મોટી નરોલી પાસે લકઝરી બસે અડફેટમાં લેતાં કારનો ભુક્કો બોલી ગયો, સુરત ITIના યુવાન પ્રોફેસરનું મોત

સુરત, હથોડા: (Surat) મોટી નરોલીથી નેત્રંગ તરફ જઇ રહેલી એક ઇકો કારને લકઝરી બસના ચાલકે અડફેટમાં (Accident) લીધા હતા. આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર સુરતના વતની અને નેત્રંગમાં આઇટીઆઇ પ્રોફેસરનું (ITI Professor ) ઘટના સ્થળે જ મોત (Death) નીપજ્યું હતું. આ અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક બસ મુકીને ફરાર થઇ ગયો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુતપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુરતના ભટાર રોડની જીવન સવિતા સોસાયટીમાં રહેતા નિકુંજ જયંતીભાઇ પરમાર પોતાની જીજે ઝીરો પ જેપી ૪૯૭૬ નંબરની ઇકો કાર લઈ સોમવારે સવારે સાતેક વાગ્યાના અરસામાં સુરતથી નેત્રંગ જઈ રહ્યાં હતાં. આ કારમાં સુરતના સિંગણપોર પાસે રિવરપાર્ક સોસાયટીમાં રહેતા અને નેત્રંગની આઇટીઆઇ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અલ્કેશ જેરામભાઇ મારૂ અને તેઓની સાથે સુરતમાં જ રહેતા પ્રતિક્ષાબેન નટવરભાઇ ગામીત પણ સવાર હતા. આજે સવારે આઠ વાગ્યાના અરસામાં ઇકો કાર કોસંબા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં મોટી નરોલી પાસે પહોંચી ત્યારે લકઝરી બસ અને ટ્રકની વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જય અંબે નામની લકઝરી બસ (નં.જીજે-19-એક્સ-9619) પુરપાટ ઝડપે આવી હતી અને ઇકો કારને અડફેટમાં લીધી હતી.

આ અકસ્માતમાં ઇકોકારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર નિકુંજભાઇને ગંભીર ઇજા થઇ હતી, આ ઉપરાંત પ્રતિક્ષાબેનને પણ ઇઝા થઇ હતી. જ્યારે અલ્કેશભાઇ મારૂનું ઘટના સ્થળે જ માથામાં ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. આ અકસ્માતને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા, આ ઉપરાંત 108ને પણ જાણ કરી દેવામાં આવી હતી.લોકોએ ક્રેઇનની મદદથી ઇજાગ્રસ્ત તેમજ મૃતકને ઇકો કારની બહાર કાઢ્યા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

બે વર્ષ બાદ ઉત્તરાયણમાં સહપરિવારે ખુશીનો દિવસ જોતા મૃતક અલ્કેશભાઇએ ભગવાનનો આભાર પણ માન્યો હતો
મરનાર અલ્કેશભાઇ પરિવારમાં એકના એક પુત્ર હતા. શહેરમાં કોરોનાની એન્ટ્રી થતાંની સાથે જ અલ્કેશભાઇના પિતા જેરામભાઇ મારૂ પણ કોરોનામાં સપડાયા હતા. અલ્કેશભાઇએ પિતા જેરામભાઇને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, જ્યાં અંદાજીત 6 મહિનાથી પણ વધુ કોરોનાની સારવાર થઇ હતી. આ દરમિયાન જેરામભાઇને અનેક પ્રકારની બીજી સમસ્યાઓ પણ થઇ હતી. પરંતુ મનના અડગ અલ્કેશભાઇએ કોઇપણ સ્થિતિમાં હાર માની ન હતી અને રાત-દિવસ જોયા વગર જ પિતાની સેવા કરી હતી.

બે વર્ષ બાદ હાલમાં જેરામભાઇ એકદમ સ્વસ્થ થઇ ગયા હતા. ઉત્તરાયણના તહેવારમાં તમામ પરિવારે સાથે પતંગ ચગાવીને તહેવારની મજા માણી હતી. આ દરમિયાન અલ્કેશભાઇએ પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ ઉપર પિતાની ખુશીનો અને પરિવારનો ફોટો મુકીને ભગવાનનો આભાર માન્યો હતો. ત્યાં બે જ દિવસમાં અલ્કેશભાઇનું માર્ગ અકસ્માતમાં મોત થતા પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં પરિણમ્યો હતો. મૃતક અલ્કેશભાઇને સંતાનમાં એકનો એક પુત્ર છે, જેની હાલમાં માત્ર પાંચ વર્ષની જ ઉંમર છે.

Most Popular

To Top