવ માં આવી જાય છે. આ સંદર્ભે એક વાર જય વસાવડા એ એમના વકતવ્ય માં કીધેલું કે, જો પાંચ-છ વર્ષ ની છોકરીઓને તેડવા કોઈ હાથ લાંબો થાય છે તો એ ત્યારે ઓળખી જાય છે કે ક્યો હાથ તેને રમાડવા લાંબો થયો છે અને કયો હાથ તેને રડાવવા. તો આ પચ્ચીસ- છવ્વીસ વર્ષની જ્યારે ભાગી જાય છે ત્યારે શું એને નહિ ખબર પડતી હોય? અહીંયા વાત એજ છે કે કોઈના પ્રભાવ માં આવીને પ્રેમ માં પડવા કરતાં એના એકચુઅલ સ્વભાવ ના પ્રેમ મા પડવું જોઈએ.
સાયકોલોજી પ્રમાણે કોઈ વ્યક્તિના પ્રભાવમાં તમે વધુમાં વધુ 3 મહિના રહી શકો. (જો એ દેખાડો હોય તો) અને વ્યક્તિને સંપૂર્ણ ઓળખતા ઓછામાં ઓછાં ત્રણ વર્ષ નીકળી જાય. તો પછી એકાદ મહિનો પણ નથી થતો ને તમે કોઈના પ્રેમ માં (પ્રભાવમાં) આવી જાઓ છો અને પછી જાતે કરીને દગો ખાવ છો તો એના માટે જવાબદાર તમે પોતે જ છો. ઉંમર કરતાં ઘણી વધારે મોટી થઈ ગઈ હોવાનો ડોળ કરતી આ પેઢી ખરેખર બહુ આગળ નીકળી ગઈ છે. એને પાછી વાળવી હોય તો એને ઘર માં પ્રેમ, સન્માન અને સમય આપવા જ પડશે. ઓવર પઝેસિવનેસ દર્શાવ્યા વગર એવો માહોલ ઊભો કરવો પડશે કે તમે એના દોસ્ત બની શકો. એની દરેક વાતો તમારા સુધી પહોંચાડી શકે એવી મોકળાશ તમારી વચ્ચે રાખજો. અને સૌથી ખાસ તો એમનાં પર વિશ્વાસ રાખો. પાણી માથાની ઉપર જાય એ પહેલાં માથું ઊંચું કરી લેજો. નહિતર છેલ્લે અફસોસ કરતાં તો આપણને આવડે જ છે.